કચ્છખબરડૉટકોમ, ભુજઃ મુંદરા પોલીસ અને એસઓજીએ સંયુક્ત રીતે રેઈડ કરીને ૩૭ લાખના મૂલ્યના ૩૭ ગ્રામ કોકેઈન સાથે બે રાજસ્થાની યુવકોની ધરપકડ કરી છે. મુંદરાની હોટેલ સેફાયર સામે આવેલા ભક્તિપાર્ક-૨માં રહેતાં બેઉ યુવકો માદક પદાર્થનું છૂટક વેચાણ કરતાં હોવાની બાતમીના પગલે પોલીસે ડમી ગ્રાહક તૈયાર કરાવીને આજે પરોઢે પાંચ વાગ્યે બેઉને રંગેહાથ ઝડપી પાડ્યાં છે. મુંદરાના હેડ કોન્સ્ટેબલ રોહિતગીરી ગુંસાઈને બાતમી મળી હતી કે ભક્તિનગરમાં રહેતો દિનેશ બિરબલરામ ગુજ્જર (૨૬) અને દલારામ અમરારામ પરિહાર (૨૪ રહે. બંને સાંચોર, ઝાલોર, રાજસ્થાન) ડ્રગ્ઝનું છૂટક વેચાણ કરે છે. બેઉને રંગેહાથ પકડવા માટે પોલીસે એક નકલી ગ્રાહક ઊભો કર્યો હતો. બેઉ જણ પોલીસે બીછાવેલી જાળમાં સપડાઈ ગયાં હતાં.
સાંકેતિક ઈશારો થતાં જ પોલીસ ધસી ગઈ
આજે પરોઢે પાંચ વાગ્યે બેઉ જણે ડમી કસ્ટમરને ડ્રગ્ઝની ડિલિવરી લેવા માટે તેમના ઘરે બોલાવ્યો હતો. પોલીસે નક્કી કરેલી સાંકેતિક ઈશારા મુજબ બેઉ જણ ડ્રગ્ઝની ડિલિવરી આપવા માટે સંમત થતાં ડમી કસ્ટમરે તુરંત એક ખભે રહેલો રૂમાલ બીજા ખભે મૂકીને પોલીસને સૂચક ઈશારો કરી દીધો હતો. પોલીસે બંનેના ઘરની ઝડતી લેતાં ઘરના સેટી પલંગના ખાનામાં એક પ્લાસ્ટિકના ઝબલામાં ઝીપલૉકવાળી પ્લાસ્ટિકની પડીકીમાં રાખેલું કોકેઈન મળી આવ્યું હતું.
પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું કે પાંચ દિવસ અગાઉ ૧૯ એપ્રિલના રોજ સાંચોર ગયો હતો ત્યારે દિનેશના કહેવા મુજબ દિનેશના પરિચિત સેન્ડી બિશ્નોઈ નામના ડ્રગ્ઝ પૅડલર પાસેથી આ માલ ખરીદયો હતો.
પોલીસે બંને સાથે સેન્ડી વિરુધ્ધ પણ ગુનો દાખલ કર્યો છે. દરોડાની કામગીરીમાં મુંદરા પીઆઈ આર.જે. ઠુંમર, એસઓજી પીઆઈ કે.એમ. ગઢવી, મુંદરા પીએસઆઈ એન.પી. ગોસ્વામી સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો.
Share it on
|