કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ઝીંકેલા ૨૫ ટકા ટેરિફના કારણે પ્રભાવિત થનારાં ઉદ્યોગોમાં પોલાદ ઉદ્યોગ પણ સમાવિષ્ઠ છે. ૨૭ ઑગસ્ટથી આ ટેરિફ વધુ ૨૫ ટકાના વધારા સાથે ૫૦ ટકા થવાની શક્યતાઓના લીધે આયર્ન, સ્ટીલ અને એલ્યુમિનિયમ ઈન્ડસ્ટ્રીઝ પર ઘેરું સંકટ તોળાઈ રહ્યું છે. કમ્મરતોડ ટેરિફના ઓછાયા વચ્ચે આજે મુંદરાના સમાઘોઘા ખાતે કાર્યરત જિન્દાલ સૉ લિમિટેડે વર્ષોથી કામ કરતાં ૬૦૦ જેટલા કર્મચારીઓને રાતોરાત છૂટ્ટાં કરી દેતાં દેકારો મચી ગયો છે.
વર્ષોથી કોન્ટ્રાક્ટ પર કામ કરતા શ્રમિકોને ગત રાત્રે ૧૦ વાગ્યે મેસેજ આપીને કાલથી ફેક્ટરી પર ના આવવા જાણ કરાઈ હતી.
આ બાબતથી અજાણ અનેક શ્રમિકો સવારે નિત્યક્રમ મુજબ ફેક્ટરી પર પહોંચ્યા ત્યારે પંચિંગ મશિનમાં તેમના નામ લૉક થઈ ગયાં હતા અને તેઓ અંદર પ્રવેશી શક્યા નહોતા. રાતોરાત નોકરી પરથી દૂર કરી દેવાયેલાં શ્રમિકોનું મોટું ટોળું ગેટ પર એકઠું થઈ ગયું હતું અને આ રીતે એકાએક નોકરીમાંથી દૂર કરી દેવા સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.
કામદારોમાં એ બાબતે રોષ છે કે કમસેકમ સૌને એક બે મહિના આગોતરી જાણ કરી હોત તો બીજે ક્યાંક રોજગાર માટે વૈકલ્પિક વ્યવસ્થાનું આયોજન કરી શક્યા હોત.
આ રીતે રાતોરાત દૂર કરી દેવા અનુચિત છે.
અનેક કામદારો વલોપાત કરતા જોવા મળ્યાં
છૂટાં કરાયેલાં એક પરપ્રાંતીય શ્રમિકે રડતાં રડતાં માધ્યમો સમક્ષ વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે વર્ષોથી મારું વતન છોડીને અહીં સ્થાયી થયો છું. ભાઈ-બહેનોને ભૂલી ગયો છું, મારું ગામ ભૂલાઈ ગયું છે.
કંપનીને જરૂર હતી ત્યારે અમને કામે રાખ્યા અને હવે જરૂર નથી તો રાતોરાત હાંકી કાઢ્યા. હવે અમે ક્યાં જશું?
લાખો રૂપિયાના પગાર લેતા કર્મચારીઓને કાઢ્યા નથી અને અમારા જેવા પંદર હજાર રૂપિયાના પગારદારોને દૂર કરી દેવાયાં છે. અન્ય એક સ્થાનિક યુવકે કચ્છીમાં જણાવ્યું કે આઠ વરસથી કંપનીમાં કામ કરું છું. આજે અચાનક કહી દેવાયું કે નોકરી બંધ. હવે ઘરમાં લોકોને ખવડાવીશ કેમ? છોકરાઓના ભણતરનું શું થશે? સ્થાનિક ચૂંટાયેલા આગેવાનો પણ ફેક્ટરી ખાતે દોડી આવ્યા હતા અને શ્રમિકોની વેદના સાંભળીને કંપની સંચાલકો સમક્ષ રજૂઆત કરી હતી. કામદારોને રાતોરાત છૂટ્ટાં કરી દેવા મુદ્દે કંપનીએ કશી સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.
Share it on
|