કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરા તાલુકાના મોટી ભુજપુર ગામે રહેતા ૨૮ વર્ષિય ઈમ્તિયાઝ હાસમ આમદ ચાકી નામના યુવકની નાણાંની વસૂલાત મુદ્દે ત્રણ શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી નાખી છે. શુક્રવારે રાત્રે ૮થી ૮.૩૦ના અરસામાં મૃતકના ઘર નજીક એ.જે.એસ. હાઈસ્કુલના ગેટ પાસે બનાવ બન્યો હતો. મૃતક ઈમ્તિયાઝની માતા રશીદાબેને મોડી રાત્રે બે વાગ્યે આદિપુરના શ્યામ ગઢવી તથા બે અજાણ્યા શખ્સો સામે મુંદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. નાણાંની ઉઘરાણી હેતુ ત્રિપુટી ઈમ્તિયાઝને શોધતી હતી
રશીદાબેને ફરિયાદમાં જણાવ્યું કે સાંજે ૬ વાગ્યે તેમના ઘરે ત્રણ અજાણ્યા માણસો આવેલાં અને ‘ઈમ્તિયાઝ ક્યાં છે?’ તેમ પૂછતાં રશીદાબેને ‘તે હોટલે હશે’ તેમ જણાવતાં તેઓ જતાં રહેલાં. ઈમ્તિયાઝ ના મળતાં થોડીકવાર પછી ફરી આ ત્રિપુટી ઘરે આવેલી અને ફળિયામાં બેઠેલી.
માતાએ પૂછપરછ કરતાં ત્રિપુટીએ જણાવેલું કે ‘અમારે તેની પાસેથી પૈસા લેવાના છે પણ તે ફોન ઉપાડતો નથી’ માતાએ તેમને બે દિવસમાં પૈસા મળી જશે તેવું જણાવેલું.
ત્રિપુટીએ રશીદાબેનને ઈમ્તિયાઝને ફોન લગાડી વાત કરાવવા જણાવતાં રશીદાબેને પુત્રને ફોન જોડેલો. ઈમ્તિયાઝે ફોન ઉપાડતાં માતાએ તેની જોડે નાણાંની ઉઘરાણી મુદ્દે પ્રાથમિક વાતચીત કરીને એક શખ્સને ફોન આપેલો. આ શખ્સે ઈમ્તિયાઝને ‘શ્યામ ગઢવી આદિપુરવાળો બોલું છું’ તેમ કહીને બોલાચાલી કરી ધમકી આપેલી કે ‘પૈસા તો તારે આપવા જ પડશે નહિંતર જાનથી મારી નાખીશું’
નાણાં ના મળતાં ઘોડાને સાથે લઈ ગયેલાં
માતાએ આ ત્રિપુટીને પુત્ર પૈસા ના આપે તો પોતે ચૂકવી આપશે તેવી ખાતરી આપી, ચા પીવડાવીને રવાના કરેલાં. થોડીકવાર બાદ શ્યામ ગઢવી ફરી પાછો ઘરે આવેલો અને ફળિયામાં બાંધેલો ઘોડો છોડીને જતો રહેલો. તે સમયે રશીદાબેને તેને જણાવેલું કે ‘સારું, તમે ઘોડો લઈ જાવ જેથી પૈસાની મેટર પૂરી થાય’
પગ પાછળ તીક્ષ્ણ હથિયારનો ઘા બન્યો જીવલેણ
થોડીકવાર બાદ શેરીના લોકોએ રશીદાબેનના ઘેર આવીને જાણ કરેલી કે બહાર કેટલાંક લોકો ઈમ્તિયાઝને મારે છે. રશીદાબેને દોડીને બહાર જઈને જોયું તો તેમનો પુત્ર લોહીલુહાણ હાલતમાં સ્કુલના ગેટ પાસે પડેલો. મિત્રો અને ગ્રામજનોએ તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડયો હતો પરંતુ ડાબા પગના પાછળના ભાગે તીક્ષ્ણ હથિયારથી થયેલી ઈજામાં વધુ પડતું લોહી વહી જવાથી ઈમ્તિયાઝે દમ તોડી દીધો હતો. પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Share it on
|