click here to go to advertiser's link
Visitors :  
08-Jul-2026, Wednesday
Home -> Bhuj -> Vayor PSI booked under bribery case Read the Inside Story
Tuesday, 07-Jul-2026 - Bhuj 2488 views
વાયોરનો PSI ઈન્દુભા ભુજમાં ‘હપ્તો’ લીધા બાદ ગંધ આવી જતાં ACBને થાપ આપી ફરાર
કચ્છખબરડૉટકોમ, ભુજઃ સરહદી વાયોર પોલીસ સ્ટેશનનો પોલીસ સબ ઈન્સ્પેક્ટર ઈન્દ્રવિજયસિંહ ઊર્ફે ઈન્દુભા રાજેન્દ્રસિંહ ગોહિલ (રહે. ભુજ) ૪૦ હજાર રૂપિયાની લાંચ મેળવીને સરકારી પંચો સાથે ACBની ટીમને થાપ આપીને નાસી છૂટ્યો છે. ગત રાત્રે ૧૦ વાગ્યે ACBએ ભુજના ગાયત્રી મંદિર પાસે છટકું ગોઠવેલું. લાંચના રૂપિયા લઈને પોતાની કારમાં ભાગી રહેલા PSIને પકડવા ACBએ પીછો કરેલો પરંતુ ઈન્દુભા ભુજની વ્યાયામ શાળાના મેદાન બાજુથી રાવલવાડી તરફ અંધારામાં ગાયબ થઈ ગયો હતો.

ગઈકાલ રાતથી આજે દિવસભર ઈન્દુભાને પકડવા માટે ACBએ અનેક પ્રયાસો કર્યા પરંતુ આરોપી હાથ લાગ્યો નથી.

ફરિયાદી પાસે અગાઉ ૧ લાખ પડાવી ચૂક્યો છે

ACB કેસના ફરિયાદી સહિત ચાર લોકો સામે ગત મે માસમાં એક પંજાબી યુવકે વાયોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલી.આ પંજાબી યુવાને ચાર વર્ષ અગાઉ વાઘાપધ્ધરમાં આવેલી ફરિયાદીની કાર્બન પાઉડરની ફેક્ટરી ભાડેથી મેળવેલી.

જો કે, બે માસનું ભાડું ચઢી જતા ઓક્ટોબર ૨૦૨૫માં ફરિયાદીએ કથિત રીતે બળજબરીથી ફેક્ટરીનો કબજો મેળવી લીધો હતો.

ત્યારબાદ ફેક્ટરીમાં તૈયાર પડેલો માલ ચોરી કરી વેચી નાખ્યો હોવાની અને સમાધાન પેટે ચાર લાખ આપવા છતાં ફરિયાદીએ ફેક્ટરી ચાલુ ના કરવા દઈ માણસોને મારવાની ધમકી આપી હોવાની પંજાબી યુવકે ગત મે માસમાં વાયોર પોલીસ મથકે ફરિયાદ નોંધાવેલી. ACBના સૂત્રોએ જણાવ્યું કે તે સમયે ફરિયાદીને માર ના મારવા પેટે ઈન્દુભાએ બે લાખ રૂપિયા માગેલાં. જે પૈકી રકઝકના અંતે એક લાખ રૂપિયા લઈને માની ગયેલો.

ફેક્ટરી ચાલુ કરવા માસિક ૫૦ હજારનો હપ્તો માગેલો

ફરિયાદી ફેક્ટરી શરૂ કરવા ઈચ્છતો હતો પરંતુ ઈન્દુભાએ મે માસમાં તેની સામે દાખલ થયેલા ગુનાની આડમાં હેરાન પરેશાન કરવાની ધમકી આપીને ફેક્ટરી ચાલુ કરવા માટે માસિક ૫૦ હજારનો હપ્તો આપવો પડશે તેમ જણાવેલું. તેની ધાક-ધમકી અને વારંવાર લાંચની માંગણીથી કંટાળીને ફરિયાદીએ ACBના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ પર જાણ કરીને, ગાંધીધામ ACB પોલીસ મથકે ફરિયાદ આપી હતી.

આ રીતે ટ્રેપ ગોઠવાયેલી પરંતુ ઈન્દુભા થઈ ગયો ફરાર

ACBએ ફરિયાદી સાથે મળીને ઈન્દુભાને રંગેહાથ પકડવા ટ્રેપ ગોઠવી હતી. ભુજમાં રહેતા ઈન્દુભાએ ગત રાત્રે દસ વાગ્યાના અરસામાં ફરિયાદીને ભુજના તેના નિવાસસ્થાન નજીક આવેલા ગાયત્રી મંદિર પાસે રૂપિયા લઈને બોલાવ્યો હતો. ઈન્દુભા સિલેરીયો કાર લઈને ફરિયાદી પાસે આવ્યો હતો. તેણે ઈશારો કરીને ફરિયાદીને પોતાની કારમાં બેસાડ્યો હતો.

ફરિયાદીએ તેને ૫૦ હજાર રોકડાં રૂપિયા આપીને કંઈક ઘટતું કરવા વિનંતી કરતા ઈન્દુભાએ તેને ૧૦ હજાર રૂપિયા પરત આપીને ૪૦ હજાર પોતાની પાસે રાખ્યાં હતા.

નાણાંની લેતી-દેતી વખતે સતર્ક ઈન્દુભાને ગંધ આવી જતાં તે ફરિયાદીને કારમાંથી ઉતારી રફૂચક્કર થઈ ગયો હતો.

આરોપી છેલ્લાં દોઢેક દાયકાના ગાળા દરમિયાન પશ્ચિમ કચ્છના ભુજ તાલુકા પોલીસ સ્ટેશન, ભુજ શહેર એ ડિવિઝન, પધ્ધર પોલીસ સ્ટેશન, SOG સહિતની શાખા પોલીસ મથકોમાં કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવી ચૂક્યો છે.

થોડાંક વર્ષો અગાઉ મોડ-2ની પરીક્ષા  પાસ કરી PSI તરીકે પ્રમોશન મેળવી છેલ્લાં ત્રણ ચાર વર્ષથી વાયોરમાં ફરજ બજાવે છે.

સૂત્રોમાંથી મળતી માહિતી ૨૦૨૩માં આ જ ફરિયાદીના પાર્ટનરે પણ ઈન્દુભા સામે એસીબીમાં લાંચ અંગે રજૂઆત કરેલી પરંતુ કોઈ પુરાવા ના હોઈ ગુનો દાખલ થયો નહોતો.

ACB બોર્ડર એકમના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલ અને રાજકોટસ્થિત ઈન્ચાર્જ નાયબ નિયામક બલદેવસિંહ વાઘેલાના માર્ગદર્શનમાં ગાંધીધામ ACB પોલીસ ઈન્સ્પેક્ટર જે.બી. ચૌધરી અને તેમની ટીમે ગત રાત્રે ભુજમાં ટ્રેપ ગોઠવી હતી.

Share it on
   

Recent News  
કચ્છ કાંઠે મળેલા કરોડોના બિન વારસી ડ્રગ્ઝના ૮ કેસની તપાસ NCBએ બંધ કરી દીધી!
 
બેંગ્કોક થાઈલેન્ડ ટ્રીપના બુકીંગ પેટે ભુજની ટૂર ઓપરેટર બેલડી ૪.૮૮ લાખ મેળવી ગુમ!
 
પાંચ દિવસમાં બીજી વખત બરાયા નજીક રીઢા બૂટલેગરનો ૧૧.૧૬ લાખનો શરાબ પકડાયો