કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરાના ધ્રબ ગામની સીમમાં પાણીના પ્લાન્ટ નજીક નાળા પાસે ઝારખંડના યુવકની થયેલી હત્યાનો ભેદ મુંદરા પોલીસની ત્રણ ટીમે ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો છે. યુવકની હત્યા તેની જોડે પાણીના પ્લાન્ટમાં કામ કરતા યુવકે કરી હોવાનું ખૂલ્યું છે. પોલીસે આરોપી રોમેન હરીનાથ ટંટી (મૂળ રહે. આસામ)ની ધરપકડ કરી લીધી છે. ગુરુવારે સવારે દસ વાગ્યાના અરસામાં યશ વોટર પ્લાન્ટ નજીક પાણીના નાળા પાસે ઓમચંદ્ર માંઝી નામના યુવકની બોથડ ચીજવસ્તુ વડે માથામાં પ્રહાર કરીને હત્યા કરી દેવાયેલો મૃતદેહ મળ્યો હતો.
હતભાગી ઓમચંદ્ર વોટર પ્લાન્ટમાં અઠવાડિયાથી નોકરીએ લાગ્યો હતો અને પ્લાન્ટ પાસે આવેલી ઓરડીમાં તેના કૌટુંબિક મામાના દીકરા બલેશ્વર બેસરા સાથે રહેતો હતો.
બુધવારે રાતે ઓમ ભેદી રીતે ગાયબ થઈ ગયેલો
બલેશ્વરે પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તે છ માસથી વોટર પ્લાન્ટમાં નોકરી કરે છે અને તે જ ઓમને થોડાંક દિવસો અગાઉ અહીં નોકરી માટે લઈ આવેલો. બુધવારે રાત્રે અદાણી વિલ્માર રિફાઈનરી નજીક આવેલી કોલોનીમાં તેમના વતનના રહેતા લોકોના નૃત્યનો કાર્યક્રમ યોજાયો હતો. જેને જોવા માટે ફરિયાદી બલેશ્વર, ઓમ તથા પાણીના પ્લાન્ટમાં કામ કરતા રૂપેશ માંઝી, રાજેન્દ્ર ઊર્ફે પાંડે માંઝી, સુદામા, રોમેન ટંટી બધા ત્યાં ગયા હતા.
રાત્રે બારેક વાગ્યાના અરસામાં ઓમ નહીં દેખાતા તેણે ઓમને ફોન કરેલો ત્યારે ઓમે પોતે બીજા સાથીદારો જોડે રૂમ પર પરત જવા નીકળી ગયો હોવાનું જણાવ્યું હતું.
રાત્રે સવા બે વાગ્યે ફરિયાદી અને તેનો મિત્ર રૂપેશ રૂમ પર પહોંચ્યા ત્યારે ત્યાં ઓમ કે અન્ય કોઈ સાથીદારો જોવા મળ્યાં નહોતા.
ઓમને ફોન કરતાં ઓમે ફોન ઉપાડેલો પરંતુ કોઈ અવાજ સંભળાયો નહોતો. બાદમાં ફરી ફોન કરતાં ફોન સ્વીચ ઓફ્ફ થઈ ગયો હતો.
સવારે પાણીની ફેરી કરીને પરત આવતા નાળા પાસે ઓમની લાશ પડી હોવાની જાણ થઈ હતી. બલેશ્વરની ફરિયાદના આધારે પોલીસને ઓમ સાથે રહેતા ચાર સહકર્મીઓ પર શંકા ગયેલી.
પોલીસની ત્રણ ટીમે દોડધામ કરી ભેદ ઉકેલ્યો
ગુનાનો ભેદ ઉકેલવા મુંદરા પીઆઈ આર.જે. ઠુંમરના નેતૃતવમાં બે પોલીસ સબ ઈન્સ્પેક્ટર અને ૧૮ પોલીસ કર્મચારીઓની ત્રણ ત્રણ ટીમ બનાવાઈ હતી.
આ ટીમોએ ૧૧ સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થયેલા ૧૨૮ કલાક લાંબા ફૂટેજનું ઝીણવટભરી રીતે અવલોકન કરતા તેમને રોમેન ટંટી પર શંકા ગયેલી.
પોલીસે રોમેનને ઉપાડીને પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલી લીધો છે.
માથામાં સિમેન્ટનો બ્લોક ફટકારી હત્યા કરેલી
આરોપીએ પોલીસને જણાવ્યું કે બુધવારે સવારે ગાડી ચલાવવા મુદ્દે તેને ઓમ જોડે માથાકૂટ થયેલી. તેની અદાવત રાખીને રાત્રે કાર્યક્રમ જોઈ પરત ફરતા હતા ત્યારે ઓમને વાતો વાતોમાં પાણીના નાળા પાસે લઈ આવી નીચે પડેલો સિમેન્ટનો બ્લોક ઉપાડીને તેના માથામાં ફટકારી દીધો હતો. હત્યા બાદ ઓમ પાસે રહેલા બે મોબાઈલ ફોન અને સિમેન્ટનો ગજીયો નજીકની ગટર ટેન્કમાં ફેંકી દીધા હતા. પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ બનાવનું રીકન્સ્ટ્રક્શન કરીને ગજીયો અને બંને ફોન રીકવર કરી લીધા છે.
Share it on
|