કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરાના રીઢા આરોપી મોહમ્મદ શકીલ યાકુબ ધુઈયાએ બારોઈમાં સરકારી ખરાબાની જમીન પર ગેરકાયદે ચણી નાખેલી ૧૬ ઓરડીઓ આજે પ્રાંત અધિકારીના માર્ગદર્શનમાં સ્વેચ્છાએ તોડી પાડી છે. શકીલ ગેરકાયદે રીતે ઊંચા વ્યાજે નાણાં આપીને પઠાણી ઉઘરાણી કરવી, લોકોની મિલકતો ગેરકાયદે પડાવી પચાવી લેવી, એટ્રોસીટી ધાક ધમકીઓ આપવા સહિતના સાત ગુનાઓનો રીઢો આરોપી છે. બારોઈમાં સરકારી ખરાબાની સર્વે નંબર ૨૦૭ પૈકીની ૪૫૦ ચોરસ મીટર જમીન કે જેનું બજાર મૂલ્ય ૧૦.૩૫ લાખ રૂપિયા છે તેના પર દબાણ કરીને શકીલે આ ઓરડીઓ ચણી લીધી હતી. મુંદરાના પોલીસ ઈન્સ્પેક્ટર આર.જે. ઠુમરના ધ્યાને આ બાબત આવતાં તેમણે પ્રાંત અધિકારીને આ અંગે લેખીત જાણ કરેલી. સરકારી તંત્રના સર્વે અને અહેવાલ બાદ આજે પ્રાંત અધિકારી બી.એચ. ઝાલાના માર્ગદર્શનમાં કાયદેસર કાર્યવાહી હાથ ધરતાં આરોપીએ સ્વેચ્છાએ તમામ ઓરડીઓ જમીનદોસ્ત કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે શકીલે એક શખ્સે દીકરીની બર્થડેની ઉજવણી માટે કેક ખરીદવા બચાવીને રાખેલા ૧૭૦ રૂપિયા પણ ઝૂંટવી લીધા હતા.
આ બાબતની જાણ થયાં બાદ પોલીસે તે શખ્સની ફરિયાદ નોંધીને પોલીસ સ્ટેશનમાં તેની દીકરીને બોલાવી કેક કાપીને બર્થડેની ઉજવણી કરી હતી.
Share it on
|