કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ નજીક કુકમા ગામના સીમાડે આવેલા વેસ્ટ ઓઈલના ડેપોમાં અગમ્ય કારણોસર ભયંકર આગ ફાટી નીકળતાં પોલીસ અને ફાયર બ્રિગેડમાં દોડધામ મચી ગઈ છે. આજે સાંજે પાંચ વાગ્યાના અરસામાં પ્રચંડ ધડાકા સાથે એકાએક આગ ભભૂકી ઉઠી હતી.
Video :
જોત-જોતામાં આગની લપેટોમાં આખો ઓઈલ ડેપો આવી ગયો હતો. ધુમાડાનાં ગોટાં ઊંચે આકાશ સુધી પહોંચતા આસપાસના લોકોમાં ઉત્તેજના છવાઈ ગઈ હતી. સૂત્રોના દાવા મુજબ તારામ્બિકા નામની કોઈ કંપની દ્વારા અહીં વેસ્ટેજ ઓઈલના ટેન્ક રખાયાં છે.
સમગ્ર કારોબાર સલામતિના નિયમોનો ઊલાળિયો કરીને સંબંધિત સરકારી તંત્રોની કશી મંજૂરી મેળવ્યા વગર ગેરકાયદે ચાલતો હોવાની આશંકા છે. આ ઓઈલ ડેપો ગામના સીમ વિસ્તારમાં માનવ વસતિથી દૂર છે. સદભાગ્યે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. હાલ ભુજ ફાયર બ્રિગેડના ચાર ફાયર ફાઈટરો અને નજીકની બીકેટી કંપનીના ફાયર ફાઈટરો દ્વારા અગ્નિશમનની કાર્યવાહી ચાલી રહી છે.