click here to go to advertiser's link
Visitors :  
13-Sep-2026, Sunday
Home -> Mandvi -> Grudge over Demolition Drive Leads to Murderous Assault on Youth in Mandvi
Wednesday, 17-Jun-2026 - Mandvi 43516 views
શિરવામાં ગેરકાયદે મકાનો તોડી પડાવાનો ખાર રાખીને ગામના યુવક પર જીવલેણ હુમલો
કચ્છખબરડૉટકોમ, માંડવીઃ દસ દિવસ અગાઉ સરકારી તંત્રોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે માંડવીના શિરવા ગામે બે માથાભારે શખ્સોએ સરકારી જમીન પર ગેરકાયદે ચણી નાખેલા આલિશાન મકાનો પર બુલડોઝર ફેરવી નાખ્યું હતું. તંત્રએ અંદાજે એક હજાર ચોરસ મીટર પરનું દબાણ હટાવીને ૯૩.૬૨ લાખની કિંમતની જમીન દબાણમુક્ત કરેલી. આ દબાણ હટાવવામાં પંચ તરીકે રહેલા ગામના એક યુવક પર ખાર રાખીને માથાભારે શખ્સોના પુત્રો-જમાઈએ પાઈપ ધોકાથી ઘાતક હુમલો કર્યો છે.

ગઈકાલે સવારે સરાજાહેર થયેલા હુમલાની વીડિયો ક્લિપ ભારે વાયરલ થયેલી. દસેક દિવસ અગાઉ માંડવી પોલીસ અને મામલતદારે સંયુક્ત કાર્યવાહી હાથ ધરીને શિરવા ગામે કાદરશા લતીફશા સૈયદ અને તેના જમાઈ અકબરશા દાવલશા સૈયદના ગેરકાયદે મકાનો જમીનદોસ્ત કર્યાં હતા.

ડિમોલીશનની કામગીરી સમયે ૨૪ વર્ષિય રીઝવાન ઈસ્માઈલ શીરુ પંચ તરીકે હાજર રહેલો.

ગઈકાલે મંગળવારે સવારે પોણા નવના અરસામાં રીઝવાન ગઢશીશા ત્રણ રસ્તા પાસે ચાની હોટેલ પર મિત્ર સોયેબ ચૌહાણ અને સંબંધી ગફુરભાઈ જોડે વાતો કરતો હતો. તે સમયે કાદરશાના બે પુત્રો હકીમશા અને જમીલશા, કાદરશાના જમાઈ અકબરશા અને તેના ભાઈ નુરઅલીશા સૈયદે બે બાઈક અને મોપેડ પર ધોકા-પાઈપ સાથે ધસી જઈને હુમલો કર્યો હતો.

ડિમોલીશનમાં તે બહુ રસ લીધેલો, આજે પતાવી દેવો છે

‘અમારા મકાનોના ડિમોલીશનમાં તે બહુ રસ લીધો હતો અને ડિમોલીશન સમયે તું પંચ તરીકે હાજર રહેલો, તારી જુબાની ફેરવી નાખજે, આજે તો પતાવી જ દેવો છે’ કહીને હુમલો કરેલો. હુમલા સમયે નજીકમાં ઉભેલા સોયેબ ચૌહાણને ખભા પર પાઈપ વાગી હતી.

હુમલાથી બચવા રીઝવાને દોટ મૂકી ત્યારે તેની વાહનોથી પીછો કરી ટક્કર મારીને નીચે પટકીને માર માર્યો હતો.

હુમલામાં રીઝવાનને ઠેર ઠેર મુઢ માર સાથે આંગળીમાં ફ્રેક્ચર થઈ ગયું છે. હુમલાના આગલા દિવસની સવારે કાદરશાએ પણ રીઝવાનને રસ્તામાં રૂબરૂ મળીને ‘તું અમારી નજરમાં જ છે, ધ્યાન રાખજે. મારા છોકરાઓને કહ્યું છે કે રીઝવાન જ્યાં દેખાય ત્યાં તેના ટાંટિયા ભાંગી નાખજો’ કહીને ધમકી આપેલી.

LCBએ ત્રણ હુમલાખોરોને ઝડપી પાડ્યાં

પોલીસે કાદરશા સહિતના તમામ પાંચે આરોપીઓ સામે પૂર્વ આયોજીત કાવતરું ઘડીને, જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરવા સહિતની કલમો તળે ગુનો દાખલ કર્યો છે. ઘટનાને ગંભીરતાથી લઈ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગત મોડી રાતે ડુમરા વાડી વિસ્તારમાં છૂપાયેલાં જમીલશા, હકીમશા અને નુરઅલીશા ઊર્ફે દાદાની ધરપકડ કરી લીધી હતી.

Share it on
   

Recent News  
કંડલા OTB નજીક કોલસો ભરેલું વિશાળ જહાજ અન્ય શિપ સાથે ટકરાઈને જળસમાધિના આરે
 
કંડલામાં એ મજૂરનું મોત રોડ અકસ્માતમાં નહીં પણ ૩૦ ફૂટ ઉપરથી નીચે પડવાથી થયેલું
 
‘સિંઘમ સ્ટાઈલ’માં ખનિજ ચોરી પર રેઈડ કરવા નીકળેલાં IAS ખરેખર પથરાં ખાતાં બચ્યાં?