કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરામાં માદક દ્રવ્યોનું છૂટક વેચાણ કરતો પંજાબી ડ્રગ્ઝ પેડલર ઝડપાયો છે. પોલીસની આંખમાં ધૂળ નાખવા આરોપીએ કસરત કરવા માટેના રોલરની પાઈપના પોલાણમાં ડ્રગ્ઝનો અમુક જથ્થો છૂપાવી રાખ્યો હતો. બાતમીના આધારે મુંદરા પોલીસે શહેરના શ્રીજીનગરમાં આવેલી દેવાંગ સોસાયટીમાં રવિન્દ્ર સૈની નામના શખ્સના મકાનની ઉપરની ખોલીમાં ચાર વર્ષથી ભાડે રહેતાં કુલદીપસિંઘ સવિન્દ્રસિંઘ મજબી (શીખ) (ઉ.વ. ૩૯, રહે. મૂળ તરનતારન, પંજાબ)ના ઘરમાં દરોડો પાડ્યો હતો. કુલદીપની અંગજડતી લેતાં તેના પેન્ટના ખિસ્સામાંથી ૧૪.૪૨ ગ્રામની કોકેઈનની પડીકી અને ૫૬૦૦ રોકડાં રૂપિયા મળી આવ્યા હતા.
પોલીસે દસ બાય દસની ખોલીની જડતી લેતાં કસરત માટે રાખેલાં બે ડમ્બેલ્સ અને એક રોલર પૈકી રોલરના પાઈપના પોલાણમાં છૂપાવેલી ૧૮.૦૫ ગ્રામ કોકેઈનની બીજી પડીકી મળી આવી હતી.
તલાશી દરમિયાન એક ડિજીટલ પોકેટ વજનકાંટો, એક ટેબલેટ, એક મોબાઈલ ફોન મળી આવ્યાં છે. કુલદીપ ડ્રગ્ઝની છૂટક પડીકીઓ વેચતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં પોતે ડ્રગ્ઝ ક્યાંથી મેળવતો હતો તે અંગે કશું કહેવાનો આરોપીએ ઈન્કાર કર્યો હતો. પોલીસે ૩૨.૪૭ લાખનું ૩૨.૪૭ ગ્રામ કોકેઈન ક્રેક અને અન્ય મુદ્દામાલ જપ્ત કરી કુલદીપ સામે નાર્કોટિક્સ ડ્રગ્ઝ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સીઝ (NDPS) એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Share it on
|