click here to go to advertiser's link
Visitors :  
17-Jun-2026, Wednesday
Home -> Mundra -> Two 17 year old friends drown to death in Narmada canal near Bhorara Mundra
Friday, 06-Feb-2026 - Mundra 51466 views
મુંદરાના ભોરારા નજીક નર્મદા કેનાલમાં ૧૭ વર્ષના બે મિત્રોના ડૂબી જવાથી મોત
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરાના ભોરારા પાસે વહેતી નર્મદા કેનાલે વધુ બે માનવ જીવનો ભોગ લીધો છે. કેનાલ પાસે ફરવા આવેલાં કિશોર વયના બે મિત્રોના ઊંડા પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યાં છે. બેઉ કિશોરો મુંદરામાં એક જ ટ્યુશન ક્લાસમાં ભણતાં હતા. મુંદરા પોલીસ મથકે જાહેર થયેલી વિગતો મુજબ મરણ જનાર સાગર અશોકકુમાર પાંડે (રહે. શ્રીજીનગર, બારોઈ રોડ) અને અપૂર્વ દેવેન્દ્રભાઈ ગઢવી (રહે. કલાપૂર્ણ રેસિડેન્સી, બારોઈ) સાંજે પાંચ વાગ્યે એક્ટિવા લઈને કેનાલ પર ટહેલવા આવ્યા હતા.

રાત્રે આઠ વાગ્યા સુધી ઘરે પરત ના ફરતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરેલી. સાગર અને અપૂર્વના ત્રીજા મિત્રએ પરિચિતોને જણાવેલું કે સવારે અમે ટ્યુશન ગયેલાં. ત્યારબાદ ગૃપમાં કેનાલ પાસે ફરવા જવાનું પ્લાનીંગ કરેલું. મારે સામાજિક કામમાં જવાનું હોઈ મેં ના પાડેલી.

પરિવારજનોએ ભોરારા કેનાલ પાસે તપાસ હાથ ધરતાં પાર્ક થયેલી એક્ટિવા અને ચપ્પલ મળી આવ્યાં હતા.

મોડી રાત્રે ભુજ નગરપાલિકાની ફાયર બ્રિગેડના લાશ્કરોએ રાત્રિના અંધકારમાં સર્ચ લાઈટ અને રસ્સાની મદદથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. મધરાતે વારાફરતી બેઉના મૃતદેહ મળી આવ્યાં હતા. બેઉ જણ ધોરણ ૧૧ અને ૧૨માં ભણતાં હતા અને અભ્યાસમાં ખૂબ તેજસ્વી હતા. બબ્બે ઘરના કુળદીપકો આમ અચાનક ઓલવાઈ જતાં બેઉ પરિવારો પર જાણે વજ્રાઘાત થયો છે. બનાવે સમગ્ર મુંદરા પંથકમાં અરેરાટી સર્જી છે.

Share it on
   

Recent News  
શિરવામાં ગેરકાયદે મકાનો તોડી પડાવાનો ખાર રાખીને ગામના યુવક પર જીવલેણ હુમલો
 
યુવતીએ ટ્રાન્સપોર્ટરને દોસ્તીની જાળમાં ફસાવી પતિ સાથે મળી ૪.૬૭ લાખનો માલ પડાવ્યો
 
નુંધાતડમાં ખનિજ ચોરીના સુવ્યવસ્થિત કારસાનો પર્દાફાશઃ ફ્લાઈંગ સ્ક્વોડનું ઓપરેશન