|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કિશોરીને બ્લેકમેઈલ કરી વારંવાર શારીરિક શોષણ કરી તથા ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપી ખંડણી માગવાના ગુનામાં ભુજની ખાસ પોક્સો કૉર્ટે દોષી યુવકને ૨૫ વર્ષની સખ્ત કેદ સાથે ૯૫ હજારનો દંડ ફટકાર્યો છે. આજથી ૧૦ માસ અગાઉ ૧૫-૧૧-૨૦૨૫ના રોજ નખત્રાણા પોલીસ મથકે સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના મોજીદડ ગામના દીપક ઊર્ફે દીપ વાડીલાલ સોલંકી (ઉ.વ. ૨૦) સામે ખંડણી, દુષ્કર્મ, અપહરણ, પોક્સો અને આઈટી એક્ટની વિવિધ ધારાઓ તળે ગુનો દાખલ થયો હતો. દીપક સોલંકીએ ૧૭ વર્ષની કિશોરીને ઈન્સ્ટાગ્રામ મારફતે પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યારબાદ તે અવારનવાર નખત્રાણા ખાતે તેને મળવા આવતો હતો. એક વખત કિશોરીને અપનયન કરીને નિષ્કલંકી ધામ પાસે આવેલી અવાવરુ ઓરડીમાં લઈ ગયેલો અને તેની સાથે દુષ્કર્મ આચરેલું. આ સમયે દીપકે કિશોરીની નગ્ન તસવીરો તેના ફોનમાં પાડી લીધી હતી. ત્યારબાદ દીપકે પોતાનું અસલી પોત પ્રકાશેલું. ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપીને તે કિશોરીને પોતાની સાથે વારંવાર શારીરિક સંબંધો રાખવા મજબૂર કરતો હતો.
એકવાર કિશોરીના ચાર હજાર રૂપિયા કઢાવી લીધા હતા. કિશોરીની ન્યૂડ તસવીરો જાણે ATM હોય તેમ તેણે આ ન્યૂડ તસવીરો તેના એક સંબંધીને મોકલીને આ તસવીરો વાયરલ કરવાની ધમકી આપીને ૧.૯૮ લાખની ખંડણી માંગી હતી.
આ મામલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આરોપી દીપકની ધરપકડ કરી હતી. આ કેસમાં ફરિયાદ પક્ષે ૫૦ દસ્તાવેજી પુરાવા અને ૧૨ સાક્ષીઓ તપાસ્યાં હતા. પોક્સો કૉર્ટના સ્પેશિયલ જજ એમ.એફ. ખત્રીએ આજે દીપકને દોષી ઠેરવી પોક્સો એક્ટની કલમ ૪ અને ૬ હેઠળ ૨૫- ૨૫ વર્ષની સખ્ત કેદ સાથે ૨૫- ૨૫ હજારનો દંડ ફટકાર્યો છે. ભારતીય ન્યાય સંહિતાની કલમ ૬૪ (૨) (એમ) હેઠળ ૨૫ વર્ષની સખ્ત કેદ સાથે ૨૫ હજાર દંડ તથા IT Actની કલમ ૬૬ (ઈ) હેઠળ ૧ વર્ષની સખ્ત કેદ ફટકારી છે.
આરોપી દ્વારા ચૂકવવામાં આવનાર દંડની રકમ કિશોરીને ચૂકવવા ઉપરાંત કૉર્ટે ગુનાનો ભોગ બનનારને ૩ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા DLSAને ભલામણ કરી છે.
આ કેસમાં પ્રોસિક્યુશન તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ સાક્ષીઓ તપાસીને દલીલો કરી હતી. મૂળ ફરિયાદીના વકીલ તરીકે ડી.એન. બારોટ હાજર રહ્યાં હતા.
Share it on
|