કચ્છખબરડૉટકોમ, ભુજઃ વીજ વિભાગની વિજિલન્સ ટીમે મુંદરાના ભદ્રેશ્વરમાં મીઠાના કારખાનામાં દરોડો પાડીને ૧ કરોડ ૫ લાખની જંગી વીજચોરીનો પર્દાફાશ કર્યો છે. મંગળ-બુધવારની રાત્રે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ (GUVNL) અને રાજકોટ કોર્પોરેટ ઑફિસની વિજિલન્સ દ્વારા ખાસ સરપ્રાઈઝ નાઈટ ચેકીંગ ડ્રાઈવ હાથ ધરાઈ હતી. વીજ ચોરી પકડવા માટે પહેલાં કેટલાંક જૂનિયર ઇજનેરો મોટર સાયકલ પર સ્થળ પર પહોંચ્યા હતા.
ગેરકાયદે કનેક્શન કન્ફર્મ કર્યાં બાદ પરોઢે ચાર વાગ્યે અધિકારીઓનો કાફલો ગાડીઓમાં ધસી ગયો હતો. મુંદરાના ભદ્રેશ્વર ગામની સીમમાં આવેલા એક મીઠાના કારખાનામાં ડાયરેક્ટ વીજ ટ્રાન્સફોર્મરમાંથી વીજ જોડાણ ખેંચીને વીજળીની ચોરી કરાતી હતી. ૯૯ કિલોવોટનો લોડ ધરાવતું આ જોડાણ મીટરને બાયપાસ કરીને લેવાયું હતું.
ચોંકાવનારી બાબત એ છે કે ફેબ્રુઆરી ૨૦૨૫માં પણ આ જ મીઠાના કારખાનામાંથી ૮૦ લાખની વીજ ચોરી પકડાયેલી.
કારખાનેદારે ૮૦ લાખ ભરીને કેસની માંડવાળ કરેલી તેમ મુંદરાના નાયબ ઇજનેર એમ.આર. મોદીએ ઉમેર્યું હતું. વીજ તંત્રના ચોપડે વીજ જોડાણ શૈલેષભાઈ શામજીભાઈ ડાંગરના નામે બોલે છે.
ભાજપ આગેવાનના ભાઈનું કારખાનું હોવાની ચર્ચા
હકીકતમાં આ કારખાનું કચ્છ જિલ્લા ભાજપના અંજાર નજીક રહેતા એક આગેવાનના સગાં ભાઈનું હોવાનું જાણકારોએ દાવો કર્યો છે. આ આગેવાનનો ભત્રીજો થોડાંક સમય અગાઉ અઢી કરોડની મીઠા ચોરીના ગુનામાં પણ ભચાઉ પોલીસના હાથે ઝડપાયેલો છે. વક્રતા એ છે કે જેનું મીઠું ચોરાયું છે તે કંપનીનો માલિક અને ચોરીમાં ઝડપાયેલો આગેવાનનો ભત્રીજો બેઉ સામાજિક સંબંધોથી જોડાયેલાં છે, એટલે કે ‘ઘર કા ભેદી લંકા ઢાયે’ જેવો ઘાટ સર્જાયો છે.
Share it on
|