કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ મુંબઈની માનુનીની વાતો પર ભરોસો કરી તેની પાસેથી માલ ખરીદી ૫૪.૭૮ લાખ રૂપિયાનું પેમેન્ટ કરનાર ગાંધીધામના વેપારીને ના માલ મળ્યો કે ના પૈસા પરત મળ્યાં. એ તો ઠીક, વૃધ્ધ વેપારીને હની ટ્રેપમાં ફસાવી દેવાની ધમકી આપી છે! ગાંધીધામના સેક્ટર ૨૧માં રહેતા ૬૭ વર્ષિય સુરેન્દ્ર જૈને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ ઈન્ડસ્ટ્રીયલ ઓઈલના ખરીદ વેચાણનો વેપાર કરે છે. ફેબ્રુઆરી માસમાં તેમને સાક્ષી રાવત નામની યુવતીનો ફોન આવેલો. સાક્ષીએ પોતે મુંબઈથી બોલતી હોવાનું જણાવી કહેલું કે તેની પેઢી શિવાય ટ્રેડિંગ અને ગલ્ફ પેટ્રોલિયમ વિદેશથી મુંદરા ખાતે ઈન્ડસ્ટ્રીયલ ઓઈલ ઈમ્પોર્ટ કરે છે. તમારે ખરીદવું હોય તો જણાવજો.
ત્યારબાદ સાક્ષી ઓઈલ અને તેના રેટના ફોટો વીડિયો સહિતની માહિતી સુરેન્દ્રભાઈને વોટસએપ પર મોકલતી રહી હતી. થોડાંક દિવસો બાદ ફરિયાદીને મિક્સ હાઈડ્રો કાર્બન ઓઈલની જરૂર ઊભી થતાં તેમણે સાક્ષીને તેનો ઓર્ડર આપેલો. માલ ભરવા માટે મુંદરા પોર્ટ ખાતે બે ટેન્કર મોકલી આપેલાં.
સાક્ષીએ ટેન્કરોમાં માલ ભરાયો હોવાના ફોટો મોકલીને માલનું પેમેન્ટ કરવા જણાવતાં ફરિયાદીએ તે જ દિવસે ૫૪.૭૮ લાખ રૂપિયાનું પેમેન્ટ ચૂકવી આપ્યું હતું.
ફરિયાદીને આજ દિવસ સુધી નથી માલ મળ્યો કે ના પેમેન્ટ. સાક્ષીએ થોડાંક દિવસો સુધી મીઠી મીઠી વાતો કરીને વાયદાબાજી કરેલી. ફરિયાદીએ કડક થઈને વાત કરતા સાક્ષીએ તેમને ધમકી આપેલી કે ‘મારી પહોંચ ઉપર સુધી છે. હું તને હની ટ્રેપમાં ફસાવી દઈશ’ પોલીસે વિશ્વાસઘાત અને ધમકીની કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Share it on
|