કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ પોલીસ તંત્રને ઘોળીને પી ગયેલાં પશ્ચિમ કચ્છના ત્રગડી અને ખાનાયના બે વૉન્ટેડ બૂટલેગરોએ સીલબંધ કન્ટેઈનરમાં મુંદરા મગાવેલો ૧ કરોડ ૨૯ લાખ ૧૦૮૦૦ રૂપિયાની કિંમતનો ઈંગ્લિશ દારૂ અને બિયરનો જંગી જથ્થો ઝડપાયો છે. ગયા બુધવાર અને ગુરુવારે ૨૪ કલાકની અંદર માંડવીના કોડાય અને પ્રાગપર પાસેથી પોલીસે આ બૂટલેગરોનો ૧.૨૨ કરોડનો માલ ઝડપ્યો હતો. તેના પાંચમા દિવસે વધુ એકવાર આ જંગી જથ્થો ઝડપાયો છે. બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચે મુંદરાના ધ્રબમાં આવેલા શ્રીરામ યાર્ડમાં દરોડો પાડીને અહીં રહેલા એક કન્ટેઈનરનું સીલ તોડી ચેક કરતાં તેમાંથી ૧.૨૯ કરોડના મૂલ્યનો ભારતીય બનાવટના વિવિધ બ્રાન્ડના વિદેશી શરાબની ૩૫૦૪ બાટલીઓ અને ૪૩ હજાર ૨૦૦ નંગ બિયર ટીનનો જથ્થો નીકળી પડ્યો હતો.
પોલીસે જણાવ્યું કે માંડવીના ત્રગડીના યુવરાજસિંહ વજુભા જાડેજા અને અબડાસાના ખાનાયના જીતુભા ઊર્ફે જીતીયો મંગલસિંહ સોઢાએ તેમના સાગરીત જયદિપસિંહ રવતુસિંહ રાઠોડ (રહે. ગળપાદર, ગાંધીધામ)ની મદદથી પંજાબમાં બેઠેલાં સાગરીતો મારફતે શરાબનો જથ્થો કચ્છમાં ઘૂસાડ્યો હતો.
યુવરાજ અને જીતીયાના માલનું પરિવહન કરનાર નવુભા ખેતુભા જાડેજાએ તેના પ્લેટફોર્મ ટ્રેલરમાં આ કન્ટેઈનર અહીં લઈ આવેલો અને કલ્મારની મદદથી તેને નીચે ઉતારીને યાર્ડમાં રાખ્યું હતું.
આ એ જ ટ્રેલર માલિક નવુભા છે કે જે ગત ૧૦ સપ્ટેમ્બરે આ બૂટલેગર બેલડીનો ૪૦.૭૮ લાખનો શરાબ ભરેલી ટ્રક સાથે કોડાય પોલીસના હાથે ઝડપાયો હતો.
આ રીઢા બૂટલેગરોનો એકાંતરા દિવસે કરોડોનો માલ પકડાઈ રહ્યો છે છતાં તેઓ તેમના નેટવર્ક મારફતે બિન્ધાસ્ત રીતે કચ્છમાં ટ્રકોની ટ્રકો ભરીને માલ ઠાલવી રહ્યાં છે.
Share it on
|