|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ સોશિયલ મીડિયાના માધ્યમથી દેશભરના લોકોને સસ્તામાં સોનુ વેચવાની લાલચ આપીને ભુજમાં બેઠાં બેઠાં છેતરપિંડી કરતી ભુજની ઠગ ટોળકીએ રાજસ્થાનના સોનીને ‘આંટા’માં લઈને ૮૧.૧૮ લાખ રૂપિયા મેળવી લઈને ઠગાઈ કરી છે. બનાવ અંગે રાજસ્થાનના જોધપુરના ૫૫ વર્ષિય જ્વેલર હિરાલાલ ચૌધરીએ ભુજના નવાબ હયાત કકલ, ઈકબાલ ઊર્ફે અક્કી મામદ ચૌહાણ, ઈકબાલ ઊર્ફે મચ્છર કાસમ જત અને ઈમ્તિયાઝ ઈબ્રાહિમ જત સામે ભુજ એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. નકલી નામ ધારણ કરી ફેસબૂક પોસ્ટથી જાળ બીછાવી
નવાબ કકલે ફેસબૂક પર કુણાલ જોશી નામથી નકલી આઈડી બનાવીને સોનાના બિસ્કીટનો ફોટો સાથેનો એક સંદેશ પોસ્ટ કરેલો. આ પોસ્ટ જોઈને હિરાલાલે તેનો સંપર્ક કર્યો ત્યારે તેણે પોતે દુબઈથી ગોલ્ડ ઈમ્પોર્ટ કરે છે અને કસ્ટમ સાથે સેટિંગ હોઈ બજારભાવ કરતાં ૧૫ ટકા સસ્તાં ભાવે તેનું વેચાણ કરે છે તેમ કહી ફરિયાદીને જાળમાં ફસાવેલો. નવાબની વાત પર ભરોસો કરીને ફરિયાદી જાન્યુઆરીમાં ટ્રેન મારફતે ભુજ આવેલો.
બજાર કરતાં સસ્તું સોનુ આપવાની લાલચ આપી ડીલ કરી
ઈકબાલ ઊર્ફે મચ્છરને પોતાનો ડ્રાઈવર ગણાવીને નવાબ સફેદ કાર લઈને ફરિયાદીને રેલવે સ્ટેશન પર તેડવા ગયેલો. ત્યાંથી ફરિયાદીને ભુજમાં બે માળના એક આલિશાન મકાન કે જેમાં ગુજરાતીમાં ‘માશાઅલ્લાહ’ લખેલું છે ત્યાં લઈ ગયેલો. આ મકાન પોતાના બિઝનેસ પાર્ટનર નવાઝભાઈ ઊર્ફે ઈકબાલ ઊર્ફે અક્કીનું હોવાનું નવાબે જણાવેલું. અક્કીએ તેને અસલી સોનાના સો-સો ગ્રામના બે ગોલ્ડ બિસ્કીટ બતાવેલાં અને ૧૩.૩૧ લાખમાં ડીલ ફાઈનલ કરેલી.
પહેલી ડીલમાં સસ્તાંમાં બે અસલી બિસ્કીટ આપેલાં
ફરિયાદી રૂપિયા લઈને આવ્યો નહોતો. જેથી તેને જાળમાં ફસાવવા માટે ઠગોએ ઘરે જઈને આંગડિયાથી રૂપિયા મોકલી આપવા જણાવી ગોલ્ડ બિસ્કીટ કસ્ટમ ઑફિસર જયકાંત શિકરે (અજય દેવગનની સિંઘમ ફિલ્મના વિલનનું નામ!) ઘરે રૂબરૂ આવીને આપી જશે તેમ જણાવેલું. તેમના ભરોસે ફરિયાદીએ ઘરે જઈને ગાંધીધામની આંગડિયાની પેઢીમાં ૧૩.૩૧ લાખ રૂપિયા મોકલી આપેલા અને બીજા દિવસે જયકાંત શિકરે નામનો કહેવાતો નકલી કસ્ટમ ઑફિસર તેને ઘરે આવીને સોનાના બે અસલી બિસ્કીટની ડિલિવરી આપી ગયેલો.
ફરિયાદીનો ભરોસો જીતીને રૂપિયા મેળવતાં રહ્યાં
પહેલી ડીલ સફળ રહેતાં ફરિયાદીને ઠગો પર ભરોસો આવી ગયો હતો. ત્યારબાદ અક્કીએ ઈદનો તહેવાર આવતો હોઈ એક મહિનો ધંધો બંધ રહેશે, હાલ મારી પાસે ૬ બિસ્કીટ પડ્યાં છે, જોઈતા હોય તો ૪૦ લાખ મોકલાવો કહીને બીજી ડીલ નક્કી કરેલી. ફરિયાદીએ આંગડિયા મારફતે ૪૦ લાખ મોકલી આપેલાં.
રૂપિયા મળ્યાં બાદ અક્કીએ તમે સારાં માણસ લાગો છો કહીને પોતે ૬ બિસ્કીટ સાથે વધુ ૧૪ બિસ્કીટ મળીને કસ્ટમ ઑફિસર મારફતે ૨૦ બિસ્કીટ મોકલતો હોવાની ઑફર કરેલી.
ફરિયાદીએ હાલ વધારાના ૧૪ બિસ્કીટના રૂપિયાની જોગવાઈ ના હોવાનું કહેતા અક્કીએ ઑફર કરેલી કે વાંધો નહીં, મારો માણસ ઘરે આવીને તમને એક બિસ્કીટ આપી જશે, તમે તેને ૧૧ લાખ રૂપિયા આપી દેજો. બાકીના ૧૯ બિસ્કીટ કસ્ટમ ઑફિસર ઘરે આવીને આપી જશે. બાકીના રૂપિયા તમારી સગવડે અઠવાડિયા દસ દિવસે મોકલી આપજો.
તેના ભરોસે રહીને ફરિયાદીએ રાજસ્થાન આવીને તેને બિસ્કીટ આપી જનાર ઈમ્તિયાઝ જતને ૧૧ લાખ રૂપિયા આપી દીધાં હતા. જો કે, બાકીના ૧૯ બિસ્કીટ લઈને કસ્ટમ ઑફિસર ઘરે આવ્યો નહોતો.
અક્કીએ તેને વાયદા કર્યા કરેલા અને થોડાં દિવસો પછી મુંબઈ એરપોર્ટ પર મારો માલ આવી ગયો છે, એ માલ તમને જ આપવાનો છે, મારે ૧૩.૫૦ લાખ ભરવા પડે તેમ છે કહીને ફરિયાદી પાસેથી આંગડિયા મારફતે મુંબઈમાં ૧૩.૫૦ લાખ રૂપિયા મેળવ્યાં હતા.
મુંબઈ કસ્ટમમાં માલ ફસાયો છે કહીને રૂપિયા મેળવ્યાં
થોડાં દિવસો પછી અક્કીએ મારા પાંચ કિલો ગોલ્ડના પચાસ બિસ્કીટ મુંબઈ કસ્ટમમાં ફસાયેલાં છે, તમે ૨૫ લાખ મોકલી આપો, બાકીના તમારી અનુકૂળતાએ મોકલજો કહીને માણસને સોનાના એક બિસ્કીટ સાથે મોકલીને ૨૫ લાખ રૂપિયા મેળવ્યાં હતા. ત્યારબાદ ફરી આવા જ બહાને વધુ પાંચ લાખ મેળવ્યાં હતા.
ઠગ ટોળકીએ ફરિયાદીને ૨૬.૬૨ લાખના અસલી સોનાના ૪ બિસ્કીટ આપેલા પરંતુ ૭ કિલો ગોલ્ડના નામે મેળવેલાં કુલ રુપિયામાંથી બાકીના ૮૧.૧૮ લાખ રૂપિયા આજ દિન સુધી પાછાં આપ્યાં નથી કે નથી ગોલ્ડ આપ્યું.
પોલીસે આરોપીઓના ફોટો બતાડતાં કુણાલ જોશી બનેલો શખ્સ હકીકતે નવાબ કકલ હોવાનું તેમજ નવાઝ બનેલો શખ્સ ઈકબાલ ઊર્ફે અક્કી હોવાનું સ્પષ્ટ થયેલું. ઈકબાલ ઊર્ફે મચ્છર તેને રાજસ્થાનમાં બેવાર સોનાના બિસ્કીટ આપીને રૂપિયા લઈ ગયેલો. ગુનામાં સંડોવાયેલાં અમુક શખ્સ રીઢા ચીટર છે.
Share it on
|