click here to go to advertiser's link
Visitors :  
13-Sep-2026, Sunday
Home -> Bhuj -> HC Slams Kutch Authorities Over Hasty Bulldozer Action
Wednesday, 05-Aug-2026 - Bhuj 34710 views
કચ્છમાં વહીવટી તંત્રની તત્કાળ બુલડોઝર કાર્યવાહીને હાઈકૉર્ટની સજ્જડ લપડાક
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છ કલેક્ટરના નેજા હેઠળ છેલ્લાં ઘણાં સમયથી સરકારી જમીનો પર ગેરકાયદે થઈ ગયેલાં કાચાં પાકાં, વ્યાવસાયિક, રહેણાક અને ધાર્મિક દબાણોને તોડી પાડવાની ઝુંબેશ હાથ ધરાઈ છે. જો કે, આ દબાણો તોડી પાડવા માટે સંબંધિત મામલતદારો દ્વારા કાયદાની ઉપરવટ જઈને અપાઈ રહેલી ટૂંકી મુદ્દતની નોટિસોને ગેરકાયદે (Bad in Law) ગણાવી હાઈકૉર્ટે તંત્રને કાયદા મુજબ વર્તવા હુકમ કર્યો છે.

મુંદરામાં સરકારી જમીન પર થયેલા તથાકથિત ધાર્મિક દબાણને દૂર કરવા અને તેની સામે કોઈ વાંધા સૂચન હોય તો પાંચ દિવસમાં રજૂઆત કરવા મુંદરા મામલતદારે ૨૩-૦૭-૨૦૨૬ના રોજ ગુજરાત લેન્ડ રેવન્યૂ કોડ (GLRC),  ૧૮૭૯ની સેક્શન ૬૧ તળે નોટિસ આપી હતી.

આ નોટિસ સામે અરજદાર ઉમર મામદ કુંભારે ગુજરાત હાઈકૉર્ટમાં રીટ પિટિશન દાખલ કરેલી.

જેમાં રજૂઆત કરાયેલી કે GLRCની જોગવાઈ મુજબ આવી નોટિસ સામે હાયર ઑથોરિટી સમક્ષ અપીલ કરવા માટે ૯૦ દિવસની સમય મર્યાદા નિયત કરાયેલી છે. પરંતુ, મામલતદારે કથિત દબાણ દૂર કરવા કેવળ પાંચ દિવસની ટૂંકી સમય મર્યાદાની નોટિસ આપી છે.

હાઈકૉર્ટના જસ્ટીસ અનિરુધ્ધ પી. માયીએ આ મામલે બંને પક્ષની રજૂઆત સાંભળીને મામલતદારની નોટિસને ‘બૅડ ઈન લૉ’ ગણાવતાં કહ્યું છે કે આ નોટિસ અરજદારની અપીલ કરવાની ૯૦ દિવસની સમયમર્યાદાના વૈધાનિક અધિકારને અવરોધે છે.

વહીવટી તંત્ર ૨૩-૦૭-૨૦૨૬ની નોટિસ અન્વયે અરજદારને અપીલ કરવાની નિર્ધારીત મર્યાદા સુધીનો સમય આપે અને ત્યારબાદ જ કાયદા મુજબ આગળની કાર્યવાહી હાથ ધરે. ઉલ્લેખનીય છે કે આવા જ એક અન્ય કેસમાં કચ્છના સીદીક નુરમામદ સમાએ કરેલી રજૂઆત અન્વયે હાઈકૉર્ટે ૩૦-૦૬-૨૦૨૬ની નોટિસ અન્વયે અરજદારને રજૂઆત કરવા ૦૭-૦૮-૨૦૨૬ સુધીની સમય મર્યાદા આપી છે.

મુસ્લિમોને જ ટાર્ગેટ કરાતા હોવાનો થયો છે આરોપ

ઉલ્લેખનીય છે કે કચ્છમાં તંત્ર દ્વારા ચાલી રહેલી દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત મુસ્લિમ સમાજના ધર્મસ્થાનોને વિશેષ રીતે લક્ષ્યાંક બનાવાતાં હોવાની મુસ્લિમ સંસ્થાઓ અને કોંગ્રેસે અનેકવાર રજૂઆતો કરી ચૂકી છે. બીજી તરફ, કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટીના મોહસીન હિંગોરજાએ તેમની કમિટી અને APCR (એસોસિએશન ફૉર પ્રોટેક્શન ઑફ સિવિલ રાઈટ્સ)એ ન્યાયિક કાર્યવાહીમાં આપેલા સહયોગના લીધે મુંદરામાં ચાર ધાર્મિક સ્થાનોના ડિમોલીશન પર હાઈકૉર્ટે સ્ટે આપ્યો હોવાનું જણાવી કૉર્ટના ચુકાદાનું સ્વાગત કર્યું છે. આગામી દિવસોમાં ક્યાંય પણ આવી પ્રક્રિયા થતી હશે તો તેમની સંસ્થા કાનૂની કાર્યવાહીમાં સક્રિય રીતે સહયોગી બનશે તેમ જણાવી ભવિષ્યમાં દરેક કાર્યવાહી કાયદા અને બંધારણના દાયરામાં જ રહીને કરવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી છે.

Share it on
   

Recent News  
કંડલા OTB નજીક કોલસો ભરેલું વિશાળ જહાજ અન્ય શિપ સાથે ટકરાઈને જળસમાધિના આરે
 
કંડલામાં એ મજૂરનું મોત રોડ અકસ્માતમાં નહીં પણ ૩૦ ફૂટ ઉપરથી નીચે પડવાથી થયેલું
 
‘સિંઘમ સ્ટાઈલ’માં ખનિજ ચોરી પર રેઈડ કરવા નીકળેલાં IAS ખરેખર પથરાં ખાતાં બચ્યાં?