કચ્છખબરડૉટકોમ, ભુજઃ મુંદરા શહેર ભાજપના ઉપ પ્રમુખ નરેન્દ્રસિંહ ઊર્ફે લાલુભા પરમારે ભાજપના જ અન્ય વરિષ્ઠ નેતા ધર્મેન્દ્ર જેસરના ઘેર જઈ બે ફડાકા ઝીંકી દેતાં કચ્છ ભાજપમાં અંદરખાને ભારે ખળભળાટ મચી ગયો છે. રાજકીય અંટશ હોય કે અન્ય કોઈ અદાવત, પણ આમ પોતાના સાગરીત સાથે લોખંડની પાઈપ લઈને રાત્રે સિનિયર નેતાના ઘેર જઈને પોતાનું ‘જોર’ બતાડનાર લાલુભાની આ લુખ્ખાગીરીએ ભાજપની આબરૂનું સરાજાહેર ચીરહરણ કર્યું છે. સાગરીત સાથે પાઈપ લઈને આવ્યો ને ફડાકા ઝીંક્યાં
બનાવ ગત રાત્રે સાડા નવના અરસામાં બન્યો હતો. મુંદરાની જૂની પોસ્ટ ઑફિસ ડેલીમાં રહેતા મુંદરાના પૂર્વ સરપંચ અને શૈક્ષણિક ટ્રસ્ટના પ્રમુખ એડવોકેટ ધર્મેન્દ્ર જેસરના ઘેર નરેન્દ્ર તેના સાગરીત સાથે આવ્યો હતો. સાગરીતના હાથમાં લોખંડની પાઈપ હતી. નરેન્દ્રએ ડૉર બેલ વગાડતાં ધર્મેન્દ્રભાઈના પત્નીએ દરવાજો ખોલેલો.
ઉશ્કેરાટમાં જણાતો નરેન્દ્ર ધર્મેન્દ્રભાઈ પર હુમલો ઘરની અંદર ઘૂસવા પ્રયાસ કરતો હતો ત્યારે ધર્મેન્દ્રભાઈ દરવાજે આવ્યાં હતાં. તેમને જોતાં વેંત નરેન્દ્રએ મા બેન સમી ભૂંડી ગાળો બોલીને લાગલગાટ બે ફડાકા ઝીંકી દીધાં હતાં. બાદમાં મારી નાખવાની ધમકી આપીને જતો રહ્યો હતો.
બનાવ અંગે જેસરે અજાણ્યા સાગરીત સાથે ગેરકાયદે ગૃહ અપપ્રવેશ કરીને ભૂંડી ગાળો ભાંડી પોતાના તથા પત્ની સાથે મારપીટ કરી પત્નીને ધક્કો મારી નીચે પાડી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો આચર્યો હોવાની મુંદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. હુમલાનો બનાવ સીસીટીવીમાં કેપ્ચર થઈ ગયો છે અને વીડિયો ફૂટેજ વાયરલ થઈ રહ્યાં છે.
પાર્ટીએ હજુ સુધી કોઈ એક્શન નથી લીધાં
સૂત્રોના જણાવ્યા મુજબ આરોપી મોબાઈલ બંધ કરીને અંડરગ્રાઉન્ડ થઈ ગયો છે. આરોપી નરેન્દ્ર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં અને મુંદરાના પૂર્વ પાલિકા પ્રમુખ રહેલા કિશોરસિંહ પરમારનો કૌટુંબિક ભત્રીજો છે. નરેન્દ્ર હાલ મુંદરા શહેર ભાજપમાં ઉપ પ્રમુખપદે પાર્ટીની સેવા કરી રહ્યો છે. ઘટના પાછળ જે કોઈ અંટશ કે અદાવત હોય પણ કાયદો હાથમાં લેતી આવી લુખ્ખાગીરી હરગીઝ સાંખી ના શકાય. ભાજપના જ સિનિયર નેતા પર હુમલાની ઘટનાના પગલે ભાજપની આબરૂની ચીરહરણ થઈ રહ્યું છે પરંતુ પાર્ટીએ હજુ સુધી નરેન્દ્ર વિરુધ્ધ કોઈ એક્શન નથી લીધાં!
Share it on
|