કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ પશ્ચિમ કચ્છના મોટા ગજાના ગણાતાં વિવિધ લિસ્ટેડ બૂટલેગરો જેલમાં છે, છતાં ઈંગ્લિશ દારૂની રેલમછેલ યથાવત્ રહી છે. મુંદરા પોલીસે ભોરારા ગામના પાટિયા પાસે રાજસ્થાન પાસિંગના કન્ટેઈનર ટ્રેલરમાંથી ૨૨.૮૮ લાખનો શરાબ ઝડપ્યો છે. ઉલ્લેખનીય છે કે ગત શનિવારે મુંદરાના ઝરપરાની સીમમાંથી એલસીબીએ માંડવીના બે બૂટલેગરોએ કન્ટેઈનરમાં મગાવેલો ૩૪.૫૫ લાખનો બિયર ઝડપ્યો હતો પરંતુ એકે’ય આરોપી હાથ આવ્યો નહોતો. ગત રાત્રે ગાંધીધામ માંડવી હાઈવે પર ભોરારા પાટિયા પાસે આવેલી હોટેલ ત્રિશૂલ સામે આવેલા પેટ્રોલ પંપ નજીક કન્ટેઈનરમાંથી માલનું કટિંગ થતું હોવાની બાતમીના આધારે મુંદરા પોલીસે દરોડો પાડ્યો હતો.
સ્થળ પરથી ભોરારા ગામનો શૈલેન્દ્રસિંહ ઊર્ફે શૈલો રાણુભા જાડેજા નામનો યુવક ઝડપાઈ ગયો હતો.
મુંદરા પોલીસે શૈલા ઉપરાંત રાજસ્થાનના બાડમેરના લક્ષ્મણસિંહ અને ટ્રેલરના ચાલક તથા માલિક વિરુધ્ધ પ્રોહિબિશનની ધારાઓ તળે ગુનો દાખલ કર્યો છે. પોલીસે ૨૨.૮૮ લાખના શરાબ ઉપરાંત ૧૦ લાખનું ટ્રેલર, ૫૦ હજારનું એક્ટિવા, પાંચ હજારનો મોબાઈલ ફોન વગેરે મુદ્દામાલ કબજે કર્યો છે. દરોડાની કામગીરીમાં મુંદરા પીઆઈ આર.જે. ઠુંમર, એએસઆઈ દિનેશ ભટ્ટી, દેવરાજ ગઢવી, વિજય બરબસિયા અને હેડ કોન્સ્ટેબલ દર્શન રાવલ સહિતના કર્મચારીઓ જોડાયાં હતા.
Share it on
|