|
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ અઠવાડિયા અગાઉ મુંદરામાં ૩૫ વર્ષિય યુવકની હત્યા કરી નાસેલા હત્યારાને મુંદરા પોલીસ તેના વતન બિહારથી પકડી લાવી છે. હત્યારાને ગંધ ના આવે તે માટે પોલીસે ગોપનીયતા રાખી સ્થાનિક વેશભૂષા ધારણ કરીને આખું ઓપરેશન પાર પાડ્યું છે. બિહારના સારણનો વતની અખિલેશકુમાર ફૂલેના રાય (યાદવ) છેલ્લાં પાંચેક વર્ષથી રાસાપીર સર્કલ પાસે આવેલા ઘનશ્યામ કોમ્પ્લેક્સની ઓરડીમાં ભત્રીજા રવિકુમાર જોડે રહીને ટ્રાન્સપોર્ટ પેઢીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હતો. મર્ડર પછી ફોટો બતાવ્યો ને વાત ફેલાઈ
૧ જૂલાઈના રોજ ભત્રીજા રવિકુમારને તેના મિત્ર મિથિલેશકુમારે ફોન કરીને અખિલેશકુમારની કોઈએ હત્યા કરી નાખી હોવાનું જણાવીને તેને પોતાના રૂમ પર રૂબરૂ મળવા બોલાવેલો. રવિકુમાર પરિચિતો જોડે મિથિલેશને મળવા દોડી ગયેલો. મિથિલેશે સૌની હાજરીમાં જણાવેલું કે હું અને તર્કેશ્વર યાદવ ટી પોઈન્ટ સર્કલે હાજર હતા ત્યારે તર્કેશ્વરે તેના મોબાઈલમાં અખિલેશ યાદવનો છુંદાયેલો લોહીલુહાણ ચહેરાવાળો ફોટો બતાવી તેને કહેલું કે ‘અખિલેશ મર ગયા’ મિથિલેશે વળતો પ્રશ્ન પૂછેલો કે અખિલેશને કોણે માર્યો ત્યારે જવાબ આપવાના બદલે તર્કેશ્વર ત્યાંથી ભાગી ગયેલો.
મિથિલેશે તેને ફોન કરીને ફરી એ જ સવાલ પૂછ્યો ત્યારે તેણે જવાબ આપેલો કે અખિલેશનો એ ફોટો તેણે ફેસબૂક પરથી લીધો છે. ફેસબૂકમાં કોના એકાઉન્ટમાં આ ફોટો પોસ્ટ થયેલો તેવું પૂછતાં તેણે ફોન કટ કરી દીધેલો.
તર્કેશ્વરે મિથિલેશને બતાડેલો ફોટો અને વાતો સાંભળીને ભત્રીજા રવિકુમાર સહિતના પરિચિતોએ અખિલેશને શોધવાનું શરૂ કરેલું. બીજા દિવસે ટી પોઈન્ટ સર્કલ નજીક બાવળની ઝાડીઓમાંથી અખિલેશનો મૃતદેહ મળી આવેલો. રવિના બયાનના આધારે મુંદરા પોલીસે અજાણ્યા શખ્સ સામે મર્ડરનો ગુનો દાખલ કરીને શકમંદ તરીકે તર્કેશ્વરને શોધવાનું શરૂ કરેલું.
મર્ડર બાદ તર્કેશ્વર બિહાર નાસી ગયેલો
ટેકનિકલ અને હ્યુમન સર્વેલન્સમાં સ્પષ્ટ થયેલું કે તર્કેશ્વર બિહાર નાસી ગયો છે. મુંદરા પીઆઈ એસ.એમ. રાણાના માર્ગદર્શનમાં પીએસઆઈ ડી.જે. ઠાકોર, હેડ કોન્સ્ટેબલ દર્શન રઘુભાઈ, મહિપાલસિંહ અરવિંદસિંહ અને પૃથ્વીરાજ સૂરજદાનની ટીમ તેને પકડવા બિહાર રવાના થયેલી. તર્કેશ્વર તેના વતન સારણ તરફ ભાગેલો.
પોલીસથી બચવા માટે તે સતત સ્થળ બદલતો રહેતો હતો. છેલ્લે તે ડુમરીયા ગામ હોવાનું લોકેટ થયેલું.
મુંદરા પોલીસે તેને પકડવા માટે સ્થાનિક ગ્રામજનો ધારણ કરે છે તેવી વેશભૂષા ધારણ કરેલી. સ્થાનિક લોકોની મદદથી બિહાર રજિસ્ટ્રેશનની નંબર પ્લેટવાળા વાહનો મેળવીને ડુમરીયા ગામ પાસે વૉચ ગોઠવેલી. દરમિયાન, તર્કેશ્વર બાઈક લઈને ગામની કેનાલ પાસે આવતાં જ પોલીસે તેને ઘેરી લઈ દબોચી લીધો હતો.
હત્યાનો હેતુ શું તે આરોપી કબૂલતો નથી
અખિલેશની હત્યાના આરોપ સબબ પોલીસે તર્કેશ્વર શિવનારાયણ રાયની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યાં છે. પીઆઈ રાણાએ જણાવ્યું કે અખિલેશ અને તર્કેશ્વર બેઉ ડ્રાઈવર હોઈ તથા બેઉ આસપાસના ગામના વતની હોઈ એકમેકને ઓળખતાં હતા. અખિલેશના ચહેરા પર લાકડું ફટકારીને તેને મારી નાખ્યો હતો. જો કે, હત્યાનું કારણ શું તે સ્પષ્ટ થયું નથી. આરોપી રીઢો હોઈ મોઢું ખોલતો નથી.
Share it on
|