|
કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરાના પત્રી ગામે રહેતી લેડી ડોન વેજીબેન વાલજી ચાડ અને તેના પુત્ર સહિત ત્રણ જણે તેમની વિરુધ્ધ મોટા ભાઈની હત્યાની ફરિયાદ નોંધાવનાર નાના ભાઈને માર મારીને, સ્કોર્પિયો કારમાં અપહરણ કર્યું હોવાનો બનાવ બન્યો છે. ગુનાનો ભોગ બનનાર નાનો ભાઈ આરોપીઓ સામે કૉર્ટમાં જુબાની ના આપે અને ફરિયાદ પાછી ખેંચી લે તેવા હેતુથી ધાક ધમકી કરાઈ જાનથી મારી નાખવાની ધમકી અપાઈ છે. હત્યા કેસમાં સંડોવાયેલી વેજીની દાદાગીરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે અનેક સવાલો સર્જ્યાં છે. ૨૦૨૩માં ગામના યુવાન પર લોડર ચઢાવી હત્યા કરેલી
૨૮-૧૦-૨૦૨૩ના રોજ પત્રી ગામ નજીક ગામના રાજકીય અને સામાજિક આગેવાન પૃથ્વીરાજસિંહ જાડેજા પર લોડર ચઢાવીને ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવાઈ હતી. મૃતકે ગામની મહિલા સરપંચ પ્રવિણાબેન ચાડ કે જે વેજીની દીકરી હતી તેની વિરુધ્ધ કરેલી રેતી ચોરીની ફરિયાદોના પગલે તેને થયેલા દંડ તથા અવિશ્વાસની દરખાસ્ત પસાર કરાવીને સરપંચના હોદ્દા પરથી તેને પદભ્રષ્ટ કરાવી હતી.
આ બાબતની અદાવત રાખીને વેજી, તેના પતિ વાલજી, પુત્રી પ્રવિણા, નંદવીર સહિતના વેજીના બે પુત્રો, વેજીના ભાઈ અને તેના બે પુત્રો વગેરેએ કાવતરું રચીને પૃથ્વીરાજસિંહની હત્યા કરી પુરાવાનો નાશ કરેલો. જેમાં પાછળથી ભાજપના સ્થાનિક આગેવાન ધીરુભા રતનજી જાડેજાની પણ પોલીસે ધરપકડ કરેલી.
બનાવ અંગે મૃતકના નાના ભાઈ રઘુવીરસિંહ દિલીપસિંહ જાડેજાએ તમામ સામે ફરિયાદ નોંધાવેલી. આ કેસ હાલ ભુજ સેશન્સ કૉર્ટમાં ન્યાયાધીન છે. ફરિયાદી રઘુવીરની જુબાની લેવાની બાકી છે.
ફરિયાદીને માર મારી સ્કોર્પિયોમાં કર્યું અપહરણ
આજે સવારે રઘુવીર વાળ કપાવવા માટે ગામમાં જતો હતો ત્યારે રસ્તામાં સામે વેજી ચાડ અને કાજલ ચેતનબેન મળ્યાં હતા. વેજીએ રઘુને ગાળો ભાંડવાનું શરૂ કરતાં તેણે પોલીસને જાણ કરવા પ્રયાસ કરેલો. તે જોઈને વેજી જોડે રહેલી કાજલે ફોન કરીને વેજીના દીકરા નંદવીરને જાણ કરેલી. થોડીકવાર બાદ નંદવીર તેની સાથે કામ કરતાં માણસ મુકેશ જેઠાભાઈ આહીર સાથે સ્કોર્પિયો કાર લઈને સ્થળ પર ધસી આવ્યો હતો.
આરોપીઓએ રઘુને ધાક ધમકી કરી, મુઢ માર મારીને સ્કોર્પિયો કારમાં પરાણે નાખી તેનું અપહરણ કરેલું. આ સમયે નંદવીરે કારમાં રાખેલાં પાલતું કૂતરાંને કાર બહાર કાઢતાં, કૂતરાંએ રઘુવારના પગે બચકું ભરી લીધું હતું.
સરાજાહેર ગામમાંથી અપહરણ કર્યું હોઈ તથા લોકોએ ગાડીને અટકાવવા માટે પ્રયાસો શરૂ કરતાં આરોપીઓ રઘુને ગામમાં ગોળ ગોળ ફેરવીને અંતે બચવા માટે સીધા પ્રાગપર પોલીસ સ્ટેશન લઈ ગયેલાં. પ્રાગપર પોલીસે વેજી ચાડ, તેના ફરજંદ નંદવીર અને મુકેશ આહીર વિરુધ્ધ ફરિયાદ દાખલ કરી છે.
વેજી અને તેના પરિવારનો છે ગંભીર ગુનાહિત ઈતિહાસ
વેજી ચાડ અને તેના પતિ વાલજી ચાડનો ગંભીર ગુનાહિત ઈતિહાસ છે. ૨૦૧૫માં પારકી જમીન પચાવી પાડવાના પ્રયાસ સબબ તેમણે આધેડ વયની જૈન મહિલાની હત્યાનો પ્રયાસ કરેલો. જેમાં ૨૦૧૮માં બેઉને પાંચ વર્ષની કેદની સજા થયેલી.
જાન્યુઆરી ૨૦૨૨માં પત્રી ગામના સરપંચપદની ચૂંટણી સમયે વેજીની દીકરી પ્રવિણા સામે મૃતક પૃથ્વીરાજસિંહની પત્નીએ ઉમેદવારી નોંધાવેલી. તેને સમર્થન આપવાનો ખાર રાખીને વેજીએ છ મહિના બાદ ગામના દલિત યુવકને ફોન પર જાતિ અપમાનિત કરી ગાળો ભાંડીને ધાક ધમકી આપેલી.
આ અંગે મુંદરા પોલીસ મથકે એટ્રોસિટી સહિતની કલમો તળે ગુનો નોંધાયેલો.
આ ફરિયાદમાં આગોતરા મેળવવા વેજીએ ભુજ એટ્રોસિટી કૉર્ટને ખોટાં પુરાવા આપીને ગેરમાર્ગે દોરતાં કૉર્ટે તે બાબત ખૂબ ગંભીરતાથી લઈ પોલીસને કાર્યવાહી કરવા સૂચના આપેલી.
એ જ રીતે, અવિશ્વાસની દરખાસ્ત સમયે પુત્રીની તરફેણમાં મત મેળવવા વેજી અને તેના બેઉ ફરજંદ નંદવીર અને વિઠ્ઠલે પંચાયત સદસ્ય કેતન ચોથાણીનું ક્રેટા કારમાં અપહરણ કરીને ધાક ધમકી કરતાં તે અંગે પણ પ્રાગપર પોલીસ મથકે ગંભીર કલમો તળે ફરિયાદ નોંધાઈ હતી. તો, ગામની અન્ય એક મહિલાને વેજી અને તેના પરિવારે માર મારીને સોનાની બુટ્ટીની લૂંટ કરી હોવાની ફરિયાદ પણ નોંધાઈ હતી.
Share it on
|