click here to go to advertiser's link
Visitors :  
01-Jun-2026, Monday
Home -> Mundra -> SMC caught two with two country made 9 mm pistol from Mundra Read more
Monday, 01-Jun-2026 - Mundra 1700 views
દેશી તમંચા સાથે સીન સપાટા કરવા ભારે પડ્યા! ગાંધીનગરથી SMCની ટીમ મુંદરા ત્રાટકી
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ વેચાણ કરી રોકડી કરવાના ઈરાદે રાજસ્થાનના ટ્રક ડ્રાઈવર પાસેથી બે દેશી તમંચા ખરીદનાર મુંદરા રહેતો કાયદાનો વિદ્યાર્થી અને તેનો મિત્ર સ્ટેટ મોનિટરીંગ સેલની ઝપટે ચઢી ગયાં છે. સીન સપાટા કરવા માટે ઈન્સ્ટાગ્રામ પર તમંચા સાથે પોસ્ટ કરેલાં ફોટો પર SMCની નજર પડતાં બેઉ જણને આર્મ્સ એક્ટ હેઠળ અંદર થવાનો વારો આવ્યો છે.

SMCના પીઆઈ એસ.એમ. જાડેજા અને તેમની ટુકડીએ ગત રાત્રે મુંદરાના નાના કપાયા પાસે અદાણી બાયપાસ પાસે એક ટ્રાન્સપોર્ટ પેઢીની ઑફિસમાં ધસી જઈને ત્યાં બેઠેલાં રમેશ રામભાઈ ગઢવી (ઉ.વ. ૨૧, રહે. સદગુરુ સ્માર્ટ વિલા પાસે, ઉમિયાનગર, મુંદરા) અને તેના મિત્ર કિશન હરજીભાઈ સાલાણી (કોળી) (ઉ.વ. ૨૬, રહે. સરકારી કુમાર છાત્રાલય, પોર્ટ કોલોની પાસે, મુંદરા)ને દબોચી લીધા હતા. પોલીસે ઑફિસમાં પડેલા લાકડાના ટેબલનું લોક મારેલું ખાનું ખોલાવી તલાશી લેતા તેમાં એક ખાખી બોક્સમાં રાખેલા દેશી બનાવટના ૯ એમએમના બે તમંચા મળી આવ્યા હતા.

બંને તમંચા લોડેડ હતા. એક તમંચામાં પાંચ રાઉન્ડ લાઈવ કાર્ટ્રીજ લોડ થયેલી હતી અને બીજા તમંચામાં ૯ રાઉન્ડ લોડ થયેલા હતા. બોક્સમાંથી બે ખાલી મેગેઝીન પણ મળી આવ્યા હતા.

પોલીસે બંનેની પૂછપરછ કરતાં બહાર આવ્યું કે રમેશ ગઢવી તેના પિતાના ટ્રાન્સપોર્ટ વ્યવસાય સાથે કાયદા શાખામાં અભ્યાસ કરે છે. કિશનનો પરિવાર મુંદરામાં આઈસ્ક્રીમની દુકાન ચલાવે છે. બેઉ બાળપણના મિત્ર છે. રમેશના પિતા અગાઉ ભોજનાલય ચલાવતા હતા ત્યારે ત્યાં મુંદરા પોર્ટમાં માલ સામાન ભરવા અને ખાલી કરવા આવતાં જતા અનેક ટ્રક ચાલકો ભોજન કરતા હતા. ભોજનાલયમાં અવારનવાર જમવા આવતા રાજસ્થાન બાડમેરના ધનરાજ હનુમાનરામ ચૌધરી જોડે રમેશને મિત્રતા થઈ ગયેલી.

રોકડી કરવા બે વર્ષ અગાઉ બે તમંચા ખરીદેલાં

રમેશ અને કિશન પિસ્તોલો વેચીને કમાણી કરવા ઈચ્છતા હતા. રમેશે ધનરાજને આ અંગે વાત કરતા ધનરાજે તેને પિસ્તોલની વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપેલી. આજથી સવા બે વર્ષ અગાઉ ધનરાજ બે દેશી પિસ્તોલ લઈને ગાંધીધામ વરસાણા પાસે આવેલો.

રમેશ અને કિશન બેઉ જણ બાઈકથી વરસાણા ટોયોટા શો રૂમ પાસે ગયેલાં. ત્યાં પચાસ હજાર રોકડા રૂપિયા આપીને ધનરાજ પાસેથી બેઉ પિસ્તોલ ખરીદેલી.

પિસ્તોલ લાવીને રમેશે તેની ઑફિસના કબાટમાં સાચવીને મૂકી દીધી હતી. જો કે, છએક માસ બાદ કિશને રમેશ પાસેથી તમંચા લઈને ફોટા પાડી ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યાં હતા.

આ ફોટા સોશિયલ મીડિયા પર ફરતાં ફરતાં પોલીસની નજરે ચઢી ગયાં અને અંતે બેઉ જણ તમંચા સાથે SMCની ગિરફ્તમાં આવી ગયાં.

તમંચો વેચનાર ધનરાજ સહિત ત્રણે સામે SMC પોલીસ મથકે આર્મ્સ એક્ટની ધારાઓ તળે ગુનો નોંધાયો છે. પોલીસે રમેશના કબજામાંથી એક લાખની કિંમતના બે ફોન, બે લાખના મૂલ્યના બેઉ દેશી તમંચા, ૧૪ કારતૂસ વગેરે મુદ્દામાલ કબજે કર્યો છે.

Share it on
   

Recent News  
ભુજના ચકચારી જમીન કૌભાંડમાં સામેલ તત્કાલિન સર્કલ ઑફિસરની ધરપકડનો રસ્તો સાફ
 
રાપરના માનગઢ ઢુવામાં નાના ભાઈએ ધારિયું ઝીંકીને મોટા ભાઈને મોતને ઘાટ ઉતારી દીધો
 
ભુજના રાયધણપર ગામે નજીવી બાબતે વરનોરાના હથિયારધારી યુવકોનો હુમલો, પથ્થરમારો