|
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ ભુજના કેરા ગામે રહેતા ૭૪ વર્ષિય રામજીભાઈ લાલજીભાઈ વરસાણીએ પોતાને વિશ્વાસમાં લઈને ત્રણ જણે જમીનનો સોદો કરી-કરાવી ૫૮.૫૩ લાખની ઠગાઈ કરી હોવાની પ્રાગપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી રામજીભાઈએ ૨૦૦૯માં મુંદરા તાલુકાના બાબિયા ગામે સર્વે નંબર ૭૯વાળું ૩ હેક્ટર ખેતર તેમના પત્ની રાધાબેનના નામે ખરીદયું હતું. મુંદરાના બેરાજા ગામનો મહેન્દ્રસિંહ જીલુભા જાડેજા અવારનવાર વાડીએ મળવા આવતો હોઈ ફરિયાદી તેમને ઓળખતા હતા. ફરિયાદી ખેતરનો સારો ભાવ મળે તો વેચવા ઈચ્છતાં હતા. જેથી, મહેન્દ્રએ ફરિયાદીને અબ્દુલ રઝાક કાસમ સુમરા (રહે. ઉમિયાનગર, માંડવી) તેમનું ખેતર ખરીદવા ઈચ્છતો હોવાનું જણાવી બેઠક કરાવી હતી. ૨૯-૧૧-૨૦૨૧ના રોજ ૮૩.૫૩ લાખમાં ખેતરનો સોદો નક્કી થયેલો.
૨૫ લાખ મળ્યાં, બાકીના ૫૮.૫૩ લાખની ટોપી
નક્કી થયેલા સોદા મુજબ મુંદરામાં આદર્શ ટાવર ખાતે આર.કે. મહેશ્વરી નામના વકીલ કમ નોટરીને ત્યાં અબ્દુલ સુમરા અને રાધાબેન વચ્ચે જમીન વેચાણ બાબતે સમજૂતી કરાર થયેલાં.
‘પોતે જેના નામે કહે તેના નામે જમીનનો વેચાણ દસ્તાવેજ લખી આપવાની શરતે’ અબ્દુલે સમજૂતી કરાર કરાવીને ફરિયાદીને ૨૨ લાખ રોકડાં અને ૩ લાખ રૂપિયાનો ચેક મળી ૨૫ લાખ રૂપિયા આપ્યાં હતા.
બાકીના ૫૮.૫૩ લાખ રૂપિયાના એપ્રિલ ૨૦૨૨ સુધીની જુદી જુદી મુદ્દતના ચાર પોસ્ટ ડેટેડ ચૅક લખી આપેલાં અને પૈસા ચૂકવવાની બધી જવાબદારી સ્વિકારી હતી.
થોડાંક સમય બાદ અબ્દુલના કહેવાથી ફરિયાદીએ ઓસમાણ અલીમામદ ઉન્નડ (રહે. ડી.પી. ચોક, કેમ્પ એરીયા, ભુજ)ના નામે વેચાણ દસ્તાવેજ લખી આપ્યા હતા.
ફરિયાદીએ અબ્દુલે લખી આપેલા ચારે ચેક બેન્કમાં વટાવતાં ચારે ચેક અપૂરતાં બેલેન્સના કારણે બાઉન્સ થયેલાં. તે ઘડીને આજનો દિવસ. ફરિયાદીની જમીનનો સોદો થઈ ગયો છે પરંતુ બાકીના રૂપિયા મળ્યાં નથી. મહેન્દ્રએ વિશ્વાસમાં લઈને સોદો કરાવેલો અને અબ્દુલે અંધારામાં રાખી વિશ્વાસઘાત કર્યો હોવાનું ફરિયાદમાં લખાવાયું છે.
Share it on
|