|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ અયોધ્યાના રામ મંદિરમાં કરોડો રૂપિયાની ‘ચંદા ચોરી’ના બહાર આવેલા કૌભાંડે દેશના કરોડો હિંદુઓની આસ્થા પર કુઠારાઘાત કર્યો છે. ખુદ મંદિરના જ પૂર્વ એકાઉન્ટન્ટે બનાવની તપાસ કરી રહેલી સીટ સમક્ષ પુરાવા સાથે રજૂઆત કરી છે કે ૮૦૦ કરોડમાં મંદિર નિર્માણનો અંદાજ હતો ત્યારે આંકડો ૨૨૦૦ કરોડે કઈ રીતે પહોંચ્યો? મંદિર ટ્રસ્ટ દ્વારા ખરીદાયેલી જમીનોમાં પણ કરોડોનો ગફલો થયો હોવાના, ભક્તોએ રામ મંદિર નિર્માણ માટે આપેલી ચાંદીની ઈંટો સહિતના મૂલ્યવાન આભૂષણો પણ બારોબાર હજમ થઈ ગયાં હોવાના પુરાવા સહિતના દાવા અને આરોપ થઈ રહ્યાં છે. હિંદુત્વના નામે મત માંગતી ભાજપની રાજ્ય અને કેન્દ્ર સરકાર તથા રજિસ્ટ્રેશન વગરની કહેવાતી એનજીઓ આર.એસ. એસ. આ મુદ્દે બૅકફૂટ પર છે. આ મામલે કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી સહિતના વિરોધ પક્ષોએ સંસદ પરિસરમાં તાજેતરમાં એક પ્રહસન યોજીને દેશવાસીઓને ચંદા ચોરી મામલે અવગત કરાવવા પ્રયાસ કરેલો.
સમાજવાદી પાર્ટીના સાંસદ પપ્પુ યાદવ પૂજારી તરીકે ભગવો ધારણ કરીને દાન પેટી ઉઠાવીને નાસી જતાં હોવાના દ્રશ્યો સાચાં હિંદુઓની આંખોમાં અંકિત થઈ ગયાં છે.
પપ્પુ યાદવે ભગવો પહેરીને કરેલાં પ્રહસનથી હિંદુઓ અને સનાતનીઓની લાગણી દુભાઈ હોવાની કચ્છના સાધુ સંતોએ તંત્રને રજૂઆત કરતાં કચ્છ કોંગ્રેસ ભડકી છે.
કચ્છ કોંગ્રેસના પ્રમુખ વી.કે. હુંબલે એક પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવ્યું છે કે જ્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીનની રેલીમાં તેની ગાડી આગળ હનુમાનજીને નચાવાતાં હતા ત્યારે કચ્છના આ સાધુ સંતો અને સનાતન સમાજની ભાવનાને કેમ ઠેસ પહોંચી નહોતી? શ્રીરામના મંદિરમાં RSS અને BJPના લોકો દાનની ચોરી કરતાં પકડાયેલાં ત્યારે કેમ સાધુઓની લાગણીઓ દુભાઈ નહોતી?
‘મહામાનવ’ એવા દેશના વડા પ્રધાન બાળ રામને પોતાની આંગળી પકડીને ચાલતાં જઈ પોતાને મોટા બતાડતાં હતા ત્યારે કેમ કોઈની લાગણી દુભાઈ નહોતી? ભારતના કતલખાનાઓના માલિકો પાસેથી ભાજપ ચૂંટણી ફંડ લે છે અને ભાજપના અંધભક્તો નરેન્દ્ર મોદીને અવારનવાર ભગવાનના રૂપમાં બતાવે છે ત્યારે કોઈ સનાતન સમાજની લાગણી દુભાતી નથી.
ગાયને રાજ્ય માતા કે રાષ્ટ્રીય માતા જાહેર કરવા માટે કચ્છમાં ઉપવાસ આંદોલનો છેડનારાં સાધુ સંતોની લાગણી ભાજપ સરકાર સમજવા તૈયાર નથી. કચ્છની લાખો એકર જમીન ભાજપના નેતાઓ અને આગેવાનો દબાવીને બેઠાં છે તેના માટે સાધુ સંતો ક્યારેય બહાર આવતાં નથી.
માત્ર ભાજપ સરકારને જ સમર્થન મળે તે જ હેતુથી સાધુ સંતોની આવી સભાઓ કે કાર્યક્રમો યોજાય છે. ભાજપ સરકારે દેશના શંકરાચાર્યનું પણ વારંવાર અપમાન કરેલું છે. ત્યારે કોઈ સનાતનીની લાગણી દુભાઈ નહોતી. પણ ભાજપ સરકાર સામે કોઈ વિરોધ કરે ત્યારે જ કચ્છના સાધુ સંતોનો વિરોધ થાય છે.
Share it on
|