|
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ પંજાબથી કચ્છના બંદરો પર માલ સામાનની સાથોસાથ હેરોઈનની ખેપ મારીને છૂટક વેચાણ કરતા પંજાબી ટ્રક ડ્રાઈવરની SOGએ ૩૭ લાખના ૧૮૫ ગ્રામ હેરોઈન સાથે મુંદરાથી ધરપકડ કરી છે. પકડાયેલો ડ્રાઈવર લાંબા સમયથી રાજસ્થાન અને કચ્છમાં હેરોઈન સપ્લાય કરતો હોવાનું પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે. બાતમીના આધારે પશ્ચિમ કચ્છ SOGએ મોખા નજીક અદાણી પાર્કિંગમાં પાર્ક થયેલા ટ્રેલર પાસે પહોંચી તેમાં બેઠેલાં કારજસિંઘ કુલબીરસિંઘ માનીસ (ઉ.વ. ૩૦, રહે. મોગા, પંજાબ)ની અટક કરી તલાશી લીધી હતી. ટ્રકની ડ્રાઈવર કેબિનમાં પડેલી એક હેન્ડબેગમાંથી પોલીસને પ્લાસ્ટિકના પાઉચમાં રાખેલું ૧૮૫ ગ્રામ હેરોઈન, હેરોઈન તોળવા માટેનો ડિજિટલ વજનકાંટો, ૧ લાખ ૫૯ હજાર ૧૦૫ રૂપિયાના દરની વિવિધ ચલણી નોટોની થોકડી, ખાલી પાઉચ વગેરે મળી આવ્યા હતા.
૨.૪૦ લાખમાં ૨૦૦ ગ્રામ હેરોઈન ખરીદેલું
પ્રાથમિક પૂછપરછમાં કારજસિંઘે કબૂલ્યું કે ચાર પાંચ દિવસ અગાઉ મોગામાં રહેતા મિત્ર રવિ ઉર્ફે બગ્ગા પાસેથી ૨.૪૦ લાખ રૂપિયામાં ૨૦૦ ગ્રામ હેરોઈન તેણે ખરીદેલું. ૧૫ ગ્રામ હેરોઈન તેણે રાજસ્થાન અને ગાંધીધામમાં બે ઘરાકને વેચ્યું હતું. શેષ ૧૮૫ ગ્રામ હેરોઈન વેચવા માટે તે મુંદરામાં ઘરાકની રાહ જોતો હતો ત્યાં પોલીસના હાથે ઝડપાઈ ગયો. સરકારી ચોપડે ૧ ગ્રામ હેરોઈનનું મૂલ્ય ૨૦ હજાર રૂપિયા છે.
લોકલ નેટવર્કનો પર્દાફાશ થવાની શક્યતા
કારજસિંઘ લાંબા સમયથી આ રીતે માલ-સામાન સાથે હેરોઈનની પણ ખેપ મારતો હોવાનું અને સ્થાનિક છૂટક વેચાણ કરતો હોવાનું બહાર આવ્યું છે. ગાંધીધામમાં તેણે કોને હેરોઈન સપ્લાય કર્યું છે અને મુંદરામાં તે કોને માલ આપવાનો હતો તે અંગે SOGએ તપાસ હાથ ધરી છે. તેની પાસેથી મળેલાં ૧.૫૯ લાખ રોકડાં રૂપિયા હેરોઈનના વેચાણમાંથી ઉપજ્યાં હોવાનું પોલીસ માની રહી છે. SOGએ NDPS Act તળે પ્રાગપર પોલીસ મથકે કારજસિંઘ અને તેને હેરોઈન સપ્લાય કરનાર રવિ ઉર્ફે બગ્ગા સામે ગુનો દાખલ કરાવી વિધિવત્ ધરપકડ કરી છે.
કુલ ૧.૫૮ કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો
પોલીસે ૩૭ લાખનું હેરોઈન, ૧.૫૯ લાખ રોકડાં, ૪૦ લાખનું ટ્રેલર, ૪૦ લાખના કાપડ બનાવવાના સૂતરના ૪૮૦ બોક્સ સાથેનું કન્ટેઈનર, ૨૦ હજારના બે મોબાઈલ ફોન વગેરે મળી કુલ ૧ કરોડ ૫૮ લાખ ૭૯ હજાર ૩૦૫ના મૂલ્યનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. SOG ઈન્સ્પેક્ટર એ.ડી. પરમાર, સબ ઈન્સ્પેક્ટર ટી.બી. રબારી, એએસઆઈ ચેતનસિંહ જાડેજા, રઝાક સોતા, માણેક ગઢવી, હેડ કોન્સ્ટેબલ ગોપાલ ગઢવી, ભાવેશ ચૌધરી વગેરે સ્ટાફ દરોડામાં જોડાયો હતો.
Share it on
|