|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ઘરેલુ કંકાસના મોટાભાગના કિસ્સાઓમાં ગુનાનો ભોગ બનનાર ‘પત્ની’ હોય છે. પરંતુ માધાપરમાં એક વૃધ્ધે પુત્રવધૂ અને તેના માવતરના ત્રાસથી આપઘાત કર્યો છે! માધાપરમાં ગત ૮મી ડિસેમ્બરના રોજ એસિડ પીને આપઘાત કરી લેનારા વૃધ્ધના અપમૃત્યુના બનાવમાં નવો વળાંક આવ્યો છે. મરતાં અગાઉ વૃધ્ધે સ્યુસાઈડ નોટ લખીને એસપીને મોકલી હતી. મરણચિઠ્ઠીના આધારે મરનારના પુત્રએ પત્ની, સાસુ સસરા અને કાકા સસરા સામે પિતાને આત્મહત્યા માટે મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે.
માધાપર નવાવાસ ખાતે ચારણિયા વાસમાં રહેતા ૨૮ વર્ષિય ધીરજ ભાટીયા (ચારણીયા)ના ૬૮ વર્ષિય પિતા મોહનલાલ જખરાભાઈ ચારણીયાએ ગત ૮ ડિસેમ્બરની બપોરે ઘર નજીક આવેલા ભંગારના વાડામાં એસિડ પી લીધું હતું. મોહનલાલને ગંભીર હાલતમાં જી.કે. જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલાં પરંતુ સારવાર કારગત નીવડી નહોતી અને તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
પોલીસને મળેલી સ્યુસાઈડ નોટથી ભેદ ખૂલ્યો
વૃધ્ધ પિતાએ અચાનક આવું અંતિમ પગલું શા માટે ભરી લીધું તે રહસ્ય પર તેમની અંતિમ વિદાય સાથે જ પડદો પડી ગયો હતો. જો કે, મોહનલાલે મરતાં પૂર્વે સ્યુસાઈડ નોટ લખેલી અને તે ચિઠ્ઠી પૂર્વ કચ્છ એસપીને મોકલી હતી. પૂર્વ કચ્છ એસપીએ બનાવ માધાપર પોલીસ સ્ટેશનની હદનો હોઈ ટપાલ મારફતે આ ચિઠ્ઠી માધાપર પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપતા મોહનલાલના આપઘાત પાછળના કારણનો ઘટસ્ફોટ થયો હતો.
વહુ- સાસરિયાના ત્રાસથી આત્મહત્યા કર્યાની FIR
મોહનલાલે ચિઠ્ઠીમાં પોતે પુત્ર ધીરજના સાસરિયાઓના ત્રાસથી અંતિમ પગલું ભરતાં હોવાનું લખ્યું હતું. ધીરજે પોલીસને જણાવ્યું કે બે વર્ષ અગાઉ તેના લગ્ન અમદાવાદના ઠક્કરનગરમાં વસંતનગર ઝૂંપડામાં રહેતા ભીમજી શિવજીભાઈ ધરડાની દીકરી દયાબેન સાથે થયાં હતા. સંતાનમાં આઠ માસનો એક પુત્ર છે. બે વર્ષના લગ્નજીવન દરમિયાન પત્ની દયાના લીધે ઘરમાં કાયમ કંકાસ સર્જાતો રહ્યો છે.
દયા નાની નાની વાતે ઘરમાં ઝઘડા કરતી રહી છે. દયાના માતા પિતા અને કાકા પણ દયાની ચડામણી કર્યાં કરીને જમાઈ તથા વેવાઈને અવારનવાર ઘરે રૂબરૂ આવીને ખોટાં કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપતાં રહેતા હતા.
તેમના માનસિક ત્રાસથી કંટાળીને મોહનલાલે આત્મહત્યા કરી લીધી હતી. માધાપર પોલીસે મરનારની પુત્રવધૂ દયા, દયાની માતા પ્રેમિલાબેન અને પિતા ભીમજી ધરડા તથા કાકા હરેશ ધરડા વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Share it on
|