click here to go to advertiser's link
Visitors :  
22-Aug-2026, Saturday
Home -> Kutch -> Dalit Students Photo Removed from Notice Board 3 Booked for Caste Based Discrimination
Saturday, 22-Aug-2026 - Bhuj 1883 views
જાતિના આધાર પર દ્વેષ રાખીને કચ્છ યુનિ.માં કરાયું એવું હલકું કામ કે FIR નોંધાઈ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કોઈપણ ધર્મ, જાતિ, સમાજનો છાત્ર જે-તે ક્ષેત્રમાં જ્વલંત સફળતા હાંસલ કરે તો સૌ તેની સિધ્ધિની પ્રશંસા કરે છે. તેની મહેનતને બિરદાવે છે. પરંતુ, હલકી જાતિવાદી માનસિક્તાના કારણે ભુજમાં વિદ્યાના ધામમાં એક ચોંકાવનારી ઘટના ઘટી છે. કચ્છ યુનિવર્સિટીની હોસ્ટેલમાં રહી ઉચ્ચ અભ્યાસ કરતાં અનેક છાત્રો ભણતરની સાથે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની પણ તૈયારી કરે છે. જે છાત્રો કોઈ સરકારી નોકરી માટેની પરીક્ષા પાસ કરે તેના ફોટો લાયબ્રેરીમાં આવેલાં ત્રણ અલગ અલગ નોટિસ બોર્ડ પર લગાડાય છે.

નિમ્ન સ્તરની જાતિવાદી માનસિક્તા ધરાવતાં યુનિવર્સિટીના જ બે છાત્રોએ સિક્યોરીટી ગાર્ડ સાથે મળીને સફળતા હાંસલ કરનાર બે છાત્રોના નોટિસ બોર્ડ પર લગાડાયેલાં ફોટોગ્રાફ હટાવી દીધા છે. આ મામલે હવે ત્રણે વિરુધ્ધ ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં એટ્રોસિટી એક્ટ સહિતની કલમો તળે ફરિયાદ નોંધાવાઈ છે.

જાણો શું છે આખી ઘટના

યુનિવર્સિટીની લાયબ્રેરીમાં વાંચન કરતા વિદ્યાર્થી કેતન મહેશ્વરી અને સહાધ્યાયી જય યાદવે GPSC દ્વારા લેવાયેલી ડેપ્યુટી સેક્શન ઑફિસર (DySO Legal)ની પરીક્ષામાં જ્વલંત સફળતા મેળવી હતી. ગત જૂલાઈમાં જાહેર થયેલાં પરિણામમાં કેતને ગુજરાતભરમાં પ્રથમ ક્રમ હાંસલ કરેલો અને જય યાદવે છઠ્ઠો ક્રમ મેળવ્યો હતો.

સફળતા હાંસલ કરનાર કેતને લાયબ્રેરીના નોટિસ બોર્ડ પર લગાડવા માટે જય યાદવ સાથે પડાવેલાં સંયુક્ત ફોટાની ત્રણ ત્રણ કોપી સહાધ્યાયી પ્રકાશ બુચીયાને આપેલી. પ્રકાશે બેઉના ફોટો નોટિસ બોર્ડ પર લગાડેલાં.

આ નોટિસ બોર્ડ પર રેવન્યૂ તલાટીની પરીક્ષા પાસ કરનારાં અન્ય છાત્રોના પણ ફોટો લાગેલાં છે.

થોડાંક દિવસો બાદ ફોટા ગાયબ થઈ ગયાં

થોડાંક દિવસો બાદ પ્રકાશે જોયું તો કેતન અને જયના ફોટા ત્રણે નોટિસ બોર્ડમાંથી ગાયબ થઈ ગયાં હતા. અન્ય છાત્રોના ફોટા પહેલાંની જેમ યથાવત્ હતા.પ્રકાશે આ મામલે લાયબ્રેરિયનને પૂછતાં તેણે અજાણતા દર્શાવેલી. આ ઘટનાના પગલે યુનિવર્સિટીમાં ભણતાં અનુસૂચિત જાતિના છાત્રોમાં રોષ ફેલાયો હતો. દલિત સંગઠનોના પ્રતિનિધિઓએ પણ યુનિવર્સિટી દોડી આવી વિરોધ વ્યક્ત કરેલો.

સીસીટીવી ચેક કરતાં બહાર આવેલું કે યુનિવર્સિટીમાં ભણતા પૂર્વદીપસિંહ જાડેજા, મયૂરસિંહ અને સિક્યોરીટી ગાર્ડે આ ફોટા કાઢી નાખ્યાં હતા. પૂર્વદીપ ફોટા કાઢતો દેખાય છે અને તેની સાથે મયૂરસિંહ અને ગાર્ડ મુદ્રિકાસિંઘ ઊભેલાં દેખાય છે.

ફરિયાદમાં પ્રકાશે જણાવ્યું કે પૂર્વદીપે બૉય્ઝ હોસ્ટેલના સિક્યોરીટી ગાર્ડ હમીર રબારીને ફોનમાં કેતનનો ફોટો બતાડીને સૂચના આપી હતી કે આને હોસ્ટેલમાં આવવા દેતા નહીં. જાતિના આધાર પર બે સમાજ વચ્ચે દ્વેષભાવ અને ધિક્કારની લાગણી ફેલાવવાના બદઈરાદે દલિત છાત્રોના ફોટા દૂર કરવા બદલ પ્રકાશ બુચીયાએ ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં પૂર્વદીપ, મયૂર અને સિક્યોરીટી ગાર્ડ મુદ્રિકા સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે BNSની કલમ ૧૯૬ અને ૫૪ તથા એટ્રોસિટી એક્ટની કલમ ૩ (૧) (u),  ૩ (૨) (va) હેઠળ ફોજદારી ફરિયાદ દાખલ કરી છે.

Share it on
   

Recent News  
નખત્રાણાઃ ભંગાર વાડાના પ્રાંગણમાં પ્રચંડ વિસ્ફોટથી ક્ષણભરમાં ચાર લોથ ઢળી પડી
 
ગાંધીધામના ૪ CA અને ૫ વચેટિયાએ ભેગાં મળી સરકારને ૮૦૪.૩૦ કરોડનો ‘ધુંબો’ માર્યો!
 
અજાપર પાસે બબ્બે પિસ્તોલ સાથે હિંદીભાષી બાઈકસવાર ત્રિપુટીએ ફિલ્મી ઢબે લૂંટ ચલાવી