click here to go to advertiser's link
Visitors :  
16-Aug-2026, Sunday
Home -> Gandhidham -> Gandhidham Cyber Crime Police Bust Mule Accounts Network Eight Booked
Sunday, 16-Aug-2026 - Gandhidham 1120 views
ગાંધીધામઃ સાયબર ફ્રોડ માટે બેન્ક ખાતાં ભાડે આપવાના ગંભીર ષડયંત્રનો થયો પર્દાફાશ
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ વિવિધ પ્રકારે સાયબર ફ્રોડ આચરતી ગેંગોને કમિશનથી બેન્ક ખાતાં ભાડે આપવાના વધુ એક ગંભીર કૌભાંડનો ગાંધીધામમાં પર્દાફાશ થયો છે. ગાંધીધામમાં સર્વિસ સ્ટેશન ધરાવતો અને હાલ ગોવા રહેતો યુવક આ ષડયંત્રનો સૂત્રધાર નીકળ્યો છે. ગાંધીધામ સાયબર ક્રાઈમ પોલીસે BNS અને IT એક્ટની વિવિધ કલમો તળે રેકેટના સૂત્રધાર એવા ગાંધીધામના પ્રિયાંક ઊર્ફે બિટ્ટુ ઊર્ફે જૉન શેઠ S/o રમેશભાઈ પલણ (ઠક્કર) અને તેના સાત સાગરીતો મળી ૮ યુવકો સામે ગુનો દાખલ કર્યો છે.

પ્રાથમિક તબક્કે બે બેન્ક ખાતાઓમાં જ ૧.૩૩ કરોડનું ગેરકાયદે ટ્રાન્ઝેક્શન થયું હોવાનું બહાર આવ્યું છે.

અંજારના યુવકની અરજીથી રેકેટનો પર્દાફાશ 

અંજારના રોટરીનગરમાં રહેતા હાર્દિક ઉદયભાઈ ભાટીયા (સરૈયા)એ પોતાને બેન્કમાંથી મળેલી નોટિસ અન્વયે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને એક અરજી કરેલી. હાર્દિકે પોલીસને જણાવ્યું કે બાકી લ્હેણીની વસૂલી પેટે તેના મિત્ર પાર્થ ચેતનભાઈ ઝાલા (રહે. ભાવેશ્વરનગર-3, અંજાર)એ  ત્રણ મહિના અગાઉ તેની પાસે બે બેન્ક એકાઉન્ટ ભાડેથી વાપરવા માટે માગેલાં. હાર્દિકે ગુજરાત ગ્રામિણ બેન્ક અને કેડીસીસી બેન્કની અંજાર શાખાના પોતાના બે ખાતાં પાર્થને ઉપયોગ કરવા આપેલાં. આ બેઉ બેન્ક ખાતાંઓમાં ૧.૩૩ કરોડના ગેરકાયદે આર્થિક વ્યવહારો થયેલાં. જે અન્વયે હાર્દિકને બેન્કમાંથી નોટિસ મળેલી.  

બેન્ક ખાતાદીઠ ૨૦ હજારનું કમિશન

પોલીસે પાર્થ ઝાલાને બોલાવીને પૂછપરછ કરતાં તેણે જણાવ્યું કે ગાંધીધામના જૉન શેઠ ઊર્ફે બિટ્ટુ તેનો મિત્ર છે. બિટ્ટુના કહેવાથી તે જુદાં જુદાં લોકોના બેન્ક ખાતાં તેને ખાતાંદીઠ ૨૦ હજાર રૂપિયાના કમિશનથી ભાડે આપે છે. પાર્થે પોતાના અંગત ત્રણ બેન્ક ખાતાં અને હાર્દિકના બે બેન્ક ખાતાં બિટ્ટુને ભાડે આપેલાં. પોલીસે પાર્થનો ફોન ચેક કરતાં આ રેકેટમાં સામેલ અશ્વિન ગોવિંદભાઈ કાનાણી (ક્રિષ્નાનગર સોસાયટી, અંજાર મૂળ રહે. લાઠી, અમરેલી) અને વત્સલ ઊર્ફે વિશાલ અનિલભાઈ ઠક્કર (ગાંધીધામ)ની વિગતો મળેલી.

એક પછી એક આરોપીની સંડોવણી ખૂલતી ગઈ

પોલીસે અશ્વિનની પૂછપરછ કરતાં બહાર આવ્યું કે પાર્થે તેનો સંપર્ક બિટ્ટુ સાથે કરાવ્યો હતો. અશ્વિને પોતે પાંચ બેન્ક ખાતાં ખોલાવીને બિટ્ટુને ભાડે આપેલાં. એટલું જ નહીં, પોતાના અન્ય પરિચિતો દિનેશ દાતણીયા, ઈમરાન અને સુલતાન રાયમા, પ્રદીપસિંહ ઝાલા, ચંદ્રશેખર ભાભણીયાના બેન્ક ખાતાં ખોલાવીને બિટ્ટુને ભાડે આપેલાં. બિટ્ટુ પાસેથી પ્રતિ બેન્ક ખાતાંદીઠ તે ૨૦ હજાર મેળવી અડધા રૂપિયા પોતાની પાસે રાખી પરિચિતોને ૧૦-૧૦ હજાર રૂપિયા આપતો.

વશરામને કેવળ પાંચ હજાર કમિશન મળતું

અશ્વિનની પૂછપરછમાં બહાર આવ્યું કે તેના બે કૌટુંબિક ભાઈ વશરામ ઊર્ફે કાળુ કાનાણી (રહે. જીઆઈડીસી, ગાંધીધામ) અને કિશન જગદીશભાઈ વાંજા (રહે. જીઆઈડીસી ઝૂંપડા, ગાંધીધામ) બિટ્ટુના સર્વિસ સ્ટેશનમાં કામ કરતાં હોઈ બેઉ તેના સીધા સંપર્કમાં છે. વશરામ અને કિશન પણ આ રેકેટમાં સામેલ છે. પોલીસે વશરામની પૂછપરછ કરતાં તેણે પોતે બિટ્ટુને પંદર વરસથી ઓળખતો હોવાનું અને બિટ્ટુ ખાતાંદીઠ પાંચ હજાર રૂપિયા કમિશન આપતો હોવાનું જણાવી કમિશનની લાલચમાં તેણે વ્યક્તિગત ત્રણ ખાતાં તથા પોતાની પત્ની, બે સાળી, એક સાઢુભાઈના નામના સાત ખાતાં તથા ભુજમાં રહેતા ત્રણ મિત્રોના આઠ ખાતાં મળી ૧૮ બેન્ક ખાતાં પાંચ હજારના કમિશનથી ભાડે આપ્યાં હોવાનું કબૂલ્યું હતું. એ જ રીતે, કિશન વાંજાએ પણ છ બેન્ક ખાતાં ભાડે આપ્યાં હોવાનું બહાર આવ્યું હતું.

વત્સલ, કિશન અને વકાર બિટ્ટુના સાગરીત

બિટ્ટુનો મિત્ર વત્સલ ઊર્ફે વિશાલ ઠક્કર (રહે. ગાંધીધામ) બેન્ક ખાતાંધારકોની પાસબૂક, બેન્કમાંથી મળતી કીટ, ખાતામાં નોંધાવેલા મોબાઈલ નંબરના સીમકાર્ડ વગેરે બિટ્ટુએ જણાવેલાં સરનામા પર કૂરિયરથી પાર્સલ મોકલી આપતો અને બદલામાં તેને બે હજાર રૂપિયા કમિશન મળતું. બેન્ક ખાતાંઓના કમિશનની લેવડ દેવડનો હિસાબ બિટ્ટુનો સાગરીત કિશન ઊર્ફે કુલદીપ બારોટ રાખતો હોવાનું સ્પષ્ટ થયું છે. કિશનના વોટસએપમાંથી વધુ ૬૯ ખાતાંની વિગતો મળી છે. એ જ રીતે, અંજારના સિનોગ્રાના વકાર હુસેન હોડાએ પણ આ રીતે ૨૫ બેન્ક ખાતાંઓ ખોલાવીને બિટ્ટુને તેને લગતી વિગતો મોકલાવી હોવાનું ખૂલ્યું છે.

બેન્ક ખાતાઓ પર ૧૨૭ ફરિયાદો નોંધાઈ છે

આરોપીઓની પૂછતાછમાં ભાડે અપાયેલાં બેન્ક ખાતાંના આધારે સાયબર ક્રાઈમ પોલીસે સમન્વય પોર્ટલ પર તપાસ કરતાં આ ખાતાંઓમાં સાયબર ફ્રોડથી રૂપિયા જમા થયાં હોવાની ૧૨૭ ફરિયાદો નોંધાઈ હોવાનું સ્પષ્ટ થયું છે. જરૂરતમંદ લોકોને કમિશનની લાલચ આપીને તેમના નામે ખૂલેલાં બેન્ક ખાતાં સાયબર માફિયાઓને આપીને તેમાં વિવિધ પ્રકારે લોકો સાથે આચરાતાં ફ્રોડની રકમ જમા થતી હોવાનું સ્પષ્ટ થયું છે. પોલીસે પાર્થ ઝાલા, અશ્વિન કાનાણી, વશરામ કાનાણી, કિશન વાંજા, વકાર હોડા, કિશન બારોટ, વત્સલ ઠક્કર અને બિટ્ટુ સહિતના આઠે સામે ગુનો નોંધી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. પીઆઈ બી.વી. બોરીસાગરે બિટ્ટુ, વકાર અને કિશન બારોટ સિવાય અન્ય પાંચ જણાંની ધરપકડ કરી મંગળવાર સુધીના રિમાન્ડ મેળવ્યાં છે.  

Share it on
   

Recent News  
ટંકારાના મામલતદારના ભુજમાં આવેલા બંધ ઘરમાં મોટી ચોરીથી પોલીસમાં દોડધામ
 
સામખિયાળીઃ ૧૧ વર્ષની દીકરીની લાંબા સમયથી જાતીય સતામણી કરતો યુવક ઝડપાયો
 
આદિપુરઃ વિમાનમાં ઉડી રોયલ લાઈફ માણવા ૧ કરોડનો માલ ચોરનાર બે નેપાળી કામવાળી પકડાઈ