|
કચ્છખબરડૉટકોમ, ભુજ (ઉમેશ પરમાર) મુંદરાના રતાડીયા ગામની વૃધ્ધ મહિલાના અપહરણ અને રેપ મર્ડરના ગુનામાં આજે ભુજ સેશન્સ કૉર્ટે સચિન કુવરીયા નામના યુવકને દોષી ઠેરવી ફાંસીની સજા ફટકારી છે. છેલ્લે ભુજ સેશન્સ કૉર્ટે ૨૦૦૪માં પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકવાદીને ફાંસીની સજા ફટકારેલી. ત્યારબાદ ૨૨ વર્ષના લાંબા અંતરાલ બાદ ભુજ કૉર્ટે આજે વધુ એક યુવકને ફાંસીની સજા ફટકારી છે. અત્યારસુધીમાં ભુજ સેશન્સ કૉર્ટે કુલ ૭ જણને ફાંસીની સજા ફટકારી છે જેમાં પાંચ પાકિસ્તાની આતંકવાદીનો સમાવેશ થાય છે.
૨૦૧૮માં ગાંધીધામ કૉર્ટે સગી જનેતા અને બહેનની હત્યા કરવાના ગુનામાં ૧૯ વર્ષની મંજુ સથવારા નામની યુવતીને ફાંસીની સજા ફટકારેલી. તો, છેલ્લે ૨૦૧૯માં અંજાર સેશન્સ કૉર્ટે બાળકીના અપહરણ, રેપ વીથ મર્ડરના કેસમાં રાપરના ગુંડાને ફાંસીની સજા ફટકારેલી.
આજના ચુકાદાને બાદ કરતાં ગુજરાત હાઈકૉર્ટમાં અગાઉના તમામ કેસમાં આરોપીઓની ફાંસીની સજા આજીવન કેદમાં પરિવર્તિત થયેલી છે. બે કેસમાં આરોપીને કૉર્ટે નિર્દોષ જાહેર કરેલાં છે.
સેશન્સ કૉર્ટે આપેલો આ ચુકાદો રેફરન્સ માટે હાઈકૉર્ટમાં મોકલાશે. હાઈકૉર્ટની પુષ્ટિ બાદ ફાંસીની સજા કાયમ રહેશે.
સેશન્સ કૉર્ટના ચુકાદા સામે સચિન ગુજરાત હાઈકૉર્ટમાં અપીલ દાખલ કરી શકે છે. સેશન્સ કૉર્ટને દેહાંતદંડની સજા આપવાની સંપુર્ણ સત્તા છે. પરંતુ, આ ચુકાદા પર ગુજરાત હાઈકૉર્ટની પુષ્ટિ અનિવાર્ય છે.
જો હાઈકૉર્ટ સેશન્સનો ચુકાદો બહાલ રાખે તો તેની પાસે સુપ્રીમ કૉર્ટમાં અપીલના દ્વાર ખુલ્લાં રહે છે. સુપ્રીમ પણ ફાંસીની સજા કાયમ રાખે તો છેલ્લી આશા રાષ્ટ્રપતિ પાસે દયાની અરજીની રહે છે.
૧૯૮૭માં ભુજ સેશન્સ કૉર્ટે ફાંસીની પ્રથમ સજા ફટકારેલી
ભચાઉના મનફરા ગામે વેવાઈ પક્ષના એકસાથે પાંચ સંબંધીઓની હત્યા કરનારા ઈલિયાસ ગગુ ઘાંચીને ભુજ સેશન્સ કૉર્ટે ફાંસીની સજા ફટકારી હતી. જો કે, પાછળથી ભુજના દિવંગત વરિષ્ઠ એડવોકેટ એમ.બી. સરદારે હાઈકૉર્ટમાં અપીલ કરીને કેસમાં રહેલા વિવિધ વિરોધાભાસી મુદ્દાઓને ટાંકીને ઈલિયાસ ઘાંચીને નિર્દોષ છોડાવ્યો હતો તેમ એડવોકેટ સરદાર પાસે વકીલાતના પાઠ શીખેલાં વર્તમાન સિનિયર એડવોકેટ આર.એસ. ગઢવીએ ઉમેર્યું છે.
૨૦૦૪માં એકસાથે ૪ ISI એજન્ટને ફાંસીની સજા થયેલી
૧૯૯૯માં લખપતના સુરો ગાંડારો ડુંગર પરથી પોલીસે ૨૪ કિલોગ્રામ આરડીએક્સ, ડિટોનેટર, રીમોટ કંટ્રોલ સ્વિચ, ૬૦થી ૬૫ જેટલી પિસ્ટલ, ૨૦ રિવોલ્વર, ઢગલાબંધ જીવંત કારતૂસો સહિતના મોતના સામાન સાથે પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIના ચાર એજન્ટો ઝડપાયાં હતા.
આ કેસમાં આરોપીઓ વિરૂધ્ધ રાજદ્રોહ, ફોરેનર્સ એક્ટ, પાસપોર્ટ એક્ટ, આર્મ્સ એક્ટ, કસ્ટમ એક્ટ સહિતના સંખ્યાબંધ એક્ટ તળે પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી હતી. ૨૦૦૪માં તત્કાલિન સેશન્સ જજ વી.એમ.ચૌધરીએ ચારેય ISI એજન્ટોને ફાંસીની સજા સંભળાવી હતી.
આરોપીઓએ હાઈકૉર્ટમાં અપીલ કરતાં હાઈકૉર્ટે ચારેયની ફાંસીની સજાને આજીવન કેદમાં પરિવર્તિત કરી હતી. આ કેસમાં તત્કાલિન એસપી એ.કે. સિંઘ અને એલસીબી પીએસઆઈ ડી.આર. અગ્રાવતે ઘણી મહેનત કરેલી. ફરિયાદ પક્ષ વતી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે રત્નાકરભાઈ ધોળકીયા અને પૂર્વ ડીજીપી કે.સી. ગોસ્વામીએ સફળ પેરવી કરેલી.
૨૦૦૪માં લશ્કરે તૈયબાના આતંકીને ફાંસીની સજા થયેલી
૨૦૦૧ના ગોઝારા ભૂંકપના છએક માસ બાદ પોલીસે ખાવડા નજીક કાળા ડુંગર પાસેથી ૧૪ કિલોગ્રામ RDX, VHF Sets, બોમ્બ ટાઈમર, પિસ્તોલ વગેરે પીઠ પર લાદેલી હાલતમાં લવાયેલાં પાકિસ્તાની ઊંટ સાથે મુઝમ્બિલ શાહનવાઝ હુસેન ભટ્ટી નામના લશ્કર-એ-તૈયબાના આતંકીની ધરપકડ કરેલી.
શાહનવાઝ પાસેથી એક પાકિસ્તાની પાસપોર્ટ અને નકલી ભારતીય પાસપોર્ટ મળી આવેલાં. આ કેસમાં ૨૦૦૪માં તત્કાલિન એડિશનલ સેશન્સ જજ ડી.એન. મહેસુરિયાએ શાહનવાઝ ભટ્ટીને ફાંસીને સજા ફટકારેલી.
પાછળથી હાઈકૉર્ટે ફાંસીની સજાને આજીવન કેદમાં પરિવર્તિત કરી હતી. આ કેસમાં ફરિયાદ પક્ષ વતી સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે રત્નાકર ધોળકીયા અને તેમના જૂનિયર એડવોકેટ કે.સી. ગોસ્વામીએ પેરવી કરેલી.
ડબલ મર્ડરમાં ગાંધીધામ કૉર્ટે યુવતીને ફાંસીની સજા કરેલી
ગાંધીધામની નવી સુંદરપુરીમાં ઘરકામ બાબતે માતાએ આપેલા ઠપકાથી ઉશ્કેરાઈને ૧૯ વર્ષિય મંજુ કસ્તુરભાઈ ડુંગરીયા (દેવીપૂજક)એ ૧૭-૦૨-૨૦૧૭ની પરોઢે પાંચ વાગ્યે સગી માતા અને બહેનને તલવાર મારી હત્યા કરી હતી. આ ગુનામાં ૧૫-૦૩-૨૦૧૮ના રોજ ગાંધીધામના અધિક સેશન્સ જજ ડી.આર. ભટ્ટે મંજુને ફાંસીની સજા ફટકારી હતી.
પાછળથી ૧૮-૦૩-૨૦૧૯ના રોજ ગુજરાત હાઈકૉર્ટે મંજુની સજા રદ્દ કરીને તેની માનસિક હાલતની યોગ્ય તબીબી ચકાસણી કરાયાં બાદ નવેસરથી ચાર્જ ફ્રેમ કરી ફ્રેશ ટ્રાયલ ચલાવવા હુકમ કરેલો.
મંજુ સ્કિઝોફ્રેનિયા નામના માનસિક રોગથી પીડાતી હોવાની બાબતને ટ્રાયલ કૉર્ટે નજરઅંદાજ કરી હોવાનું હાઈકૉર્ટે ઠેરવ્યું હતું.
૨૦૧૯માં અંજાર કૉર્ટે ફાંસીની સજા ફટકારેલી
૧૫-૦૬-૨૦૧૨ના રોજ રાપર તાલુકાના સઈ ગામની સીમની વાડીએ અન્ય બાળકો સાથે રમતી ૬ વર્ષની ફૂલ જેવી બાળકીનું અપહરણ કરીને ક્રૂરતાપૂર્વક બળાત્કાર આચરી તેની હત્યા કરનારાં પીછાણા ગામના દેવા ધના કોલી નામના નરાધમને ૧૬-૦૨-૨૦૧૯ના રોજ અંજારના અધિક સેશન્સ જજ એસ.ડી. પાંડેએ ફાંસીની સજા ફટકારી હતી. સરકારી વકીલ ડી.બી. જોગીએ દલીલો કરેલી.
ત્રીસ વર્ષના હિસ્ટ્રીશીટર દેવા સામે અગાઉ રાપરમાં બે અને આડેસર પોલીસ મથકમાં મારામારી-લૂંટ સહિતના ચાર મળી કુલ ૬ ગંભીર ગુના નોંધાયેલાં. અગાઉ હુમલા સાથે લૂંટના એક બનાવમાં તેને ગાંધીધામ કૉર્ટે ૭ વર્ષની કેદની સજા ફટકારી હતી.
ફાંસીની સજા સામે આરોપીએ હાઈકૉર્ટમાં અપીલ કરેલી. હાઈકૉર્ટે ફાંસીની સજા રદ્દ કરી તેને ૩૦ વર્ષની કેદની સજા ફટકારેલી.
Share it on
|