click here to go to advertiser's link
Visitors :  
23-Aug-2026, Sunday
Home -> Mundra -> Dubai Firm Dupes Indian Company of 1.37 Crore in Basmati Rice Scam
Sunday, 23-Aug-2026 - Mundra 1032 views
દુબઈની કંપનીએ ૧.૩૭ કરોડના બાસમતી ચોખા ખરીદીને ભારતીય કંપનીને ચૂનો ચોપડ્યો
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ શિપીંગ કંપનીઓ અને કસ્ટમ એજન્ટો સાથે મિલિભગત કરીને દુબઈની કંપનીએ મુંદરા પોર્ટથી બાસમતી ચોખા ઈમ્પોર્ટ કરીને પેમેન્ટ નહીં કરી ૧.૩૭ કરોડની છેતરપિંડી કરી હોવાનો બનાવ બહાર આવ્યો છે. મે મહિનામાં આચરાયેલાં ઠગાઈકાંડ સબબ હરિયાણાની કંપનીએ દુબઈ અને ભારતીય પેઢીઓના કર્મચારીઓ સામે મુંદરા પોલીસ મથકે છેતરપિંડી વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે.

હરિયાણાના કરનાલનો ફરિયાદી પુલકિત મિત્તલ અને તેમનો પરિવાર દુલારી ફૂડ્સ નામથી રાઈસ પ્રોસેસીંગ અને એક્સપોર્ટ કંપની ચલાવે છે. જાન્યુઆરીમાં દુબઈ ખાતે આયોજીત ‘ગલ્ફ ફૂડ્સ એક્ઝિબિશન’માં તેમણે એક સ્ટોલ રાખેલો. તે સમયે તેમનો પરિચય દુબઈની ઝમ ઝમ અલભર ફીશ ટ્રેડિંગ (Zam Zam Albhar Fish Trading LLP) કંપનીના પ્રતિનિધિઓ સાથે થયેલો.

CADથી પેમેન્ટની શરતે ડીલ નક્કી થયેલી

એપ્રિલમાં ઝમ ઝમ કંપનીએ ફરિયાદીની કંપની સાથે પ્રતિ ટન ૯૮૦ ડોલર લેખે ૧૫૦ ટન બાસમતી ચોખા ખરીદવાનો સોદો નક્કી કરી પરચેઝ ઓર્ડર મોકલેલો. સોદાની શરતો મુજબ એડવાન્સમાં બે હજાર ડોલરનું પેમેન્ટ જમા કરાવેલું, બાકીનું પેમેન્ટ Cash Against Documents through bank CADથી ચૂકવવાનું નક્કી થયેલું. CAD અંતર્ગત કોઈપણ પેઢી વિદેશ એક્સપોર્ટ કરેલા માલના પરઝેચ ઓર્ડર, ટ્રાન્સપોર્ટેશન, કસ્ટમ ક્લિયરન્સ વગેરેને લગતાં અસલ દસ્તાવેજો બેન્કમાં જમા કરાવે, માલ મેળવનાર પાર્ટી પેમેન્ટ ચૂક્તે કરે ત્યારબાદ જ તે પાર્ટીને આ અસલ દસ્તાવેજો મળે.

માલ પહોંચી ગયો પણ પેમેન્ટ જમા ના થયું

ડીલ મુજબ ફરિયાદીએ ૩૭૫૦ નંગ રાઈસ બેગ મુંદરા પોર્ટ પર મોકલી આપેલી. માલના એક્સપોર્ટ અને કસ્ટમ ક્લિયરન્સ કરાવીને ૬ કન્ટેઈનરમાં માલ દુબઈ એક્સપોર્ટ કરી આપેલો. ઝમ ઝમ કંપનીએ તેના વતી બિલ ઑફ લેન્ડીંગ ઈસ્યૂ કરવા તથા કસ્ટમ ક્લિયરન્સ વગેરે કામો માટે પીગ્લોબલ (PGlobal), ટ્રાઈમેક્સ શિપીંગ (Trimax Shipping) નામની પેઢીના અર્શદ નામના કર્મચારી તથા વિકાસ નાયર નામના ફોરવર્ડિંગ એજન્ટની નિયુક્તિ કરેલી.

માલ દુબઈ પહોંચી ગયેલો, ઝમ ઝમ કંપનીને ડિલિવર પણ થઈ ગયેલો પરંતુ ફરિયાદીની પેઢી અને બેન્કને બિલ ઑફ લેન્ડીંગ સહિતના ડોક્યુમેન્ટ જ મળ્યાં નહોતાં.

એટલું જ નહીં ઝમ ઝમના પ્રતિનિધિઓએ તેમની કંપનીના બેન્ક ખાતામાં પણ કોઈ નાણાં જમા કરાવ્યાં નહોતા. ઝમઝમના પ્રતિનિધિઓ અને તેમણે નીમેલાં એજન્ટોએ માલ એક્સપોર્ટ કરી, મેળવ્યાં બાદ ડોક્યુમેન્ટેશન મુદ્દે ગોળગોળ જવાબો આપીને પેમેન્ટ ના આપતાં હોઈ ફરિયાદ નોંધાવાઈ છે.

Share it on
   

Recent News  
ડ્રાઈવીંગ સાથે ડ્રગ્ઝનો કારોબાર! SOGએ ૩૭ લાખના હેરોઈન સાથે પંજાબી યુવક ઝડપ્યો
 
જાતિના આધાર પર દ્વેષ રાખીને કચ્છ યુનિ.માં કરાયું એવું હલકું કામ કે FIR નોંધાઈ
 
નખત્રાણાઃ ભંગાર વાડાના પ્રાંગણમાં પ્રચંડ વિસ્ફોટથી ક્ષણભરમાં ચાર લોથ ઢળી પડી