કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરા બંદર પરથી એક્સપોર્ટ ઈમ્પોર્ટ થતા કિંમતી માલ સામાનના કન્ટેઈનરના ડ્રાઈવરોને ફોડીને, ભોરારા પાસે આવેલી મોમાય હોટેલ પાછળ આ કન્ટેઈનરોમાંથી માલ-સામાનની ચોરી તફડંચી કરી લેવાના રેકેટનો પર્દાફાશ થયો છે. ચોરી કરતી ગેંગ પૂર્વ આયોજન મુજબ ટ્રાન્સપોર્ટ પેઢીઓમાં મળતિયા ડ્રાઈવરોને નોકરીએ રખાવતી હોવાનું બહાર આવ્યું છે. આ ગેંગે ૪૫.૫૧ લાખના ઈસબગુલ અને તલની ચોરી કરી લીધી હોવાની મુંદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. ગાંધીધામ નજીક ગળપાદરમાં ટ્રાન્સપોર્ટ પેઢી ધરાવતા જયેશ ગામોટે પોલીસને જણાવ્યું કે તેમને ત્યાં છેલ્લાં દોઢ વર્ષથી ડ્રાઈવર તરીકે રાજસ્થાનનો બન્નાલાલ ઊર્ફે ક્રિષ્ણા ગુર્જર નોકરી કરે છે. બન્નાલાલની ભલામણથી તેમની પેઢીએ એપ્રિલ માસમાં રાજબહાદુરસિંહ ઊર્ફે રણજીત રામસિંહને ડ્રાઈવર તરીકે નોકરી રાખેલો. તો, રાજબહાદુરની ભલામણથી તેમણે તીકમસિંહ નામના અન્ય એક યુવકને ડ્રાઈવર તરીકે નોકરીએ રાખેલો.રાજબહાદુર અને તીકમ બંને રાજસ્થાનના વતની છે.
નવા સવા ડ્રાઈવરોએ તલ ઈસબગુલની ટ્રીપ મારેલી
૨૬ એપ્રિલે તેમની પેઢીને મળેલા ઓર્ડર મુજબ તેમણે મુંદરાથી એક ખાલી કન્ટેઈનર લોડ કરાવીને રાજબહાદુરને ઊંઝા મોકલેલો. ત્યાંથી કન્ટેઈનરમાં ૨૦.૧૫૫ ટન ઈસબગુલ લોડ કરાયેલું. આ કન્ટેઈનર ૨૯ એપ્રિલના રોજ રાજબહાદુર ડાયરેક્ટ ઊંઝાથી મુંદરા પોર્ટ ખાતે અનલોડ કરી આવ્યો હતો. બીજી મેના રોજ આ જ રીતે મુંદરાથી ખાલી કન્ટેઈનર લઈ સિધ્ધપુરથી તેમાં તલ ભરાવીને તે કન્ટેઈનર ડાયરેક્ટ મુંદરા પોર્ટ અનલોડ કરી દેવા તેમણે તીકમસિંહને મોકલેલો. ૬ મેના રોજ તીકમસિંહ ૨૭.૨૩૫ ટન તલ ભરેલું કન્ટેઈનર સીધો ઊંઝાથી મુંદરા પોર્ટ ખાતે અનલોડ કરી આવ્યો હતો.
ટ્રીપ માર્યા બાદ ડ્રાઈવરો પગાર લીધા વગર ગાયબ થયાં
તલ ભરેલું કન્ટેઈનર અનલોડ કર્યા બાદ તીકમસિંહ ટ્રેલરને પેઢીની મુંદરા ઑફિસ પાસે બિન વારસી હાલતમાં રાખીને, કશું જ મહેનતાણું લીધા વગર ફોન બંધ કરીને ગાયબ થઈ ગયેલો. ફક્ત ત્રણ જ દિવસની નોકરી અને એક જ ટ્રીપ મારીને તીકમસિંહ આમ કેમ જતો રહ્યો તે અંગે સૌ વિચારતાં થઈ ગયેલાં. ત્યાં તો નોકરી લાગ્યાના ૧૬મા દિવસે રાજબહાદુર અને પેઢીનો બીજો એક ડ્રાઈવર અર્જુનસિંહ ઊર્ફે દીપક પણ બાકી નીકળતો પગાર મહેનતાણું લીધા વગર ગાયબ થઈ ગયેલાં. ફરિયાદીને કંઈક ખોટું થયું હોવાનો અંદેશો હતો પરંતુ કશી કડી મળતી નહોતી. આખરે પાછળથી તેમને નક્કર વાસ્તવિક્તા જાણવા મળી હતી.
માલ પહોંચ્યો ત્યારે ખબર પડી કે અમુક જથ્થો ચોરાયો છે
તલ અને ઈસબગુલ ભરેલો માલ જ્યાં એક્સપોર્ટ થયો હતો ત્યાંથી સંબંધિત પેઢીને જાણકારી અપાઈ હતી કે તલના કન્ટેઈનરમાંથી ઈસબગુલની ૨૫ કિલોની એક એવી ૧૭૫ બેગ કે જેનું કુલ વજન ૪.૩૭૫ ટન અને મૂલ્ય ૩૨ લાખ થાય છે તે કન્ટેઈનરમાંથી ઓછું નીકળ્યું હતું. એ જ રીતે, તલના કન્ટેઈનરમાંથી પણ ૧૩.૫૧ લાખની કિંમતના ૭.૫૫૨ ટન તલનો જથ્થો ઓછો મળ્યો હતો.
GPS લોકેશન ટ્રેક કરતાં ભોરારાનો હોલ્ટ ટ્રેક થયો
ટ્રીપ મારનારા ડ્રાઈવરો તો ફોન બંધ કરીને ગાયબ થઈ ગયા હતા. તેમનો કોઈ પત્તો મળતો નહોતો. ફરિયાદીએ ટ્રેલરોમાં લાગેલા જીપીએસ લોકેશનને ટ્રેક કરતા જાણવા મળ્યું હતું કે આખા રસ્તે બંને ટ્રેલરો ફક્ત મુંદરાના ભોરારા નજીક આવેલી મોમાય હોટેલ પાછળ લાંબા સમય સુધી હોલ્ટ રહ્યા હતા. ફરિયાદીએ ચેક કરતાં ૨૫ એપ્રિલના રોજ પેઢીના અન્ય એક ડ્રાઈવર સૂરજસિંગે પણ ઊંઝાથી આ રીતે એક કન્ટેઈનર મુંદરા પોર્ટ અનલોડ કર્યો હોવાનું ધ્યાને આવ્યું હતું. સૂરજસિંગ નોકરી છોડી નહોતી. તેણે પણ આ જ હોટેલ પાછળ લાંબા સમય સુધી ગાડી હોલ્ટ કરી હતી.
સામખિયાળીથી લિફ્ટ લેનાર બે જણની ભેદી ભૂમિકા
સૂરજસિંગને પણ બન્નાલાલે જ નોકરીએ રખાવ્યો હતો. ફરિયાદીએ સૂરજસિંગને વિશ્વાસમાં લઈ પૂછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે ઊંઝાથી માલ લઈને તે મુંદરા પરત ફરતો હતો ત્યારે સામખિયાળીથી અર્જુનસિંહ ઊર્ફે દીપકસિંહ અને યોગેશ ઉદાવત નામના બે જણે તેની પાસે મુંદરા સુધીની લિફ્ટ માગી હતી. સૂરજને નોકરી લગાડવામાં અર્જુને પણ ભલામણ કરી હોઈ તે રીતે તેને ઓળખતો હતો.
રસ્તામાં ભોરારા આવતા અર્જુન અને યોગેશે મોમાય હોટેલ પાસે ચા નાસ્તો કરવાના બહાને ટ્રેલર હોલ્ટ કરાવેલું. અર્જુને તેને થોડોક આરામ કરી લેવા જણાવતાં તે થોડીકવાર માટે આડો પડ્યો હતો.
સૂરજ ઉઠ્યો ત્યારબાદ બેઉ જણ તારે તો ડાયરેક્ટ પોર્ટમાં જવાનું છે અને અમારે મુંદરા જવાનું છે કહીને ત્યાંથી મુંદરા જવા નીકળી ગયેલાં. ફરિયાદીને આશંકા છે કે સૂરજ જે માલનું કન્ટેઈનર લઈને આવેલો તેમાંથી પણ ચોરી થઈ છે. જો કે, આ માલ હજુ ગંતવ્ય સ્થાને પહોંચ્યો નથી એટલે હજુ સુધી કશી ખબર નથી પડી.
આ ગેંગ કન્ટેઈનરોમાંથી કરે છે ચોરીઓ
પ્રાથમિક તપાસમાં ભોરારાની આ હોટેલ પાછળ ગફૂર હાલેપોત્રા, વીકી વાળંદ, ધૃવરાજ જેઠવા અને તેના મળતિયાઓ કન્ટેઈનરોમાંથી માલની ચોરી તફડંચી કરતાં હોવાનું બહાર આવ્યું છે. અર્જુન અને યોગેશે કાવતરું રચીને રાજબહાદુર અને તીકમસિંહ જેવા ડ્રાઈવરોને ફરિયાદીની ટ્રાન્સપોર્ટ પેઢીમાં નોકરીએ રખાવી, તેમને ફોડીને મુંદરાની લોકલ ગેંગ મારફતે ૪૫.૫૧ લાખના ઈસબગુલ અને તલની ચોરી કરાવી હોવાની મુંદરામાં ફરિયાદ નોંધાવાઈ છે.
Share it on
|