click here to go to advertiser's link
Visitors :  
15-Aug-2026, Saturday
Home -> Bhuj -> FIR Lodged Month After Theft of Gold Jewelry And Cash from Retired Bhuj ASI
Tuesday, 04-Aug-2026 - Bhuj 16694 views
ભુજના નિવૃત્ત ASIના સાડા પાંચ તોલાના દાગીનાની ચોરીની FIR એક મહિના બાદ દાખલ થઈ!
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પોલીસ ખાતામાં ASI તરીકે નોકરીમાંથી નિવૃત્ત થયેલાં ભુજના ૬૮ વર્ષિય એચ.એ. રાઠોડને નિવૃત્તિ પછી ખુદ તેમની સાથે થયેલાં એક અનુભવે તેમને તેમના જ પોલીસ ખાતાની વાસ્તવિક્તાનો અનુભવ કરાવી દીધો છે. રાઠોડ સાથે થયેલા આ બનાવની વાસ્તવિક્તા જાણીને તમે ખુદ બોલી ઉઠશો કે ધૂળ પડી પોલીસ ખાતાને. જો એક નિવૃત્ત અને વૃધ્ધ પોલીસ કર્મી સાથે આવું થતું હોય તો આમજનતાની તો કેવી વલે થતી હશે?

પોલીસ ખાતાની લાંબી સેવા કર્યાં બાદ ભુજના હુસેનભાઈ અબ્દ્રેમાન રાઠોડ ભુજના સંજોગનગરમાં ખ્વાજા ચોક પાસે નિવૃત્તિમય જીવન જીવી રહ્યાં છે. સોનાના ઘરેણાં પહેરવાના શોખીન રાઠોડભાઈ દરરોજ ૬ આંગળીઓમાં સોનાની ૬ વીંટી અને ગળામાં સોનાની ચેઈન પહેરે છે.

રાત પડે ને સૂવા જાય ત્યારે નિત્યક્રમ મુજબ આ વીંટીઓ અને ચેઈનને કાઢીને કોથળીમાં મૂકી ઓશીકા નીચે રાખી સૂઈ જાય છે.

એક મહિના અગાઉ બરાબર ૧ જૂલાઈની રાતે તે નિત્યક્રમ મુજબ ઘરમાં સૂઈ ગયેલાં. સૂતાં પહેલાં દાગીના કાઢીને કોથળીમાં રાખેલાં. તેની સાથે ૩૧૦૦ રોકડાં રૂપિયા ભરેલું પર્સ પણ રાખેલું.

સવારે સાત વાગ્યે ઉઠીને દૂધ લેવા માટે પર્સ કાઢવા માટે ઓશીકું ઊંચું કર્યું તો નીચેથી પર્સ અને ત્રણ તોલાની ચેઈન અને અઢી તોલાની છ વીંટીઓ સાથે સાડા પાંચ તોલાના સોનાના દાગીના ગાયબ હતા.

હુસેનભાઈએ પોતાની રીતે ઘરેણાં અને ચોરને શોધવા તપાસ કરેલી પરંતુ ના મળતાં ૫ જૂલાઈના રોજ ભુજ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચેલાં.

એક મહિનાના વિલંબ બાદ નોંધી FIR

ભુજ એ ડિવિઝન પોલીસે તેમની અરજીના આધારે કેવી તપાસ કરી તે અલ્લાહ જાણે પરંતુ તપાસમાં કશો શક્કરવાર ના વળતાં અંતે એક મહિનાના વિલંબ બાદ ગત રાત્રે અરજીના આધારે અજાણ્યા લોકો સામે ભુજ એ ડિવિઝન પોલીસે જખ મારીને ૧.૨૫ લાખની માલમતાની ચોરીનો ગુનો દાખલ કરવો પડ્યો છે.

ફરિયાદ દાખલ થયાનાં ૨૫ કલાક બાદ જ્યારે કચ્છખબરે ભુજ એ ડિવિઝનના પીઆઈ એમ.આર. નકુમને પૂછ્યું કે ભોગ બનનાર કોણ છે ત્યારે નકુમે ઉડાઉ જવાબ આપતાં કહ્યું કે ‘ખબર નહીં, કોઈ નિવૃત્ત સરકારી કર્મચારી છે’

ગુનાની તપાસ કરતી મહિલા પીએસઆઈ એચ.આર. મોરીએ બપોરથી લઈ રાત્રિ સુધી વારંવાર રીંગ કર્યા બાદ એકવાર ફોન ઉપાડીને જવાબ આપ્યો કે ‘હાલ અમે પંચનામું કરીએ છીએ’

એક નિવૃત્ત ASIના દાગીના ચોરાયાં બાદ જો પોલીસ ખાતું તેમની ફરિયાદ અન્વયે આવું વલણ દાખવતું હોય તો આમજનતાની ફરિયાદ અરજીનું શું થતું હશે તે સમજી શકાય છે.

પીઆઈ નકુમે અન્ય કેસોમાં અગાઉ પણ બેધડક રીતે ઉડાઉ જવાબ આપેલાં છે. માહિતીની ચોકસાઈ રાખ્યા વગર આવા જવાબદાર લોકો પોલીસ ખાતામાં મહત્વના પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવે છે તે જ એક મોટું આશ્ચર્ય છે!!

Share it on
   

Recent News  
સામખિયાળીઃ ૧૧ વર્ષની દીકરીની લાંબા સમયથી જાતીય સતામણી કરતો યુવક ઝડપાયો
 
આદિપુરઃ વિમાનમાં ઉડી રોયલ લાઈફ માણવા ૧ કરોડનો માલ ચોરનાર બે નેપાળી કામવાળી પકડાઈ
 
અદાણી મુંદરા એરપોર્ટ પરથી બાવન દિવસમાં ૧૦ હજાર પ્રવાસીઓએ ઉડાન ભરી