કચ્છખબરડૉટકોમ, ભુજઃ દેવ દર્શને નીકળેલી ૬૫ વર્ષની વૃધ્ધ મહિલાનું બળાત્કારના ઈરાદે બાઈક પર અપહરણ કરીને, બર્બરતાપૂર્વક દુષ્કર્મ ગુજારી હત્યા કરનારા આરોપીને ભુજની સેશન્સ કૉર્ટે ફાંસીની સજા સાથે બે લાખનો દંડ ફટકાર્યો છે. માતાની ઊંમરની મહિલા સાથે આરોપીએ આચરેલાં આ અપરાધને ગંભીર ગણી તથા આરોપીને ગુનાનો કોઈ પશ્ચાતાપ પણ ના હોવાનું જાણીને કૉર્ટે ગુનાને રેરેસ્ટ ઑફ ધ રેર ગણી ફાંસી જેવી કેપિટલ પનિશમેન્ટ ફટકારી છે.
મૃતક મહિલા દેવદર્શન કરવા ગયેલી
અપહરણ, રેપ વીથ મર્ડરનો બનાવ ૨૨-૦૨-૨૦૨૩ની બપોરે બન્યો હતો. મુંદરાના રતાડીયા ગામે રહેતી ૬૫ વર્ષિય વૃધ્ધ મહિલા નજીકના ગુંદાલા ગામે રામદેવ પીર મંદિરના દર્શને કરવા ઘરેથી એકલી નીકળી હતી. વૃધ્ધા ઘરે પરત જવા નીકળેલા ત્યારે બાઈક લઈને જઈ રહેલા સચિન માવજી કુવરીયા (સથવારા) (ઉ.વ. ૨૪, મૂળ રહે. લુણી, મુંદરા. હાલે રહે. નારાણપર, ભુજ)એ લિફ્ટ આપવાના બહાને તેમને પોતાના બાઈક પર બેસાડેલાં.
દીકરાની ઊંમરના સચિનના મનમાં હવસનો કીડો સળવળતો હશે તેની વૃધ્ધાને કલ્પના સુધ્ધાં નહી હોય.
બળાત્કારના ઈરાદે સચિન વૃધ્ધાનું બાઈક પર અપહરણ કરીને રતાડીયાની સીમાડે અવાવરુ જગ્યા પર લઈ ગયેલો. અહીં તેણે બર્બરતાપૂર્વક વૃધ્ધા સાથે બળાત્કાર ગુજારેલો. ત્યારબાદ પોતાની પાસે રહેલી લુંગીથી વૃધ્ધાનો શ્વાસ રૂંધીને હત્યા નીપજાવી નાસી ગયેલો. સવારે ઘરેથી નીકળેલી ભાભી મોડી સાંજ સુધી ઘરે પરત ના ફરતાં દિયર પ્રાગપર પોલીસ મથકે દોડી ગયેલો.
ગ્રામજનોએ શોધખોળ હાથ ધરેલી. મોડી રાત્રે લાપત્તા મહિલાની લાશ મળી આવી હતી.
પોલીસે ઈપીકો કલમ ૩૦૨, ૩૭૬ એ અને ૩૬૪ની કલમો તળે ગુનો નોંધેલો.
પોલીસે આ રીતે સચિનનું પગેરું દબાવેલું
હત્યારાના સગડ મેળવવા પોલીસે ગહન તપાસ હાથ ધરતાં એક જણે વૃધ્ધ મહિલા બાઈક પાછળ બેસીને જોવા મળ્યાં હોવાનું જણાવેલું. પોલીસે સીસીટીવી ફૂટેજ ચેક કરતાં અજાણ્યો યુવક બાઈક પર વૃધ્ધાને બેસાડીને લઈ જતો હોવાનું જોવા મળેલું. પગેરું દબાવતાં દબાવતાં પોલીસે નારાણપર ગામથી સચિનની ગુનામાં વપરાયેલી બાઈક અને લુંગી સાથે ધરપકડ કરી લીધી હતી.
મામલતદાર સમક્ષ થયેલી ઓળખ પરેડ દરમિયાન તેને મહિલાને બાઈક પર બેસાડીને લઈ જતા જોનાર યુવકે ઓળખી બતાડ્યો હતો.
મૃતકના મહિલાના શરીર પર નવ ઈજાઓ થઈ હોવાનું સ્પષ્ટ થયેલું. મૃતકના બ્લડ સેમ્પલ અને વજાઈનલ સ્વૉબમાંથી મળેલાં વીર્યના નમુના અને આરોપીના બ્લડ સેમ્પલ, વીર્યના નમુનાના ડીએનએ ફોરેન્સિક સાયન્સ લેબના વૈજ્ઞાનિક પરીક્ષણમા મેચ થયાં હતા.
પોલીસની તપાસમાં બહાર આવેલું કે સચિનનો સ્વભાવ ગુસ્સાવાળો હતો. વિકૃત માનસિક્તા ધરાવતો હતો અને ચારિત્ર્ય ખરાબ હતું. જેથી તેની પત્ની પણ તેને ત્યજીને ચાલી ગયેલી.
ગુનાની તપાસ બાદ પોલીસે કૉર્ટમાં ૧૮ સાક્ષીઓ અને ૭૬ દસ્તાવેજી આધાર પુરાવા રજૂ કર્યાં હતા. ૨૭ માર્ચના રોજ એડિશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજ જે.એ. ઠક્કરે રજૂ થયેલાં પુરાવા, બંને પક્ષની લંબાણભરી દલીલો, આધાર પુરાવા, ગુના બાદ જેલમાં રહેલા આરોપીની વર્તણૂક, માનસિક આરોગ્યની હોસ્પિટલના તબીબનો અભિપ્રાય વગેરેના આધારે સચિનને દોષી ઠેરવી ચુકાદો અનામત રાખ્યો હતો.
કૉર્ટે ગુનાને રેરેસ્ટ ઑફ ધ રેર ગણી મૃત્યુદંડ આપ્યો
સચિને આચરેલાં અપરાધની બર્બરતા, ગુનાહિત માનસિક્તા, મૃતકના પરિવારે વેઠેલી પીડા, ગુનો આચર્યાં બાદ પણ અપરાધીને તેનો કોઈ પશ્ચાતાપ નહીં હોવા સહિતની વિવિધ બાબતોનું આકલન કરીને કૉર્ટે ગુનાને રેરેસ્ટ ઑફ ધ રેર ગણી ઈપીકો કલમ ૩૦૨ હેઠળ મૃત્યુદંડની સજા સાથે ૧ લાખનો દંડ તથા ઈપીકો કલમ ૩૭૬ એ તળે આજીવન કેદ સાથે એક લાખનો દંડ ફટકાર્યો છે. ઈપીકો કલમ ૩૬૪ હેઠળ પણ કૉર્ટે તેને દોષી ઠેરવ્યો છે જો કે અલગથી કોઈ સજા ફટકારી નથી. સચિન પરનો આ કેસ અંડર ટ્રાયલ પ્રિઝનર તરીકે ચાલ્યો છે.
કૉર્ટે મૃતકના વારસદારોને ૧૦ લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો છે.
ગુનાની તપાસ પ્રાગપરના તત્કાલિન પોલીસ ઈન્સ્પેક્ટર હાર્દિક સૂર્યકાન્ત ત્રિવેદીએ કરેલી. કૉર્ટમાં સરકાર તરફે એડવોકેટ દિનેશ જે. ઠક્કરે દલીલો કરેલી. અંદાજે અઢી દાયકા બાદ ભુજ કૉર્ટે કોઈ આરોપીને ફાંસીની સજા ફટકારી છે. કૉર્ટના ચુકાદાની પુષ્ટિ ગુજરાત હાઈકૉર્ટ કરશે.
Share it on
|