કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છના સીમાવર્તી ગામોમાં વસતાં નાગરિકો માટે લાલબત્તી સમાન એક બનાવ બહાર આવ્યો છે. અબડાસાના ચિયાસર ગામે રહેતા બે સગાં વૃધ્ધ ભાઈઓ પર ત્રણ જણે લાકડીઓથી હુમલો કર્યો છે. ૬૨ વર્ષિય પ્રધાનભાઈ લક્ષ્મીદાસ ગજરાએ કોઠારા પોલીસ મથકે ત્રણ લોકો સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે શનિવારે રાત્રે તે અને તેમનો નાનો ભાઈ મહેન્દ્ર ગજરા બેઉ દુકાને બેઠાં હતા. રાત્રિના પોણા નવના અરસામાં નજીકના નુંધાતડ ગામનો મુબારક ઈશાક સુરંગી, શબ્બિર લાખા પઢિયાર અને આમદ જુસબ બુટ્ટા બાઈક પર આવ્યા હતા.
મુબારક અને શબ્બિરે લાકડીઓ સાથે દુકાને પર આવીને તેમનો ભાઈ મહેન્દ્ર ‘અમારા ગામની બાતમીઓ એસઓજી પોલીસને આપે છે’ તેમ જણાવી ગાળો ભાંડીને હુમલો કર્યો હતો.
નાના ભાઈને માર ખાતો બચાવવા માટે ફરિયાદી વચ્ચે પડતાં આરોપીઓએ હત્યાના ઈરાદે તેમના માથામાં લાકડી ઝીંકી હતી. ફરિયાદીએ સ્વબચાવમાં હાથ આડો કરતાં ડાબા હાથની આંગળીમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. આમદ બુટ્ટાએ પણ બેઉ ભાઈઓને ભુંડી ગાળો ભાંડી હતી.
ઘટના અંગે કોઠારા પોલીસે ત્રણે આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૯ (૧) (હત્યાનો પ્રયાસ) સહિતની કલમો તળે ગુનો નોંધ્યો છે.
સરહદી ગામોમાં વસતાં જાગૃત નાગરિકો જો એસઓજી કે પોલીસને કોઈ મહત્વની માહિતી આપતાં હોય અને તેની વિગતો જો આરોપીઓ સુધી લીક થઈ જતી હોય તો તે અત્યંત ગંભીર બાબત છે. કારણ કે, તેના કારણે આવા જીવલેણ હુમલા થઈ શકે છે અને એસઓજી પોલીસ પરનો ભરોસો ડગમગી શકે છે. આવા જીવલેણ હુમલા થાય ત્યારે કોઈ ભોજીયો ભાઈ પણ બચાવવા આવતો નથી તે સંદેશ પણ આ બનાવ પરથી પ્રતિપાદિત થાય છે. આ મામલે ઈન્ચાર્જ પીઆઈ નિર્મલસિંહ જાડેજાએ જણાવ્યું કે કેટલાંક આરોપીઓની અટક કરી લેવાઈ છે. તેમની પૂછપરછ અને બનાવની ગહન તપાસમાં વધુ વિગતો જાણવા મળશે.
Share it on
|