click here to go to advertiser's link
Visitors :  
01-May-2026, Friday
Home -> Mundra -> Mundra Jeweler Fights Back Foils Armed Robbery and Pins Down Robber
Monday, 09-Feb-2026 - Mundra 37197 views
મુંદરાઃ તમંચાના નાળચે જવેલરી શોપમાં લૂંટનો પ્રયાસઃ સોનીએ હિંમત દાખવી એકને ઝડપ્યો
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરાના બારોઈ રોડ પર રુદ્રાક્ષ જ્વેલર્સ નામની જ્વેલરી શોપમાં ત્રાટકેલાં ચાર લૂંટારુઓએ તમંચાના નાળચે પિતા પુત્રને ડરાવી ધમકાવી સોના ચાંદીના ઘરેણાંની લૂંટનો પ્રયાસ કરતાં ચકચાર મચી ગઈ છે.
Video :
સતર્ક દુકાનદારે પોતાનો કિંમતી માલ બચાવવા માટે દુકાન લૂંટીને પાછાં જવા પ્રયાસ કરી રહેલાં એક શખ્સને દબોચી લઈ રાડારાડ કરતાં લૂંટારુઓ ફાયરીંગ કરીને નાસી છૂટ્યાં હતા.
ભરબપોરે પિસ્તોલના નાળચે લૂંટ

લોકોની અવરજવર અને ટ્રાફિકથી સતત ધમધમતાં રહેતા બારોઈ રોડ પર અંદાજે બપોરે બે વાગ્યે આ ચકચારી ઘટના ઘટી હતી. દુકાનદાર રાજેન્દ્ર પાટણીયા અને તેમનો પુત્ર વિશાલ બેઉ દુકાનમાં હાજર હતા. રાજેન્દ્રભાઈ સોફા પર બેસેલાં અને વિશાલ થડા પર ઊભો હતો ત્યારે અચાનક ચાર બુકાનીધારી યુવકો અંદર પ્રવેશ્યાં હતા.

પ્રવેશતાં વેંત જ બે જણે પોત-પોતાની પાસે રહેલા તમંચા બહાર કાઢીને હિન્દીમાં ‘સારા માલ દે દો, વરના દોનોં કો યહીં ખત્મ કર દેંગે’ તે મતલબની ધમકી આપી હતી. બે જણ બાપ-બેટાને તમંચાના નાળચે ડરાવતાં ધમકાવતાં હતા. 

એક જણો થેલો કાઢીને શૉ કેસમાં રાખેલાં દર-દાગીના તેમાં ભરવા માંડ્યો હતો. અન્ય એક જણો દુકાનની અંદર દરવાજે ઊભો હતો.

વેપારીએ હિંમતપૂર્વક થેલો લઈને નાસતાં લૂંટારાને પકડ્યો

ચારે જણ લૂંટ ચલાવીને દુકાન બહાર જવાનો પ્રયાસ કરતા હતા તે સમયે રાજેન્દ્રભાઈએ થેલો લઈને નાસી રહેલા લૂંટારાને પકડી લઈ બૂમાબૂમ કરવાનું શરૂ કરી દીધું હતું. અચાનક થયેલાં પ્રતિકારથી ડરી જઈને અન્ય એક લૂંટારાએ ફાયરીંગ કરતાં આસપાસના દુકાનદારો અને લોકો દુકાને દોડી આવ્યાં હતા. પિતા પુત્રએ પકડેલા લૂંટારાએ છૂટવા માટે ઝપાઝપી કરેલી તે દરમિયાન તૂટેલો કાચ વાગી જતાં લૂંટારો ઘવાઈને સ્થળ પર ઢળી પડ્યો હતો. પબ્લિકને જોઈને અન્ય ત્રણે જણ બે બાઈક પર નાસી છૂટ્યાં હતા.

જાણો, ઘટના વિશે મુંદરા પોલીસ શું કહી રહી છે

મુંદરાના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એમ. રાણાએ જણાવ્યું કે પ્રાથમિક તબક્કે લૂંટારાઓએ હવામાં એક રાઉન્ડ ફાયર કર્યો હોવાનું જણાઈ આવ્યું છે. દુકાનમાંથી લૂંટેલા ઘરેણાં ભરેલો થેલો બચી ગયો છે પરંતુ એક જણે કેટલાંક દર-દાગીના તેના ખિસ્સામાં નાખ્યાં હોય તેવી શક્યતા છે. દુકાનનો સ્ટોક વેરીફાઈ કર્યાં બાદ દુકાનદાર તે બાબત સ્પષ્ટ કરશે. ઝડપાયેલો શખ્સ મૂળ મધ્યપ્રદેશનો વતની છે. ઘટના બાદ ત્રણે બાઈકસવારો ગુંદાલા તરફ નાઠાં હોવાનું સીસીટીવી પરથી સ્પષ્ટ થયું છે. ત્રણેને દબોચી લેવા ચોતરફી પ્રયાસો ચાલી રહ્યાં છે.

આયોજનપૂર્વક લૂંટનો પ્લાન ઘડાયો હોવાની શક્યતા

ચારે જણે ખૂબ આયોજનપૂર્વક લૂંટનું આયોજન કર્યું હોવાનું જણાઈ આવે છે. પોલીસની વિવિધ ટીમો કામે લાગેલી છે અને નાસી છૂટેલાં ત્રણે જણને કચ્છ બહાર ભાગે તે પહેલાં ઝડપી પાડવા પોલીસ કૃતનિશ્ચયી જણાય છે.

Share it on
   

Recent News  
ચાલતી કાર અટકાવી સ્ત્રી બોલીઃ મને લિફ્ટ આપો! પછી બોયફ્રેન્ડ સાથે મળી લૂંટ ચલાવી
 
કચ્છમાં કેસરિયો લહેરાતાં ભાજપ સંગઠન અને ચૂંટાયેલાં પદાધિકારીઓમાં વિજયોત્સવ
 
ભુજ તાલુકા પંચાયતનું બેઠકદીઠ પરિણામ