|
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરા નજીક વડાલા ગામે આવેલી ૨૫ એકર ૭ ગુંઠા જમીન ભૂમાફિયાઓએ કાવતરું રચીને ખોટી સહીઓ અને દસ્તાવેજો મારફતે અંજાર ગાંધીધામના ત્રણ શખ્સોને વેચી ઠગાઈ કરવા પ્રયાસ કર્યો છે. જમીન માલિકના જમાઈએ વિવિધ ભારેખમ કલમો તળે મુંદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી જગદિશ હિરજીભાઈ ચૌધરી (પટેલ) મુંબઈમાં રહે છે. તેમના ૭૨ વર્ષિય સસરા હિરજીભાઈ લક્ષ્મણભાઈ કણબી (પટેલ) પણ હાલ મુંબઈમાં જીવન ગાળે છે. હિરજીભાઈ મૂળ મુંદરાના લુણીના વતની છે અને વડાલા ગામે ખાતા નંબર ૪૫, સર્વે નંબર ૮૫૧ પૈકી ૧૭વાળી ૨૫ એકર ૪ ગુંઠા ખેતીની જમીન ધરાવે છે. હિરજીભાઈએ ૨૪-૦૩-૨૦૨૨ના રોજ પોતાની હયાતીમાં આ જમીનમાં પત્ની, પુત્ર અને પુત્રીના નામે વારસાઈ નોંધ કરાવી કાચી નોંધ પડાવેલી. પરંતુ, અચાનક તેમના જેવું જ ભળતું નામ ધરાવતા હિરજી લખમણ કણબી નામના ભોજાયના શખ્સે રામજી કટુઆ નામના વકીલના વકીલાતપત્ર સાથે વાંધા અરજી આડી નાખેલી. મુંદરા પ્રાંત અધિકારીએ ૦૧-૦૬-૨૦૨૨ના રોજ હિરજીભાઈની કાચી નોંધ નામંજૂર કરેલી.
હિરજીભાઈએ જિલ્લા કલેક્ટર સમક્ષ અપીલ દાખલ કરીને મુંદરા મરીન પોલીસ તથા વહીવટી તંત્રને તેમના નામના બોગસ શખ્સ વિરુધ્ધ પગલાં લેવા રજૂઆત કરી હતી.
કલેક્ટર સમક્ષ હાલ કેસની કાર્યવાહી પેન્ડિંગ છે તે દરમિયાન હિરજી લખમણ કણબી પોતાના મુંબઈના સરનામા સાથેના આધારકાર્ડ સાથેના પૂરાવા સાથે આ જમીન નરેન્દ્ર મેઘજી મઢવી (તીરુપતિનગર, ગાંધીધામ), બળવંત મેઘજી મઢવી (અજાપર, અંજાર) અને પીયૂષ રાજેશભાઈ ઠક્કર (મીઠીરોહર, ગાંધીધામ)ના નામે મુંદરા સબ રજિસ્ટ્રાર કચેરીએ સપ્ટેમ્બર ૨૦૨૩માં વેચાણ દસ્તાવેજ બનાવી જમીન ફટકારી મારી હતી. જેમાં સાક્ષી તરીકે કંકુબેન વાલજી શાહ (મલાડ, મુંબઈ) અને જયંતીલાલ કરસનદાસ સેજપાલ (સપનાનગર, ગાંધીધામ)ની સહીઓ છે.
આરોપીઓના વેચાણ દસ્તાવેજની કાચી નોંધ પડ્યાના પાંચ દિવસ બાદ ફરિયાદીને જાણ થતાં તેમણે મુંદરા પ્રાંત અધિકારીને આ નોંધ નામંજૂર કરવા રજૂઆત કરેલી.
દરમિયાન, આ મામલે અગાઉ કરેલી રજૂઆત સંદર્ભે જિલ્લા જમીન તકેદારી સમિતિએ આ મામલે બોગસ બની બેઠેલાં હિરજી લખમણ કણબી અને કૌભાંડમાં સામેલ સાગરીતો સામે ફોજદારી ફરિયાદ નોંધાવવા હુકમ કરતાં જગદિશભાઈએ હિરજી કણબી અને સાગરીતો સામે મુંદરા પોલીસ મથકે ઈપીકો કલમ ૪૦૬, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૭૭, ૧૨૦-બી તળે ફોજદારી ફરિયાદ નોંધાવી છે.
Share it on
|