કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ ખેડૂતો પાસેથી ખારેક ખરીદી કમિશનથી મુંબઈના વેપારીને માલ મોકલતા મુંદરાના ઝરપરાના યુવકને મુંબઈનો વેપારી ૯ લાખનો ચૂનો ચોપડી ગયો છે. બનાવ અંગે મુંદરા પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. ફરિયાદી નારાણ ગઢવી મુંદરાના ત્રીસેક ખેડૂતો પાસેથી ખારેક ખરીદીને છેલ્લાં ત્રણ વર્ષથી મુંબઈના વેપારી સૂરજ મહેન્દ્રભાઈ ઠક્કર (રહે. મુલુંડ)ને વેચે છે. ત્રણ વર્ષથી સૂરજ તેને રેગ્યુલર પેમેન્ટ આપતો હતો. આ વર્ષે સૂરજ પોતે રૂબરૂ મુંદરા આવેલો. ફરિયાદી તેને પહેલીવાર મળેલો.
સૂરજ પંદર દિવસ સુધી ઝરપરામાં જ રોકાયો હતો. તેના ઓર્ડર મુજબ નારાણે ટ્રેઈન અને ટ્રકો મારફતે ૮.૧૯ લાખની ખારેક મુંબઈ મોકલી આપી હતી.
એટલું જ નહીં, આરોપીના કહેવા મુજબ ફરિયાદીએ તેને ૭૪ હજારની કિંમતના ખારેક રાખવાના પ્લાસ્ટિકના ક્રેટ અપાવ્યા હતા. તો ભાડેથી બોલેરો પીક અપ ગાડી પણ બંધાવી આપેલી. ૭૪ હજારના ક્રેટ સાથે આરોપી બોલેરો ભાડાના ૨૫ હજાર પૈકી ૧૫ હજારની પણ ટોપી ફેરવી ગયો છે.
Share it on
|