કચ્છખબરડૉટકોમ, મુંદરાઃ મોટી ભુજપુરનો યુવક છેલ્લાં ચાર વર્ષથી યુવતીનું શારીરિક શોષણ કરતો હોવાનો બનાવ મુંદરા પોલીસ મથકે નોંધાયો છે. ૨૦ વર્ષની યુવતીએ મુંદરા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ૨૦૨૧માં તે સગીર વયની હતી અને ધોરણ ૧૧માં ભણતી હતી ત્યારથી અનિરુધ્ધસિંહ કનુભા જાડેજા તેની પાછળ હાથ ધોઈને પડી ગયેલો. અનિરુધ્ધ સતત તેનો પીછો કરી હેરાન કરતો અને સંબંધ રાખવા દબાણ કરતો. ૨૦૨૨માં તેને કથિત રીતે પ્રેમજાળમાં ફસાવીને શારીરિક સંબંધ બાંધેલો.
આ સમયે તેણે અશ્લીલ ફોટો અને વીડિયો રેકોર્ડ કરી લીધા હતા. બાદમાં આ ફોટો વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેણે વારંવાર પીડિતાની મરજી વિરુધ્ધ શારીરિક શોષણ કરવાનું શરૂ કરેલું.
એટલું જ નહીં, પીડિતાની મરજી નહોતી છતાં અનિરુધ્ધે તેને અમદાવાદ આવવા ફરજ પાડેલી. અનિરુધ્ધના મિત્રો ઈન્દ્રવદનસિંહ ઝાલા, કિશન ગઢવી, પ્રદિપસિંહ જાડેજા (રહે. મોટી ભુજપુર) અને વિરાટસિંહ (રહે. મોટા કપાયા)એ પણ અનિરુધ્ધનો પક્ષ લઈ તેની સાથે અમદાવાદ જવા ફરજ પાડી હતી. બનાવ અંગે મુંદરા પોલીસે પોક્સો, દુષ્કર્મ અને તેમાં મદદગારી બદલ અનિરુધ્ધ જાડેજા તથા તેના ચાર મિત્રો સામે ગુનો દાખલ કર્યો છે.
લગ્નના નામે યુવકે બળજબરીથી દુષ્કર્મ આચર્યું
અંજારના મેઘપર બોરીચીના પરસોત્તમનગરમાં રહેતા નીતિન ભેમાજી ઠાકોર નામના યુવક સામે ગાંધીધામની ૨૮ વર્ષિય યુવતીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. યુવતીએ જણાવ્યું છે કે પાંચ છ મહિના અગાઉ તે નીતિનના પરિચયમાં આવેલી. નીતિને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપેલી. બાદમાં તેની જોડે મારકૂટ કરી, બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધેલો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી. અંજાર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દરમિયાન, અંજાર પોલીસ મથકે એક કિશોરીને પ્રેમજાળમાં ફસાવી યુવક અપહરણ કરી ગયો હોવાની બીજી ફરિયાદ પણ દાખલ થઈ છે.
Share it on
|