કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મુંદરા અદાણી પોર્ટ એન્ડ સેઝ દ્વારા શિરાચાના દાનેશ્વર મંદિરે આયોજીત ભાગવત કથા સપ્તાહના બીજા દિવસે અદાણી ગૃપના ચેરમેન ગૌતમભાઈના પત્ની ડૉ. પ્રીતિબેન અદાણીએ ઉપસ્થિત રહીને કથાશ્રવણનો લાભ મેળવ્યો હતો. તો, આજે ત્રીજા દિવસની કથામાં વિવિધ સમાજના આગેવાનો, ધર્મગુરુઓ અને રાજકીય આગેવાનો ધારાસભ્યો જોડાયાં હતા. કચ્છીમાં સંબોધન કરનાર ડૉ. પ્રીતિબેને આ પ્રસંગે જણાવ્યું હતું કે વિકાસ એટલે ફક્ત ફેક્ટરી કે પોર્ટ નહીં, પરંતુ માનવીનો સાચો વિકાસ.
પ્રીતિબેને ઉમેર્યું કે છેલ્લાં ૨૫ વર્ષથી આપ સૌ દરેક પડકારમાં અમારી પડખે ઊભાં રહ્યાં છો, આજે અદાણી ગૃપ ભારત માટે જે કાંઈ કાર્ય કરી રહ્યું છે, ભારતનું નામ વિશ્વભરમાં ગર્વથી લેવાય છે અને તેમાં આપ સૌનો સૌથી મોટો ફાળો છે.
બીજા દિવસે ૮ હજારથી વધુ લોકો ઉમટી પડ્યાં
બીજા દિવસની કથામાં ઉમટેલી વિશાળ જનમેદનીથી કથા મંડપ ટૂંકો પડ્યો હતો અને લગભભ ૮ હજારથી વધુ લોકોએ કથાશ્રવણનો લાભ મેળવ્યો હતો. સપ્તાહનાં બીજા દિવસે બલિયાવડ આશ્રમ (જુનાગઢ)ના આઇશ્રી દેવલમાં, વિરાયતન વિદ્યાપીઠ (માંડવી)ના શિલાપીજી સાધ્વી મહારાજસાહેબ, રાજલધામ (નાની ખાખર)ના આઇશ્રી કામઈ મા, મુંદરા માંડવીના ધારાસભ્ય અનિરુધ્ધ દવે અને કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, અંગદાનના પ્રણેતા દિલીપદાદા દેશમુખ સહિતના રાજકીય-સામાજીક આગેવાનો ઉપસ્થિતિ રહ્યાં હતા.
ત્રીજા દિવસની કથામાં શિરાચા બન્યું વૃંદાવન
આજે ત્રીજા દિવસની કથામાં ભક્તિવિભોર શ્રોતાઓ ગરબે ઘૂમ્યાં હતા. કથામાં ઉપસ્થિત વિવિધ ક્ષેત્રોના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને ધાર્મિક આગેવાનોના લીધે સમગ્ર વાતાવરણ વધુ પુનિત અને ગૌરવમય બન્યું હતું.
કથાકાર કશ્યપભાઈ જોશીએ આજે શ્રીકૃષ્ણ ભગવાનની દિવ્ય લીલાઓનું અત્યંત મનોહર, હૃદયસ્પર્શી વર્ણન કર્યું હતું.
શ્રીમદ્ ભાગવત કથાના રસમાં ડૂબેલાં શ્રોતાઓની ભક્તિ અને ઉલ્લાસ એટલાં પ્રબળ બન્યાં કે એક સમયે વ્યાસપીઠની આસપાસ મોટી ભીડ થઈ ગઈ અને સૌ ગરબે ઘૂમવા માંડ્યા હતા. કથાસ્થળ જાણે વૃંદાવનમાં ફેરવાઈ ગયું હતું.
આ મહાનુભાવો લીધો કથાશ્રવણનો લાભ
અંજાર સચ્ચિદાનંદ સંપ્રદાયના મહંત ત્રિકમદાસજી મહારાજ, મહેશ્વરી સમાજના ધર્મગુરુ પચાણદાદા માતંગ, રતાડીયાના આઈશ્રી ધનબાઈ માં (હાંસબાઈમા ભગવતી ધામ), પ્રખ્યાત કવિ માણેક ભાઈ, કવિ આલ, ભોપા વરજાંગ રામ (વાંકોલ ધામ મુખ્ય પુજારી), પૂજ્ય ભીમસેન શાસ્ત્રી, સંત ચંદ્રકાંતભાઈ ગોરડિયા (હંસ નિર્વાણ આશ્રમ, પ્રાગપર), પૂજ્ય રતનગીરી બાપુ (જૂના અખાડા), કચ્છ કસ્ટમ કમિશ્નર નીતિન સૈની, ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, અબડાસાના ધારાસભ્ય પી.એન. જાડેજા, ગાંધીધામના પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી, સરહદ ડેરીના ચેરમેન વલમજી હુંબલ, ગિરિશભાઈ છેડા, મુંદરા નગરપાલિકા પ્રમુખ રચનાબેન જોશી, ભાજપના આગેવાનો હરિભાઈ જાટિયા સહિતના મહાનુભાવો તથા આસપાસના ગ્રામજનો જોડાયાં હતા.
Share it on
|