|
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ દસ દિવસ પૂર્વે ગાંધીનગરના સ્ટેટ મોનિટરીંગ સેલે મુંદરા પોર્ટમાં ૨.૯૭ કરોડનો શરાબ જપ્ત કર્યા બાદ હરકતમાં આવેલી મુંદરા પોલીસ અને બોર્ડર રેન્જ IGના સાયબર સેલે સંયુક્ત રેઈડ કરીને ધ્રબ GIDCમાંથી ૧.૭૧ કરોડનો દારૂ ઝડપ્યો છે. ગુજરાતભરમાં બિન્ધાસ્ત રીતે ટ્રકોની ટ્રકો ભરીને દારૂ ઠાલવતા રાજસ્થાનના સિકરના રીઢા બૂટલેગર અનિલ જગદીશપ્રસાદ પાંડિયાએ શરાબનો જથ્થો સપ્લાય કર્યો હોવાનું ખૂલ્યું છે. ડાંગરની કુસકીની આડમાં માલ લવાયેલો
માંડવી તાલુકાના દરશડી ગામના અનિલસિંહ જાડેજા અને પાટણના શંખેશ્વર તાલુકાના મુજપુર ગામના મહિપતસિંહ કિરીટસંગ વાઘેલાએ પાર્ટનરશીપમાં અનિલ પાંડિયા પાસેથી શરાબનો જથ્થો ભરેલી ટ્રક મગાવી હતી. ડાંગરની કુસકી ભરેલાં ૧૨૦ કોથળાઓની ઓથમાં રાજસ્થાન પાસિંગની ટ્રકમાં લવાયેલો દારૂ ધ્રબ જીઆઈડીસીમાં આવેલા ગોડાઉન નંબર ૩૩માં ઉતારાયો હતો.
કટિંગ ટાણે પોલીસે દરોડો પાડીને બેને ઝડપ્યાં
શરાબની પેટીઓનું આઈસર ટ્રક અને બોલેરો પિકઅપ ડાલામાં કટિંગ કરાતું હતું ત્યારે પોલીસે રેઈડ પાડી હતી. પોલીસે આઈસર ટ્રકના ચાલક રામદેવસિંહ સુખદેવસિંહ જાદવ (રહે. સુરેન્દ્રનગર) અને બોલેરો પિકઅપનો ડ્રાઈવર કે જે માલ મગાવનાર મહિપતના ગામનો છે તે વિક્રમસિંહ દિલુજી વાઘેલાને સ્થળ પરથી ઝડપી પાડ્યાં હતા. દરોડો પડ્યો તેની થોડીક મિનિટો અગાઉ શરાબ લઈ આવનાર ટ્રકનો ચાલક ચા પીવાના બહાને સરકી ગયો હતો.
પંજાબની ડિસ્ટલરીનો માલ, કુલ ૨.૧૧ કરોડનો મુદ્દામાલ
ટ્રકમાંથી પંજાબના મોહાલીની ડિસ્ટલરીઝની વિવિધ બ્રાન્ડ અને સાઈઝની વ્હિસ્કી અને બિયર મળી ૧ કરોડ ૭૧ લાખ ૯૮૪૦ રૂપિયાનો શરાબ જપ્ત કરાયો છે. આ ઉપરાંત, દારૂની હેરફેર માટે વપરાયેલી બે ટ્રક અને એક બોલેરો પિકઅપ મળી ૪૦ લાખના ત્રણ વાહન, ૧૫ હજારના ત્રણ મોબાઈલ ફોન, આરોપીઓના કબજામાં મળી આવેલા ૭ હજાર રોકડાં રૂપિયા વગેરે મળી કુલ ૨ કરોડ ૧૧ લાખ ૩૧ હજાર ૮૪૦ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે. કામગીરીમાં મુંદરા પીઆઈ આર.જે. ઠુંમર, પીએસઆઈ વી.એમ. ડામોર, સાયબર સેલના પીએસઆઈ એમ.એચ. જાડેજા જોડાયાં હતા.
આદિપુરની પેઢીએ ગોડાઉન ભાડે રાખેલું
ઝડપાયેલાં બે આરોપી, સ્થળ પર હાજર ના મળેલા દારૂ મગાવનાર અનિલ જાડેજા અને મહિપત વાઘેલા, દારૂ મોકલનાર અનિલ પાંડિયા, ટ્રકના અજાણ્યા ચાલક સહિત છ જણ સામે મુંદરા પોલીસ મથકે પ્રોહિબિશનની જુદી જુદી ધારાઓ તળે ફરિયાદ દાખલ કરાઈ છે.
મુંદરા પીઆઈ રાકેશ જે. ઠુંમરે જણાવ્યું કે ગોડાઉનનો માલિક આદિપુરનો નરેન્દ્ર મણિલાલ મકવાણા છે અને નરેન્દ્રએ આ ગોડાઉન ઓમ ટ્રેડિંગ કંપનીના માલિક અમિત મુકેશભાઈ ચૌહાણ (આદિપુર)ને ભાડે આપેલું છે.
આ પ્રકરણમાં તેમની ભૂમિકાની તપાસ પોલીસ કરી રહી છે.
૧ માસ અગાઉ ભચાઉથી પાંડિયાનો માલ ઝડપાયેલો
અનિલ પાંડિયા ગુજરાતમાં દારૂનો મોટો સપ્લાયર છે. તેની સામે કચ્છ સહિત રાજ્યના વિવિધ પોલીસ મથકોમાં કરોડોના શરાબ મોકલવા સબબ ગુના નોંધાયેલાં છે. તેની સામે ૨૦૨૨થી અત્યાર સુધીમાં ગુજરાતમાં વીસેક ગુના નોંધાયેલાં છે.
ઉલ્લેખનીય છે કે ગત ત્રીજી નવેમ્બરે એસએમસીએ ભચાઉ પાસે બજરંગ આઈ માતા હોટેલના પાર્કિંગમાં પડેલા સિમેન્ટ બલ્કર ટેન્કરમાંથી ૧.૮૬ કરોડનો શરાબ જપ્ત કરેલો. આ શરાબ અનિલ પાંડિયાએ મોકલ્યો હતો.
ઝડપાયેલાં ટ્રક ચાલકે પોતે ૨૦ દિવસ અગાઉ આ જ રીતે ભુજની સફળ ખેપ મારી હોવાનું કબૂલેલું. એ જ રીતે, ૨૩ મેના રોજ સુરેન્દ્રનગરના વઢવાણ પાસે એસએમસીએ ૧.૩૧ કરોડનો શરાબ જપ્ત કરેલો. આ શરાબ પણ અનિલ પાંડિયાએ મોકલેલો અને તે મુંદરા મોકલાતો હોવાનું ખૂલેલું.
Share it on
|