click here to go to advertiser's link
Visitors :  
11-Feb-2026, Wednesday
Home -> Mundra -> Mundra Attempted Robbery Police Reputation at Stake as Trio Remains at Large
Tuesday, 10-Feb-2026 - Mundra 1221 views
મુંદરામાં લૂંટના પ્રયાસની ઘટનામાં પોલીસની આબરૂ દાવ પરઃ નાસી ગયેલી ત્રિપુટી અલોપ!
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરામાં ભરબપોરે જ્વેલર્સની દુકાનમાં તમંચાના નાળચે થયેલી લૂંટના પ્રયાસ અને ફાયરીંગની ઘટનાએ પશ્ચિમ કચ્છ પોલીસની આબરૂને દાવ પર લગાડી દીધી છે. જ્વેલર્સ પિતા પુત્રની હિંમતથી એક લૂંટારો પોલીસના હાથમાં સાંગોપાંગ આવી ગયો હતો પરંતુ, તેની પૂછપરછના આધારે કોઈ ફળદાયી હકીકત મળી છે કે કેમ તે અંગે પોલીસ મગનું નામ મરી પાડવા તૈયાર નથી.

બનાવને ૨૪ કલાકથી વધુનો સમય વીતી ગયો છે પરંતુ અન્ય ત્રણે લૂંટારા બાઈક લઈને ક્યાં નાસી ગયાં? ઉપર આભમાં અલોપ થઈ ગયાં કે નીચે ધરતીમાં સમાઈ ગયાં? તે બાબત અંગે પોલીસ કશો જ ફોડ પાડતી નથી.

ફિલ્મી સ્ટાઈલની રૉબરીની આ ઘટનાએ સ્વાભાવિકપણે આમજનતા અને વેપારી વર્ગમાં ફફડાટ સર્જ્યો છે.

મુંદરા વિભાગના મદદનીશ એસપી ગૌતમ વિવેકાનંદને જણાવ્યું કે ‘વિવિધ એંગલ પર અમારી જુદી જુદી ટીમ, એલસીબી અને એસઓજીની ટીમો ગહન તપાસ કરી રહી છે. ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસ કૃતનિશ્ચયી છે’ ઘટનાના પગલે આજે પશ્ચિમ કચ્છ એસપી મુંદરા દોડી ગયાં હતા.

ઝડપાયેલો લૂંટારો મધ્યપ્રદેશનો વતની પંકજ શર્મા છે. પંકજ પાસેથી કોઈ મોબાઈલ ફોન મળ્યો નથી. તે ખાસ લૂંટના ભાગરૂપે એમપીથી મુંદરા આવ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે.

પંકજની સઘન પૂછપરછ ચાલી રહી છે પરંતુ અન્ય આરોપીઓને સાંકળતી કોઈ મહત્વપૂર્ણ કડીઓ મળી છે કે કેમ તે અંગે પોલીસ ‘તપાસના હિત’માં કશો ફોડ પાડતી નથી. આ બનાવે પશ્ચિમ કચ્છ પોલીસની આબરૂ દાવ પર લગાડી દીધી છે. ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પૂર્વ કચ્છમાં થયેલાં આવા ચકચારી બનાવોમાં મોટાભાગે સ્થાનિકે રહેતા પરપ્રાંતીય માણસો દ્વારા અન્ય રાજ્યોની ગેંગના માણસોને ટીપ અપાઈ હોવાના દાખલા બહાર આવેલાં છે.

લૂંટનો આ બનાવ આયોજનબધ્ધ રીતે આચરાયો હોવાનું અને લૂંટારા પ્રોફેશનલ હોવાનું અનુમાન વ્યક્ત થઈ રહ્યું છે.

ગુનામાં વપરાયેલું બાઈક ભુજના માધાપરમાંથી ચોરાયું હોવાનું બહાર આવ્યું છે. નાસી છૂટેલાં આરોપીઓની શોધખોળ વચ્ચે આજે ફોરેન્સિક લેબ અને ડૉગ સ્ક્વૉડની મદદથી જરૂરી પુરાવાઓ એકત્ર કરવા ઘટનાસ્થળે કવાયત હાથ ધરાઈ હતી.

Share it on
   

Recent News  
ભુજની ત્રિપુટીએ સસ્તાં સોનાના નામે અ’વાદના યુવક જોડે ૪.૩૦ લાખની ઠગાઈ આચરી
 
મુંદરાઃ તમંચાના નાળચે જવેલરી શોપમાં લૂંટનો પ્રયાસઃ સોનીએ હિંમત દાખવી એકને ઝડપ્યો
 
ભુજમાં કિશોરીની છેડતી અને તેના મોટા ભાઈ પર હુમલાના કેસમાં બે સગાં ભાઈને કારાવાસ