|
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ ડ્રગ્ઝના દૂષણને ડામવા માટે ગુજરાત સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે મુંદરા પોલીસે એક જ રાતમાં ત્રણ જુદી જુદી રેઈડ કરીને ત્રણ યુવકોને હેરોઈન અને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યાં છે. સામાન્ય રીતે, NDPS Act હેઠળ થતી કાર્યવાહીમાં પોલીસે નિયત પ્રોસિજર મુજબ જ ડ્રગ્ઝના સીઝર, જડતી, પંચનામાની ખૂબ ચીવટપૂર્વક કામગીરી કરવાની રહેતી હોય છે. બાતમી મળ્યાં બાદ તેની ખરાઈ કરીને ઉચ્ચ અધિકારીને લેખીતમાં જાણ કરવાની. ત્યારબાદ સ્વતંત્ર પંચોની વ્યવસ્થા કરવાની. દરોડો પાડવા માટે રવાના થતાં પૂર્વે પણ એકમેકની ઝડતી લઈ કોઈની પાસે માદક પદાર્થ છે કે નહીં તેની ખાતરી કરવાની હોય છે. દરોડો પાડી ડ્રગ્ઝ જપ્ત કર્યાં બાદ ફોરેન્સિક ઑફિસરને બોલાવવાથી માંડીને ડ્રગ્ઝના તોલમાપ, પંચનામા સહિતની કામગીરી ખૂબ તકેદારીપૂર્વક કરવાની રહે છે. સમગ્ર કામગીરી એટલી ચીવટ માંગી લે છે કે NDPSની એકાદ રેઈડની કામગીરી જ ઘણીવાર થકવી દેતી હોય છે.
એક જ રાતમાં ત્રણ સફળ રેઈડ
સામાન્ય રીતે, ડ્રગ્ઝનું વેચાણ કરનારાં દુનિયા સૂઈ જાય ત્યારે મોડી રાતે વેચાણ કરવાનું વધુ પસંદ કરતાં હોય છે. મુંદરા પોલીસને ગત રાત્રે જુદાં જુદાં સમયે ડ્રગ્ઝના વેચાણ અંગેની ત્રણ બાતમીઓ મળેલી. પીઆઈ એમ.આર. શકોરીયા પ્રથમ રેઈડની કામગીરીમાં વ્યસ્ત હોઈ તેમણે પ્રાગપર પીઆઈ એ.કે. ભરવાડ અને ૧૧૨ જનરક્ષક સેવાના પીઆઈ પી.કે. ઝાલાની મદદથી સંકલન કરીને NDPSના ત્રણ સફળ દરોડા પાડ્યાં હતા.
►પ્રથમ રેઈડમાં મુંદરા પોલીસે ન્યૂ પોર્ટ રોડ પર TGR હોટેલ સામે આવેલી અમૃસર હોટેલના પાર્કિંગમાં દરોડો પાડીને પંજાબના તરનતારનના ગુરજંતસિંઘ મુખ્તારસિંઘને ૭૬ હજાર ૬૦૦ રૂપિયાના મૂલ્યના ૩.૮૩ ગ્રામ હેરોઈન સાથે ઝડપી પાડ્યો હતો. આરોપી અહીં હેરોઈનનું છૂટક વેચાણ કરતો હોવાની બાતમી મળેલી. ગુરજંતના કબજામાંથી એક એપલ આઈફોન, ૬૨૦૦ રોકડાં રૂપિયા વગેરે કબજે કરાયાં હતા. ગુરજંતસિંઘ પંજાબથી હેરોઈન લાવીને મુંદરામાં છૂટક વેચાણ કરતો હતો.
►પ્રથમ દરોડાની કામગીરી જારી હતી ત્યાં જ પરોઢે ચાર વાગ્યે બીજી બાતમી મળેલી કે હોટેલ ફોર વેના ગેટ પાસે વિકાસકુમાર ઊર્ફે ગુલશનકુમાર વિદ્યાનંદ શર્મા ગાંજો વેચવા ઊભો છે. બાતમીના પગલે પ્રાગપર પીઆઈ એ.કે. ભરવાડના નેતૃત્વમાં દરોડો પાડીને વિકાસકુમાર (ઉ.વ. ૨૨, મૂળ રહે. બિહાર, હાલ રહે. ધ્રબ સીમની ઓરડી)ને ૫ લાખ ૧૫૦૦ના ૧૦ કિલો ૦૩૦ ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડ્યો હતો. વિકાસકુમારે બિહારના સુનિલ મંડલના કહેવાથી ધીરેન્દ્ર મંડલ પાસેથી વેચાણ અર્થે ગાંજો મેળવ્યો હતો.
►પરોઢે સવા પાંચ વાગ્યે ત્રીજી બાતમી મળેલી કે મુંદરાની ફર્ન હોટેલ સામે શંકરવાડીમાં આવેલી લેબર વસાહત પાસે બિહારનો કુંદનકુમાર સંજય ઠાકુર નામનો યુવક છૂટક હેરોઈન વેચવા ઊભો છે. મુંદરા પોલીસે જનરક્ષક સેવાના પીઆઈ પી.કે. ઝાલાના નેતૃત્વમાં દરોડો પાડીને ૨૩ વર્ષિય કુંદનકુમારને ૬૦ હજાર ૬૦૦ની કિંમતના ૩.૦૩ ગ્રામ હેરોઈન સાથે ઝડપી પાડ્યો હતો. તેના કબજામાંથી પોલીસે ૩૦ હજારની કિંમતનો એપલ આઈફોન ૧૫ પ્રો-મેક્સ મોબાઈલ ફોન, ૧૦ હજાર ૯૦૦ રોકડાં રૂપિયા વગેરે અન્ય મુદ્દામાલ કબજે કર્યો હતો.
Share it on
|