click here to go to advertiser's link
Visitors :  
19-Feb-2026, Thursday
Home -> Mundra -> Police Vehicles Damaged and Set on Fire Following Labor Protest in Mundra MPL Colony
Wednesday, 18-Feb-2026 - Mundra 5090 views
મુંદરા MPL કોલોનીમાં ઉશ્કેરાયેલાં મજૂરોનો પોલીસ વાહનો પર પથ્થરમારો અને આગચંપી
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરાના કાંડાગરા ગામ નજીક આવેલી MPL લેબર કોલોનીમાં આપઘાત કરનાર એક શ્રમિકની લાશ લઈ જવા મુદ્દે મામલો બીચકતાં ઉશ્કેરાયેલાં સેંકડો કામદારોએ પોલીસ પર હુમલો કરીને વાહનો સળગાવ્યાં હોવાની ઘટના ઘટી છે.
Video :
ગત મોડી રાત્રે કોલોનીમાં હુલ્લડ થતાં જિલ્લાભરનો પોલીસ કાફલો કોલોનીમાં ખડકી દેવાયો હતો. પોલીસે આજે પરોઢ સુધી કોમ્બિંગ કરીને પાંત્રીસેક તોફાનીઓની અટકાયત કરી હોવાનું બહાર આવ્યું છે.
મજૂરે આપઘાત કરતાં પોલીસ લેબર કોલોનીમાં ગયેલી

લેબર કોલોનીમાં રહેતા ૩૧ વર્ષના નીરજકુમાર ભાગેન્દ્ર મહતો નામના પરપ્રાંતીય શ્રમિકે તેના રૂમમાં અગમ્ય કારણોસર આપઘાત કરી લીધો હતો. ઘટના અંગે મુંદરા પોલીસને જાણ થતાં પોલીસે લેબર કોલોનીમાં દોડી જઈને સ્થળ પંચનામું કરવા અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવા તજવીજ હાથ ધરી હતી.

લાશને પીએમ માટે લઈ જવા સામે દર્શાવ્યો વિરોધ

આસપાસમાં રહેતા મજૂરોએ જ્યાં સુધી નીરજના પરિવારજનો સ્થળ પર ના આવે ત્યાં સુધી લાશ રૂમમાંથી બહાર ના લઈ જવા પોલીસ સમક્ષ માંગણી કરી હતી. કાયદા મુજબ પોસ્ટમોર્ટમ માટે લાશને લઈ જવી જરૂરી હોવાની પોલીસે સલાહ આપતાં મજૂરો ઉશ્કેરાયાં હતા.

પોલીસ પરત જતી હતી ત્યારે વાહનોને ટાર્ગેટ કરાયાં

મજૂરોની સંખ્યા અને તેમનો લાશ ના લઈ જવા મુદ્દે વધતો ઉશ્કેરાટ જોઈને છેવટે પોલીસે નમતું જોખ્યું હતું. સરકારી જીપ અને અંગત ક્રેટા કાર લઈને આવેલા પોલીસ કર્મચારીઓ પરત જવા નીકળતાં હતા તે સમયે પોલીસ લાશ લઈ જવા માટે બળજબરી કરી રહી હોવાના મતલબની ફેલાયેલી અફવાના પગલે મજૂરોએ પોલીસના વાહનો પર પથ્થરમારો શરૂ કર્યો હતો. પરિસ્થિતિ પામીને પોલીસ કર્મચારીઓ વાહનોમાંથી બહાર નીકળીને જેમ તેમ કરીને જીવ બચાવી સરકી ગયાં હતા. ઉશ્કેરાયેલાં લોકોએ વાહનો પર પથ્થરમારો કરીને એક વાહનને સળગાવી દીધું હતું.

જિલ્લાભરના વિવિધ પો.સ્ટે.નો કાફલો ખડકી દેવાયો

ઘટના અંગે જાણ થયાં બાદ મુંદરા પોલીસ ઉપરાંત મુંદરા મરીન, પ્રાગપર, માનકૂવા, માંડવી, કોડાય, ભુજ એ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે એલસીબી અને એસઓજીનો સ્ટાફ લેબર કોલોનીમાં ખડકી દેવાયો હતો.

પોલીસે આખી રાત લેબર કોલોનીમાં કોમ્બિંગ હાથ ધરીને પાંત્રીસેક તોફાનીઓને રાઉન્ડ અપ કર્યાં હતા.

સમગ્ર મામલે મુંદરા પોલીસે હજુ સુધી સત્તાવાર કશી વિગતો જાહેર કરી નથી. ઉલ્લેખનીય છે કે થોડાંક સમય અગાઉ પણ એમપીએલ કોલોનીમાં પાણીના મુદ્દે સિક્યોરીટી કર્મચારીઓ સાથે સ્થાનિક મજૂરોએ ઘર્ષણ કરીને સિક્યોરીટી કેબિન પર પથ્થરમારો અને તોડફોડ કર્યા હતા. આ બેઉ ઘટનાઓ લાલ બત્તી સમાન છે અને મુંદરા પોર્ટ તથા પશ્ચિમ કચ્છ પોલીસ કાયદો અને વ્યવસ્થા જાળવવા સંદર્ભે કડક એક્શન લે તે અપેક્ષિત છે.

Share it on
   

Recent News  
મુંદરાઃ પોલીસ પર હુમલો કરનારાં ૩૦૦ લોકોના ટોળાં સામે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ
 
મુંદરાના વવારની સીમમાં સરકારી જમીન પરનું દબાણ દૂરઃ ૧.૯૫ કરોડની જમીન ખુલ્લી કરાઈ
 
ગાંધીધામઃ ગમછામાં ગાંઠ મારી છૂપાવેલી માચિસના બાકસમાંથી ૬૪ હજારનું હેરોઈન મળ્યું