click here to go to advertiser's link
Visitors :  
17-Aug-2026, Monday
Home -> Gandhidham -> Elderly Woman Choked and Robbed at Midnight in Tuna Anjar
Sunday, 16-Aug-2026 - Kandla 636 views
તુણામાં મધરાતે વંડી ઠેકી ઘૂસેલાં બે લૂંટારાએ ડોશીમાનું મોઢું ગળું દબાવી લૂંટ કરી
કચ્છખબરડૉટકોમ, કંડલાઃ અંજાર તાલુકાના તુણા ગામે રહેતી વૃધ્ધ મહિલાના ઘરમાં મધરાતે દિવાલ ઠેકીને ઘૂસેલાં બે અજાણ્યા લૂંટારુએ વૃધ્ધ મહિલાની હત્યાનો પ્રયાસ કરીને ૨૦ હજાર રોકડાં રૂપિયા તથા નોકિઆ કંપનીનો બંધ મોબાઈલ ફોન લૂંટીને નાસી ગયાં છે. બનાવ અંગે વૃધ્ધ મહિલાના પુત્રએ કંડલા મરિન પોલીસ મથકે બે અજ્ઞાત લૂંટારા સામે વિવિધ ગંભીર કલમો તળે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદી શંકરગર ગુસાઈએ જણાવ્યું કે તેમના ૮૫ વર્ષિય માતા પ્રભાબેન માનસિક બિમાર અને પથારીવશ રહેતી દીકરી મિતા જોડે તુણાના ઠક્કરવાસમાં જૂના મકાનમાં રહે છે.

રાત્રે બે અઢીના અરસામાં ૨૫થી ૩૦ વર્ષની વયના બે અજાણ્યા યુવકો તેમના ઘરની દિવાલ ઠેકીને અંદર ઘૂસેલાં. ઘરના દરવાજાને લાત મારીને તોડી નાખી વૃધ્ધ માતાના મોંઢા પર એક જણે ઓશીકું દબાવી દીધેલું. બીજાએ પ્રભાબેનનું ગળું દબાવી દીધેલું.

હુમલાનો પ્રયાસ કરીને બેઉ જણે રૂપિયા ક્યાં છે તેમ પૂછતાં ડરી ગયેલાં પ્રભાબેને સ્ટીલનો ડબ્બો બતાડી તેમાં પૈસા રાખ્યાં હોવાનું જણાવેલું. બેઉ જણે સ્ટીલના ડબ્બામાં રહેલા ૧૫ હજાર રૂપિયા કાઢી લીધા હતા. નીચે પડેલા પ્લાસ્ટિકના એક અન્ય ડબ્બામાં રાખેલું પર્સ કાઢી તેમાં રાખેલા પાંચ હજાર રૂપિયા પણ કાઢી લીધા હતા.

બેઉ જણે પ્રભાબેનના હાથમાં રહેલી પિત્તળની બંગડીઓને સોનાની બંગડીઓ માનીને કાઢી લીધી હતી. ત્યારબાદ ડોશીમા પાસે રહેલો ચાવીઓનો ઝૂડો આંચકીને ઘરનો બીજો રૂમ ખોલી તેમાં રહેલો સરસામાન ફેંદી નાખ્યો હતો પરંતુ બીજું કંઈ મળ્યું નહોતું.

જતાં જતાં બેઉ જણ ઘરમાં પડેલો નોકિઆ કંપનીનો જૂનો મોબાઈલ ફોન ઉઠાવતાં ગયાં હતા.બેઉ જણના ગયા બાદ ડોશીમાએ કરેલાં હોબાળાના પગલે આસપાસના પડોશીઓ એકઠાં થઈ ગયાં હતા.

લોકોએ નજીકમાં આવેલી દુકાનના સીસીટીવી ચેક કરતાં બેઉ આરોપીની હિલચાલ તેમાં કેપ્ચર થઈ ગઈ છે.

કંડલા પોલીસે BNS કલમ ૩૦૯ (૪) અને (૬), ૩૩૧ (૭) અને (૮), ૩૫૧ (૨) અને ૫૪ હેઠળ ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. અડધી રાતે ઘરમાં ઘૂસીને વૃધ્ધ મહિલાને નિશાન બનાવી થયેલી આ લૂંટના પગલે લોકોમાં ગભરાટ વ્યાપી ગયો છે.

Share it on
   

Recent News  
ગાંધીધામઃ સાયબર ફ્રોડ માટે બેન્ક ખાતાં ભાડે આપવાના ગંભીર ષડયંત્રનો થયો પર્દાફાશ
 
ટંકારાના મામલતદારના ભુજમાં આવેલા બંધ ઘરમાં મોટી ચોરીથી પોલીસમાં દોડધામ
 
સામખિયાળીઃ ૧૧ વર્ષની દીકરીની લાંબા સમયથી જાતીય સતામણી કરતો યુવક ઝડપાયો