કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ ભારે વરસાદથી કણસી રહેલાં મુંદરા નગરને બેઠું કરવા સહિયારા મળીને પ્રયાસો કરવાના બદલે મુંદરા મામલતદાર અને મુંદરા નગરપાલિકાના મહિલા અધ્યક્ષા વચ્ચે જાહેર લડાઈ છેડાઈ જતાં જોવા જેવી થઈ છે! નગરપાલિકા પ્રમુખે મામલતદાર તોછડાઈથી વર્તતા હોવાનું જણાવી તેમની સાથે મળીને હવે પછી કોઈ જ કામ નહીં થઈ શકે તેમ જાહેર કરતાં ચૂંટાયેલાં જનપ્રતિનિધિઓ અને વહીવટી તંત્રમાં ભારે ગરમી વ્યાપી ગઈ છે. ભારે વરસાદ બાદ આજે તંત્ર દ્વારા શહેરના અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે હાથ ધરાયો હતો. ભાજપશાસિત પાલિકાના પ્રમુખ રચનાબેન જોશીએ જણાવ્યું કે આ અંગે મામલતદારે પાલિકાના લાગતાં વળગતાં સૌને મેસેજ મોકલી દીધાં હતાં. ત્યારબાદ સર્વેની કામગીરી અંતર્ગત પૂર અસરગ્રસ્ત વૉર્ડ નંબર ત્રણમાં પાલિકા પ્રમુખ સહિતના પદાધિકારીઓ સ્થળ પર પહોંચ્યાં હતાં. મામલતદાર કલ્પનાબેન ગોંદિયા કારમાં ત્યાં આવ્યાં હતાં.
રચનાબેનના આરોપ મુજબ ચાર ફૂટ ભરાયેલાં પાણીમાં અમારી સાથે આવવાનો મામલતદારે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો અને તમે અમારા બૉસ નથી કહીને ગાડીમાંથી પગ નીચે ઉતાર્યાં વગર નીકળી ગયાં હતાં.
આવા સમય અને સંજોગોમાં સરકારી તંત્રોએ પરસ્પરના સંકલન અને સહકારથી કામ કરવું જોઈએ તેના બદલે મામલતદારે પાલિકા કંઈ જ કામ કરતી નથી અને અમે જ બધું કરીએ છીએ તેવો અભિગમ દાખવીને ગેરવર્તાવ કર્યો હતો. એટલું જ નહીં,
કલ્પનાબેને રચનાબેનને સૂણાવી દીધું હતું કે ‘તમારે જ્યાં મારી ફરિયાદ કરવી હોય ત્યાં કરી લેજો’
મામલતદારની ઉધ્ધતાઈથી રોષે ભરાઈને મહિલા પ્રમુખ રચનાબેન પૂર્વ પ્રમુખ અને નગરસેવક કિશોરસિંહ પરમાર, કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી સહિતના નગરસેવકો તથા સ્થાનિક અસરગ્રસ્તોને લઈ મામલતદાર કચેરીએ પહોંચ્યાં હતાં.
કચેરીમાં પણ મામલતદાર અને પ્રમુખ તથા પાલિકા પદાધિકારીઓ વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી.
કારોબારી ચેરમેન ગઢવીએ મામલતદાર કલ્પનાબેનને તાત્કાલિક હટાવીને બીજા સારા અધિકારીને મૂકવા માધ્યમો સમક્ષ રજૂઆત કરી છે. સમગ્ર મુદ્દે કચ્છખબરે કલ્પનાબેનનો સંપર્ક કરતાં તેમણે આવી કોઈ ઘટના ઘટી ના હોવાનું અને તેમના પર થયેલાં આરોપ તથ્યહિન હોવાનું જણાવી વધુ અભિપ્રાય આપવાનું ટાળ્યું હતું. બે વગદાર મહિલાઓ વચ્ચેની આ બબાલ કચ્છભરમાં ચર્ચાના ચગડોળે ચઢી છે. કારણ કે, ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ વચ્ચે મતભેદ કે મનભેદ થતાં હોવા છતાં કદી કોઈ એક પક્ષ દ્વારા આવા જાહેર આરોપ અને અસહકારની વાત ઉચ્ચારાઈ નથી. ઉલ્લેખનીય છે કે, કલ્પનાબેન ગોંદિયા અગાઉ ભુજમાં મામલતદાર તરીકે ફરજ બજાવતાં હતાં.
Share it on
|