છારી-ઢંઢ ‘રામસર સાઇટ’ જાહેર: આંતરરાષ્ટ્રીય માન્યતાથી કચ્છનું વધ્યું ગૌરવ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ એક યુગમાં એશિયાના સૌથી મોટાં ઘાસના મેદાન તરીકેની ઓળખ ધરાવતાં કચ્છના બન્નીને અડીને રણકાંધીએ આવેલા છારી-ઢંઢને ‘રામસર સાઈટ’ તરીકેની આંતરરાષ્ટ્રીય માન્યતા અને ગૌરવ પ્રાપ્ત થયાં છે.
Video :
નળ સરોવર, થોળ, ખીજડીયા અને વઢવાણા બાદ છારી ઢંઢ હવે ગુજરાતની પાંચમી અને કચ્છની પ્રથમ રામસર સાઇટ બની છે. કચ્છમાં આવતાં પ્રવાસી પંખીઓના પિયર છારી ઢંઢને હવે નવી ઓળખ મળી છે.
રાજ્યના વન અને પર્યાવરણ મંત્રીએ જણાવ્યું કે છારી ઢંઢમાં વિહરતા દુર્લભ તથા લુપ્તપ્રાય વન્ય પશુ પંખીઓની પ્રજાતિઓના સંરક્ષણ માટે વિશેષ પગલાં લેવામાં આવશે. રામસર દરજ્જાથી આ વિસ્તારમાં ઈકો ટુરિઝમને પ્રોત્સાહન મળશે.
દેશના ૧૧૫ રાષ્ટ્રીય વેટલેન્ડ્સમાંથી ૮ ગુજરાતમાં
ભારતના કુલ ૧૧૫ રાષ્ટ્રીય વેટલેન્ડ્સમાંથી ૮ રાષ્ટ્રીય વેટલેન્ડ્સ ગુજરાતમાં આવેલાં છે. ઉપરાંત, રાજ્યમાં ૧૯ વેટલેન્ડ્સ એવા છે જે મહત્વપૂર્ણ પક્ષી અને જૈવ વૈવિધ્યતા વિસ્તારો તરીકે ઓળખાય છે, જે પ્રવાસી તેમજ સ્થાનિક પક્ષીઓ માટે મહત્વપૂર્ણ આશ્રયસ્થાન પૂરૂં પાડે છે. છારી ઢંઢ સાથે ઉત્તરપ્રદેશમાં પટના પક્ષી અભયારણ્યને પણ રામસર સાઈટનો દરજ્જો મળ્યો છે.
ગુજરાતમાં દેશના સૌથી વિશાળ વેટલેન્ડ્સ
દેશમાં કુલ ૯૮ રામસર સાઈટ આવેલી છે. દેશના કુલ વેટલેન્ડ ક્ષેત્રફળના ૨૧ ટકા કરતાં વધુ હિસ્સો ગુજરાતનો છે, જે અન્ય રાજ્યો કરતાં સૌથી વધુ છે. ગુજરાતના વેટલેન્ડ્સ અંદાજે ૩.૫ મિલિયન હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા છે, જે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના ૧૭.૮ ટકા જેટલો ભાગ ધરાવે છે.
નામની સાર્થકતા અને ભૌગોલિક મહત્વ
કચ્છીમાં ‘છારી’ એટલે ક્ષારવાળી અને ‘ઢંઢ’ એટલે છીછરું સરોવર. અંદાજે ૨૨૭ ચોરસ કિલોમીટર (૨૨,૭૦૦ હેક્ટર) વિસ્તારમાં ફેલાયેલું આ વેટલેન્ડ રણ અને ઘાસના મેદાનની વચ્ચે એક અદભૂત નિવસનતંત્ર ધરાવે છે. વર્ષ ૨૦૦૮ માં તેને ગુજરાતનું પ્રથમ ‘કન્ઝર્વેશન રીઝર્વ’ જાહેર કરવામાં આવ્યું હતું.
પક્ષીઓ અને વન્યજીવોનું સ્વર્ગ
છારી-ઢંઢ ખાતે પક્ષીઓની ૨૫૦થી વધુ પ્રજાતિઓ નોંધાયેલી છે. શિયાળા દરમિયાન અહીં સાઇબેરિયા, મધ્ય એશિયા અને યુરોપના ૨૫થી ૪૦ હજાર જેટલા કોમન ક્રેન (કુંજ), મળતાવડી ટીંટોડી અને ચોટીલી પેણ સ્થળાંતર કરીને આવે છે. આ ઉપરાંત લેસર ફ્લેમિંગો અને ગ્રેટર ફ્લેમિંગો (હંજ) તેમજ સારસ પણ અહીં જોવા મળે છે. તો, લુપ્તપ્રાય ડાલમેશિયન પેલિકન, ઓરિએન્ટલ ડાર્ટર, બ્લેક-નેક્ડ સ્ટોર્ક અને અનેક શિકારી પક્ષીઓ જોવા મળે છે. માત્ર પક્ષીઓ જ નહીં, પરંતુ આ વિસ્તાર ચિંકારા, રણ લોમડી (Desert Fox), હેણોતરો (કેરેકલ), રણ બિલાડી અને વરુ જેવા વન્યજીવોનું પણ મહત્વનું આશ્રયસ્થાન છે.