કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ કચ્છ સહિત ગુજરાતના વિવિધ શહેરોના વેપારીઓને વિશ્વાસમાં લઈ તેમની દુકાનેથી મોંઘા વીજ ઉપકરણો ખરીદીને, પેમેન્ટ પેટે ચેક આપીને ગાયબ થઈ જતો મુંદરાના ‘મિસ્ટર નટવરલાલ’ને સતર્ક પોલીસે સ્ત્રીવેશમાં ઝડપી પાડ્યો છે. પોલીસની આંખમાં ધૂળ નાખવા બુરખો ધારણ કરીને થોડીકવાર માટે પોતાના ઘેર આવેલા રીઢા ચીટર ઈમરાન ઓસમાણ બાદીને ઝડપી પાડ્યો છે. ઈમરાનની ગુનાહિત કરમકુંડળીને અનુલક્ષીને છેલ્લાં ઘણાં સમયથી પોલીસ તેને પકડવા માટે સાબદી બનીને બેઠી હતી.
૨૬ વર્ષના ઈમરાન બાદી સામે કચ્છ ઉપરાંત ગુજરાતના વિવિધ જિલ્લા અને શહેરોમાં ૪૭ લાખથી વધુ રૂપિયાના મૂલ્યની છેતરપિંડી કરી હોવાની ૨૦થી વધુ ફોજદારી ફરિયાદો અને ચેક બાઉન્સના કૉર્ટ કેસો ચાલી રહ્યાં છે.
છેલ્લે ૧૬-૦૩-૨૦૨૫ના રોજ અંજારના ખેડોઈ ગામના હરપાલસિંહ વાઘેલાએ તેની વિરુધ્ધ મુંદરા પોલીસ મથકે છેતરપિંડી, વિશ્વાસઘાતનો ગુનો નોંધાવ્યો હતો. ઈમરાન દર મહિને ૩૦ હજાર રૂપિયા ભાડું આપવાનું કહીને ૧૪-૧૦-૨૦૨૪ના રોજ ફરિયાદીની ઈકો કારને લઈ ગયો હતો. ત્યારબાદ તેણે ના ભાડું ચૂકવ્યું હતું કે ના કાર પરત આપી હતી. આ ગુનો નોંધાયા બાદ ઈમરાન નાસતો ફરતો હતો. જો કે, સતર્ક પોલીસે આજે તેને ઝડપી પાડ્યો છે. ઈમરાને પોલીસ પકડથી નાસવા પ્રયાસ કરેલો પરંતુ સફળ થયો નહોતો.
ઈમરાન સામે આ શહેરોમાં નોંધાયેલી છે ફરિયાદો
ઈમરાન સામે મુંદરામાં જ ચારેક ફરિયાદો ઉપરાંત નલિયા, ભુજ, અંજાર, ગાંધીધામમાં ફરિયાદો નોંધાયેલી છે. તો, સુરેન્દ્રનગરના વઢવાણમાં બે સહિત જામનગર, ભાણવડ, ટંકારા, ધોળકા, રાધનપુર સહિતના વિવિધ પોલીસ સ્ટેશનોમાં પણ ઠગાઈની ફરિયાદો તથા ચેક બાઉન્સના કેસો નોંધાયેલાં છે.
જામનગરમાં એક વેપારી પાસેથી ૨.૧૦ લાખનું લસણ ખરીદીને તેને ટોપી પહેરાવી હતી તો ભુજના એક લેબર કોન્ટ્રાક્ટરને લેબરો સપ્લાય કરવાનું કહીને ૨૭ હજારની ઠગાઈ કરેલી.
ઈમરાન મોટાભાગે કોમ્પ્યુટર, લેપટોપ, એસી, સીલીંગ ફેન, ગિઝર જેવા મોંઘાદાટ ઉપકરણોની મોટાપાયે ખરીદી કરીને પેમેન્ટ તરીકે ચેક આપતો.
ખરીદી થઈ ગયાં બાદ વેપારી ચેકને બેન્કમાં વટાવે અને ચેક બાઉન્સ થાય ત્યાં સુધીમાં ઈમરાન બીજાને સસ્તાંમાં માલ પધરાવી, રૂપિયા હજમ કરી નવો ‘બકરો’ શોધવા બીજા કોઈ શહેરમાં પહોંચી ગયો હોય.
મુંદરા પીઆઈ આર.જે. ઠુમર, પીએસઆઈ એન.પી. ગોસ્વામી, હેડ કોન્સ્ટેબલ દર્શન રાવલ, પૃથ્વીરાજ ગઢવી, રોહિત ગોસાઈ, ભરત ચૌધરી વગેરેએ સતર્કતા દાખવી ઈમરાનને આબાદ ઝડપી પાડ્યો છે.
Share it on
|