|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ સાયબર ક્રાઈમ આચરતી ગેંગો એટલી હદે બેફામ બની છે કે સામાન્ય માણસ હોય કે ખુદ પોલીસ, ટેકનોલોજીના સહારે મોબાઈલ ફોન હૅક કરી રૂપિયા પડાવતાં અચકાતી નથી. ભુજમાં નિવૃત્ત મહિલા PSIને બે માસ ડિજિટલ અરેસ્ટ કરી ૮૩.૪૪ લાખ પડાવાયેલાં. આ બનાવ હજુ તાજો છે ત્યાં મુંદરા તાલુકાના પ્રાગપર પોલીસ મથકના PSI વી.એન. ચાવડાનો મોબાઈલ ફોન સાયબર માફિયાઓએ હૅક કર્યો હોવાનો બનાવ બહાર આવ્યો છે. વોટસએપમાં આવેલી એપીકે (.apk) ફાઈલ ડાઉનલોડ કરી ઓપન કરતાં જ ચાવડાનો મોબાઈલ ફોન હૅક થઈ ગયો હતો. ફોન હૅક કર્યાં બાદ સાયબર માફિયાઓએ પોલીસ તંત્રના જ અધિકારીઓ પાસે મદદના નામે પૈસાના ઉઘરાણાં શરૂ કર્યાં છે! ચાવડાના વોટસએપ પરથી સાથી પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓને ‘એક્સિડેન્ટ થયું છે, પૈસાની તાત્કાલિક જરૂર પડી છે’ તેવા મતલબના સંદેશ સાથે યુપીઆઈ પેમેન્ટ મોકલવા માટેનું સ્કેનર મોકલાઈ રહ્યું છે.
ચાવડાના ઉપરી અધિકારી પ્રાગપરના પોલીસ ઈન્સ્પેક્ટર સંદિપસિંહ ચુડાસમા અને ભુજ વિભાગના નાયબ પોલીસ અધીક્ષક એમ.જે. ક્રિશ્ચિયન સહિતના અધિકારીઓને આવા મેસેજ જતાં તેઓ ચોંકી ઉઠ્યાં હતા.
ફોનના કોન્ટેક્ટ લિસ્ટમાં હોય તેવા તમામ લોકો અને પોલીસ ખાતાંના વિવિધ વોટસએપ ગૃપમાં ચાવડાના વોટસએપ પરથી એપીકે ફાઈલ ફોરવર્ડ કરવામાં આવી રહી છે. જેથી, બીજા લોકો પણ જાળમાં સપડાઈ જાય.
આ મામલે પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલની મદદ લેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે કચ્છના પૂર્વ સાંસદ પુષ્પદાન ગઢવીનો આ જ ઢબે ફોન હૅક કરી લોકો પાસે નાણાં માંગવામાં આવી રહ્યાં હોઈ તેમના પુત્રએ લોકોને નાણાં ટ્રાન્સફર ના કરવા અનુરોધ કર્યો છે.
Share it on
|