કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ પૂર્વ કચ્છમાં કાળચક્ર ફરી વળ્યું હોય તેમ વિવિધ ત્રણ દુર્ઘટનામાં બે કિશોરી સહિત પાંચના અપમૃત્યુ થયાં છે. ભચાઉ નજીક વરસાણા બ્રિજ નજીક સિમેન્ટ પાઈપ ભરેલી ટ્રકે મીની ટેમ્પોને પાછળથી ટક્કર મારતાં ૩ યુવકના મોત થયાં છે બીજી તરફ, રાપર તાલુકાના બાલાસર પોલીસ મથકની હદમાં આવતા અંતરિયાળ જાટાવાડા ગામ પાસે ખનિજ માફિયાઓએ ખોદેલી પાણી ભરેલી ઊંડા ખાડામાં ડૂબી ગયેલી બે કિશોરીના ફાયર બ્રિગેડની મદદથી ૩૬ કલાકે મૃતદેહ બહાર નીકળ્યાં છે.
ભચાઉ નજીક ટ્રકની ટક્કરે ત્રણ શ્રમિકના મોત, બે ગંભીર
ભચાઉના વરસાણા ઓવરબ્રિજ પાસે ઓસવાલ કંપની સામે આજે સવારે સાડા સાતના અરસામાં ઝારખંડ અને પશ્ચિમ બંગાળના શ્રમિકોને લઈ જતા મીની ટેમ્પો (બડા દોસ્ત)ને પાછળથી સિમેન્ટ ભરેલી ટ્રકે ટક્કર મારતાં ત્રણ શ્રમિકોના મૃત્યુ નીપજ્યાં હતા. અન્ય સાતથી આઠ જણને ઈજાઓ પહોંચી હતી.
મૃતકોમાં ઝારખંડના બોકારોના નિર્મલ અમર બાઉરી (ઉ.વ. ૨૦), રમેશ કિરણ ડોંગ (૩૪) અને પશ્ચિમ બંગાળના લક્ષ્મણ સંતોષ બાઉરી (૪૮)નો સમાવેશ થાય છે.
મૃતકો ભચાઉ નજીક આવેલી બુંગે કંપનીમાં નાઈટ શિફ્ટમાં મજૂરી કરીને ગાંધીધામ પડાણા પાસે આવેલી વસાહતમાં જતા હતા ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. ટ્રકની ટક્કરથી તેમનું વાહન પલટી ખાઈ ગયું હતું. દુર્ઘટનામાં અન્ય સાતથી આઠ જણાં ઘવાયાં છે જે પૈકી બે જણની હાલત ગંભીર છે. બનાવ અંગે ભચાઉના પીએસઆઈ ડી.જે. ઝાલા તપાસ કરી રહ્યાં છે.
જાટાવાડામાં ઊંડા ખાડામાં બે તરુણી ડૂબી ગઈ
રાપર તાલુકાના જાટાવાડા ગામે ખેતરની બાજુમાં આવેલા પાણી ભરેલા ખાડામાં પાણી ભરવા ગયેલી બે કિશોરીના અકસ્માતે ઊંડા પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યાં છે.
દુર્ઘટના ગઈકાલે સવારે સાત વાગ્યાના અરસામાં સર્જાઈ હતી. ગઈકાલે આખો દિવસ સ્થાનિક લોકોએ કિશોરીઓના મૃતદેહ બહાર કાઢવા ઘણો પ્રયાસ કરેલો પરંતુ સફળતા મળી નહોતી.
બનાવ ધ્યાને આવતા રાપર મામલતદારે આજે સવારે સાડા દસ વાગ્યે ભચાઉ ફાયર બ્રિગેડને જાણ કરેલી. ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યુ બોટ સાથે સ્થળ પર દોડી ગયેલી.
ખાડો ખૂબ જ ઊંડો હોઈ અને તેમાં બોટ ઉતારવી દુષ્કર હોઈ હિટાચીની મદદ લઈને બોટને ખાડામાં ઉતારાઈ હતી. ઊંડા પાણીમાં ડૂબી ગયેલી બેઉ કિશોરીના મૃતદેહને અંડર વૉટર કેમેરાની મદદથી શોધીને બહાર કાઢવામાં આવ્યાં હતા.
મૃતક કિશોરીમાં દયાબેન નાગજીભાઈ કોળી (૧૨ વર્ષ) અને આરતીબેન રાણાભાઈ કોળી (૧૩ વર્ષ)નો સમાવેશ થાય છે. કામગીરીમાં ભચાઉ ફાયર બ્રિગેડના પ્રવિણ દાફડા, કુલદીપભાઈ, શક્તિસિંહ, જયરાજસિંહ તથા રાપરની ફાયર ટીમના કાનજીભાઈ ડોડીયા અને શૈલેષ વાલ્મીકિ જોડાયાં હતા.
સામખિયાળી પાસે હિટ એન્ડ રનમાં એકનું મોત
સામખિયાળી ટોલ નાકાથી સ્હેજ આગળ સામખિયાળી ઓવરબ્રિજ પર અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતાં ચકુભાઈ મોમાયા મણકા (રહે. મૂળ કુડા જામપર, રાપર હાલ રહે. શિકરા, ભચાઉ)નું ગંભીર ઈજાઓથી મૃત્યુ થયું હતું. એક્સિડેન્ટ બાદ અજાણ્યો વાહન ચાલક વાહન સમેત સ્થળ પરથી નાસી ગયો હતો. દુર્ઘટના ગઈકાલે બપોરે સાડા બારના અરસામાં ઘટી હતી.
ગુંદાલા પાસે હિટ એન્ડ રનમાં યુવકનું મોત
મુંદરાના ગુંદાલા બ્રિજ પર અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતાં ભાવેશ ભીમજીભાઈ ગડા (મહેશ્વરી) (ઉ.વ. ૩૪)નું ગંભીર ઈજાથી મૃત્યુ નીપજ્યું હતું. ગઈકાલે રાત્રે નવેક વાગ્યાના અરસામાં પુલિયા પર દુર્ઘટના ઘટી હતી.
અજાણ્યા વાહને ટક્કર મારતાં ભાવેશ પુલની રેલિંગ સાથે અથડાઈને પુલ નીચે સર્વિસ રોડ પર પટકાયો હતો. માથા અને અન્ય અંગોમાં ગંભીર ઈજાથી તેનું મૃત્યુ નીપજ્યું હતું.
ભાવેશ ગાંધીધામના સપનાનગરમાં રહેતો અને મુંદરા ICICI બેન્કમાં કાર લોન વિભાગમાં ફિલ્ડવર્ક કરતો હતો. રાત્રે નોકરીથી છૂટીને પરત ગાંધીધામ આવતો હતો ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. બનાવ અંગે પ્રાગપર પોલીસે અજ્ઞાત વાહન ચાલક સામે હિટ એન્ડ રનની કલમો તળે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Share it on
|