કચ્છખબરડૉટકોમ, ભુજઃ પશ્ચિમ કચ્છમાં ટ્રકો મારફતે કરોડો રૂપિયાનો ઈંગ્લિશ દારૂનો જથ્થો ઉતારતાં બે બૂટલેગરો ફરી સક્રિય થયાં છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે અબડાસાના ખાનાય ગામે બૂટલેગરની વાડીમાં દરોડો પાડી ૧૮.૭૧ લાખનો બિયર અને દારૂનો જથ્થો પકડ્યો છે. બાતમીના આધારે LCBની ટુકડીએ આજે સવારે ૭.૩૦ વાગ્યે ખાનાય ગામથી સોઢા કેમ્પ તરફ જતાં રોડ પર જીતુભા ઊર્ફે જીતીયો મંગળસિંહ સોઢાના કબજા ભોગવટાની વાડીમાં રેઈડ પાડી હતી.
વાડીમાં હાજર નવુભા ઊર્ફે નવલો ખેતુભા જાડેજા (રહે. નાની ખોંભડી, નખત્રાણા) નામના બૂટલેગરે નાસવા પ્રયાસ કરેલો પરંતુ પોલીસે દબોચી લીધો હતો. વાડીની ઓરડીઓ બહાર પડેલી ક્રેટા અને બોલેરો કારમાંથી પોલીસે દારૂ અને બિયરની પેટીઓ જપ્ત કરી હતી. ઓરડીની તલાશી લેતાં તેમાં ખેતીવાડીને લગતાં સાધનો અને પ્લાસ્ટિકના કાળાં પાઈપ પડેલાં.
JCBની મદદથી ગુપ્ત ઓરડીની દિવાલ તોડાવવી પડી
પોલીસે પ્લાસ્ટિકના પાઈપ હટાવતાં દિવાલના ખૂણે એક નાનકડું ચોરસ બાકોરું જોવા મળ્યું હતું. પોલીસે બાકોરામાં નજર કરતાં અંદર મોટો રૂમ બનાવાયો હોવાનું અને તેમાં દારૂ બિયરની પેટીઓ રખાઈ હોવાનું જોવા મળ્યું હતું. બાકોરામાં પ્રવેશીને શરાબની પેટીઓ બહાર કાઢવી અઘરી હોઈ પોલીસે જેસીબી મગાવી બહારથી દિવાલ તોડાવીને દારૂનો જથ્થો બહાર કાઢ્યો હતો. પોલીસે ૧૬.૭૪ લાખના શરાબની ૯૪૫૬ બાટલીઓ અને ૧.૯૬ લાખના મૂલ્યના બિયરના ૧૫૬૦ ટીન મળી ૧૮.૭૧ લાખનો શરાબ જપ્ત કર્યો છે. ૧૦ લાખની કિંમતની બે કાર પણ સીઝ કરાઈ છે.
જીતીયો, નવલો અને યુવરાજની કુખ્યાત ત્રિપુટી
જીતીયા, નવલા અને રાજેન્દ્ર ઊર્ફે રવિરાજ કલુભા સોઢા (રહે. સોઢા કેમ્પ, ખાનાય, અબડાસા) ત્રણે જણે ભેગાં મળીને શરાબનો જથ્થો વેચાણ અર્થે મગાવીને અહીં સંઘર્યો હતો. જીતીયો અને નવલો બેઉ પશ્ચિમ કચ્છના લિસ્ટેડ બૂટલેગરો પૈકીના રીઢા બૂટલેગર છે. જીતીયા સામે દારૂને લગતાં અંદાજે ચાળીસેક કેસ નોંધાયેલાં છે. ગત વર્ષે જીતીયા અને નવલાએ માંડવીના ત્રગડીના લિસ્ટેડ બૂટલેગર યુવરાજ વજુભા જાડેજા સાથે પાર્ટનરશીપમાં કરોડોનો દારૂ કચ્છમાં ઠાલવ્યો હતો. માંડવીના તલવાણા પાસે ૦૯-૦૭-૨૦૨૫ના રોજ ગેસ ટેન્કરમાંથી પકડાયેલાં ૧.૫૩ કરોડના દારૂ સાથે નવલો ઝડપાયો હતો. આ ઉપરાંત પણ કરોડોના દારૂના અન્ય કેસોમાં આ ત્રિપુટી ચોપડે ચઢી હતી.
SUVમાં દારૂ સપ્લાય કરતી હંસા પણ હજુ ફરાર
ભૂતકાળમાં જીતીયા અને યુવરાજનો માલ કારમાં ભરીને છૂટક પોઈન્ટો પર સપ્લાય કરવા બદલ પકડાયેલી હંસાબા હરિસંગ જાડેજા (ઉ.વ. ૩૫, રહે. નાંગિયા, અબડાસા) નવ દિવસ અગાઉ દારૂ સપ્લાય કરવાના ગુનામાં ભુજ એ ડિવિઝન પોલીસના ચોપડે ચઢી હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ હંસા SUV કાર હંકારવામાં એક્સપર્ટ છે અને ભલભલા પોલીસ વાહનોને પાછળ પાડી દે છે.
LCBએ ભુજના મિરજાપર પાસે ટાઈલ્સના ખુલ્લાં વાડામાં પડેલી વેન્યુ કારમાંથી ૧.૫૪ લાખના શરાબ બિયર સાથે સુખપર ગામના જયદીપ વિજય ચુડાસમા નામના યુવકને ઝડપેલો. દારૂનો જથ્થો હંસા સપ્લાય કરી ગઈ હોવાનું જયદીપે કબૂલતાં LCBએ તેને પણ સહઆરોપી બનાવેલી.
હંસા હજુ હાથ લાગી નથી અને બે દિવસ અગાઉ ભુજ સેશન્સ કૉર્ટે તેની આગોતરા જામીન અરજી પણ રીજેક્ટ કરી દીધી છે.
હંસા સામે પશ્ચિમ કચ્છના વિવિધ પોલીસ સ્ટેશનોમાં દારૂબંધીને લગતાં ગુના નોંધાયેલાં છે. છેલ્લે ૧૧-૦૯-૨૦૨૫ના રોજ લોકલ ક્રાઈમ બ્રાન્ચે યુવરાજ જાડેજા, જીતીયો સોઢા અને હંસાની ધરપકડ કરી હતી.
જીતીયાના લીધે ૨૦૧૯માં PSI ASI સસ્પેન્ડ થયેલાં
૦૪-૧૨-૨૦૧૯ના રોજ નલિયાના મોટી વમોટી ગામના સીમાડે ટાટા નેક્સન કારમાંથી LCBએ જીતીયો સોઢા અને રાસુભા સોઢાએ મગાવેલો પાંચ લાખનો ઈંગ્લિશ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ઘટનાને ગંભીરતાથી લઈ તત્કાલિન જિલ્લા પોલીસ વડા સૌરભ તોલંબિયાએ નલિયાના તત્કાલિન પીએસઆઈ સંજયદાન એ. ગઢવી અને બીટ જમાદાર એએસઆઈ અનવર નારેજાને ૨૦-૧૨-૨૦૧૯ના રોજ સસ્પેન્ડ કરી દીધાં હતા. હવે તો LCB કરોડોનો માલ પકડે તો પણ બેજવાબદારી બદલ ભાગ્યે જ કાર્યવાહી થાય છે.
Share it on
|