કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ ઠંડીની ઋતુમાં બેફામ બનેલાં તસ્કરોએ મુંદરામાં એકસાથે બે બંધ મકાનના તાળાં તોડીને સોના ચાંદીના ઘરેણાં અને રોકડ મળીને ૧.૨૮ લાખ રૂપિયાની માલમતાની ચોરી કરી છે. ચોરીનો બનાવ ૧૮ જાન્યુઆરીની મધરાત્રે ૩.૨૦ વાગ્યા બાદ બન્યો હતો. મુંદરાની સમુદ્ર ટાઉનશીપમાં રહેતા અને બ્રિટાનીયા કંપનીમાં નોકરી કરતા ૩૪ વર્ષિય પ્રશાંતકુમાર આગારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તેઓ ૧૩મી જાન્યુઆરીની બપોરે ઘરને તાળું મારીને સપરિવાર વતન મધ્યપ્રદેશ ગયા હતા. ૧૮મીની સવારે પડોશીએ ફોન કરીને તેમના ઘર તથા સામે રહેતા ટી.વી. સત્યસાઈના ફ્લેટના દરવાજાના તાળાં પણ તૂટેલાં હોવાનું અને ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું. પ્રશાંતકુમારે બીજા દિવસે આવીને ઘર ચેક કરતાં તસ્કરો ચાંદીના સિક્કા, ચાંદીના ૪ બ્રેસલેટ, ચાંદીના પાયલ, ૪ હજારની ટાઈટનની રીસ્ટવૉચ, ૧૮ હજાર રોકડાં સહિત કુલ ૬૩ હજાર ૫૦૦ રૂપિયાની માલમતા ચોરી ગયાં હતાં.
સામે રહેતાં ટી.વી. સત્યસાઈએ પણ ૨૧મી જાન્યુઆરીએ તેમના વતનથી પરત આવી ચેક કરતાં તસ્કરો ચાંદીનો કળશ, સોનાના બુટીયા વગેરે મળી ૬૪ હજાર ૫૦૦ રૂપિયાની માલમતા ચોરી ગયાં હોવાનું સ્પષ્ટ થયું હતું.
પ્રશાંતકુમારે ફરિયાદમાં જણાવ્યું કે ૧૮મીની મધરાત્રે ૩.૨૧ વાગ્યે સિક્યોરીટીએ સત્યસાઈના ફ્લેટને ચેક કર્યો ત્યારે તાળાં લટકતાં હતા અને સવારે ચોરી થયા અંગે જાણ થયેલી. મુંદરા પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Share it on
|